મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: જી-૨૦ શિખર સંમેલન સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાન સાથે મુલાકાત કરી છે. આ બંને મહાનુભવોએ આર્થિક, સંસ્કૃતિક અને ઉર્જા ક્ષેત્રમાં સંબંધો વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બંને દેશોમાં પ્રોદ્યોગિક, નવીનીકરણ ક્ષેત્ર ઉર્જા તેમજ ખાદ્ય સુરક્ષામાં રોકાણ વધારવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટર પર લખ્યું કે, ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાન અલ સઉદ સાથે સકારાત્મક વાતચીત થઇ. અમે ભારત-સાઉદી અરબ વચ્ચેના સંબંધોમાં વિવિધ પાસાઓ તેમજ આર્થિક, સંસ્કૃતિક અને ઉર્જા ક્ષેત્રમાં સંબંધો વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પોતાના ટ્વીટમાં કહ્યું કે, રાજનીતિક સંબંધોને વધુ મજબુત બનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાન અલ સઉદ સાથે આર્જેન્ટીનામાં યોજાયેલ જી-૨૦ શિખર સંમેલનમાં મુલાકાત કરી હતી. જેમાં આધારભૂત સંરચના, પેટ્રોલીયમ તેમજ સંરક્ષણ ક્ષેત્રે પણ રોકાણ વધારવા ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન કાર્યાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉદી અરબ ગણરાજ્ય એક મહત્વપૂર્ણ સાથીદાર રહ્યુ છે. આ સંબંધોનો વિસ્તાર ભારતીય સમુદાય સાથે અર્થવ્યવસ્થા, ઉર્જા અને સુરક્ષાથી જોડાયેલા મુદ્દાઓ સુધી થયો છે. જેમાં દ્વિપક્ષીય અને ક્ષેત્રીય હિતના દરેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એતોનીયો ગુતારેસ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત જલવાયું પરિવર્તનના મુદ્દા પર બંને નેતાઓ દ્વારા અપાઈ રહેલા મહત્વને દર્શાવે છે.

આ બે દિવસીય ૧૩માં જી-૨૦ શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમજ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે સાથે પણ મુલાકાત થનાર છે. આ બેઠક એવા સમયે થઇ રહી છે જયારે ચીન હિન્દ-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ દેખાડી રહ્યું છે. આ ત્રિપક્ષીય મુલાકાત ટ્રમ્પ અને આબે વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની સંલગ્ન બેઠક જ હશે.

અહીં પહોંચીને પીએમ મોદીએ ટવીટ કર્યું હતું કે, મજબુત વિકાસને આગળ વધારવાના ઉદેશ્યથી આ જી-૨૦ શિખર સંમેલનમાં વ્યાપક ચર્ચાઓ થાય તે માટે આશાવાદી છું. મોદી આ સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ તેમજ જર્મનીના ચાન્સેલર એન્જેલો મર્કેલ સાથે પણ મુલાકાત કરશે.