મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર એલસીબી પોલીસે આજે શહેરની ભાગોળેથી તાજીયા ગેંગના એક સાગરિતને આંતરી લઇ બે પિસ્તોલ અને બે દેશી તમંચા સહીત ચાર હથિયાર અને ૨૧ જીવંત કારતુસ સાથે આંતરી લીધો છે. આ હથિયાર રાધનપુરના જ અને તાજીયા ગેંગના સાગરિત પાસેથી પ્રાપ્ત કર્યું હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ શખ્સ કુખ્યાત યાસીન મોટાનો જમણો હાથ હોવાનું અને સૌરાષ્ટ્રમાં લૂંટ, ધાડ અને હથિયારધારા સંબંધે અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જોડિયા ખાતેથી પકડાયેલ ૫૦૦ ઉપરાંત પેટી દારૂમાં પણ આ શખ્સની સંડોવણી ખુલવા પામી છે.

જામનગરમાં એક સમયે જેની હાંક વાગતી એવી તાજીયા ગેંગ હાલ છાનેખુણે ક્યાંકને ક્યાંક ચમકતી રહે છે. ત્યારે તાજીયા ગેંગનો વધુ એક ખુંખાર સાગરિત પોલીસની ગિરફતમાં આવી ગયો છે. મૂળ લૈયારાના અને હાલ રાજકોટ રહેતા વસીમ ઉફે છોટીયો આમદ સુમરા નામનો શખ્સ હથિયારો સાથે પોતાના કબજાની જીજે ૦૩ એચ કે ૫૮૦૨ નંબરની કાર લઇ રાજકોટથી જામનગર આવતો હોવાની જામનગર એલસીબીને હકીકત મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક ગુલાબનગર વિસ્તારમાં વોચ ગોઠવી રસ્તા પરથી પસાર થતી ઉપરોક્ત નંબરની કારને આંતરી લીધી હતી.

કારની તલાસી લેતા ચાલક અને તાજીયા ગેંગનો સાગરિત વસીમ પાસેથી રૂપિયા એક લાખની કિંમતની બે પિસ્તોલ અને બે તમંચા તથા ૨૧ નંગ જીવંત કારતુસ મળી આવ્યા હતા. પોલીસે કાર અને હથિયારો સાથે વસીમની ધરપકડ કરી હતી. આરોપી વસીમ એક વર્ષ પૂર્વે જોડિયા પંથકમાં મળી આવેલ ૫૨૫ પેટી દારૂ પ્રકરણ સંડોવાયો છે. ઉપરાંત લૈયારાના જ કુખ્યાત યાસીન મોટાનો જમણો હાથ હોવાની સાથે અનેક ગુનાઓને અંજામ આવ્યો હોવાનું સામે આવ્યું છે.

વસીમે જામનગર ઉપરાંત રાજકોટ અને મોરબી જીલ્લામાં આંગડિયા લૂંટ, ધાડ, તેમજ હથિયાર ધારા સહિતના અનેક ગુનાઓ આચર્યા છે. પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.