મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કોંગ્રેસે નોટબંધી કર્યાના પાંચ દિવસમાં જ ગુજરાતની કેટલિક સરકારી બેંકોમાં હજારો કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે નોટબંધી આઝાદ ભારતનું સૌથી મોટુ કૌભાંડ છે જેની વિસ્તૃત અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરટીઆઇમાં મળેલી માહિતી દર્શાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે જવાબ આપવો જોઈએ કે નોટબંધીના સમયે ભાજપ અને આરએસએસએ કેટલી કિંમતની સંપત્તિઓ ખરીદી.

સુરજેવાલાએ પત્રકારોને કહ્યું કે નોટબંધી આઝાદ ભારતનું સૌથી મોટુ કૌભાંડ છે. તેની વિસ્તૃત અને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. અમિત શાહ જે સરકારી બેંકના ડિરેક્ટર છે તે બેંકમાં નોટબંધીના દસ દિવસમાં 745 કરોડ રૂપિયા જમા કરવામા આવ્યા. ગુજરાતમાં ભાજપના નેતાઓ દ્વારા સંચાલિત 11 બેંકોમાં પાંચ દિવસમાં 3118 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે શું વડાપ્રધાન મોદી આ મામલાઓની નિષ્પક્ષ તપાસ કરાવશે? અમને આશા છે કે મોદી આ મુદ્દે જવાબ આપશે.