મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર ખાતે આજે ખેડૂત સંમેલનમાં હાર્દિક પટેલે ખેડૂતોને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી તો પ્રદુષણ મુદ્દે જાયન્ટ રિલાયન્સ કંપનીને પણ વખોળી કાઢી હતી. ખેડૂતોના નક્કી કરેલ પેન્સનની જગ્યાએ  પૂરતી વીજળી, પૂરતા ભાવ અને રાસાયણિક ખાતર અને દવામાંથી જીએસટી મુક્તિ આપવાનક વાત કરી સરકારની ખેડૂત નીતિને આડે હાથ લીધી હતી.

જામનગરમાં અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.  જામનગરના આશરે ૧૦ હજારથી વધુ ખેડૂત ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલે ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઇને સરકારને ઘેરી આક્રમક શૈલીમાં સરકારની ઝાટકણી કાઢી હતી. સરકાર આકરા પ્રહાર કરતા હાર્દિકે કહ્યું કે, ખેડુતોને 24 કલાક નહિ 8 કલાક વિજળી આપો તો પણ ઘણુ છે.

મગફળીના ૧૪૦૦ અને કપાસના ૧૬૦૯-૧૭૦૦ રૂપિયા આપો, ૬૦૦ રૂપિયા પેન્શન નથી જોઈતું, જંતુનાશક દવા - ખાતર અને બિયારણ પર જીએસટી હટાવવા હાર્દિકે સરકારને સૂચન કર્યું હતું. પરંતુ આ મુદ્દે કોઈ બોલવા તૈયાર નથી એમ જણાવી પટેલે ભાજપના શાસનમાં વ્યાપેલા ભયને રજુ કર્યો હતો. કૃષિ મંત્રી આર સી ફળદુએ ગામડે ગામડે કહ્યું સભામાં જવાનું નથી, એ તો ઠીક વાહન ચાલકોને ગાડી ડિટેઇનનો ભય બતાવવામાં આવ્યો છે છતાં પણ સભામાં ખેડૂતોની વિશાળ ઉપસ્થિતિને બિરદાવી હતી. 

જમીન માપણીમાં રહેલી ક્ષતિને દર્શાવી હાર્દિકે ખેડૂતોને જણાવ્યું હતું કે, તમે ભવિષ્યમાં છોકરાઓને જમીન નહીં , વેર આપીને જશો, સરકારે જમીન માપણી કરી એક-બીજાની જમીન બદલાવી નાખી છે. પરંતુ કોઈ બોલવા તૈયાર નથી, ખેડૂત, યુવાન, મહિલાઓ બધા જ ચૂપ છે. બીજેપી સામે કોઈ બોલવા તૈયાર નથી. આવું નહીં ચાલે સંગઠિત બનવું પડશે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 2200 ખેડૂતોના આપઘાતના બનાવોને ટાંકી સરકારને સુફિયાણી સલાહ આપી હતી કે દીકરી વગર જેમ દીકરાની આસ ન રખાય એમ ખેડૂત વગર રોટલો ક્યાંથી આવશે ? ધારાસભ્યોને પગાર વધારાનો વિરોધ કરી એ રુપુયા ખેડૂતોને આપવા કહ્યું હતું. ભાજપની ખેડૂતલક્ષી નીતિને ખોટી કહી હાર્દિકે જુઠાણા ફેલાવવામાં ગોલ્ડ મેડલ આપવો પડે એમ ઉમેર્યું હતું. મેં સ્થાનિક નેતાઓને કહ્યું હતું તમે ખેડૂતો અને રિલાયન્સ વિરુદ્ધની વાત કરો, કોઈ એ વાત નથી કરતું તેથી ખેડૂત અધિકાર સંમેલનમાં જોડાયો છું એમ કહ્યું હતું. 

રાજ્ય અને દેશના ગુજરાતી પાટીદાર કૃષિ મંત્રીઓની ખીલ્લી ઉડાવતા હાર્દિકે આર સી ફળદુને ટ્રેક્ટરમાં કેટલા ગિયર છે તેની અને પુરુસોત્તમ રૂપાલાને કઈ ઋતુમાં કયો પાક થાય ? તેની પણ ખબર નથી ત્યારે એમાંથી શું આશા રાખવી ? એમ ગર્ભિત વાણી ઉચ્ચારી હતી. 

જામનગરમાં ઓછા વરસાદ અને દુષ્કાળ માટે રિલાયન્સનું પ્રદુષણને આગળ ધર્યું હતું અને આ મુદ્દે લડાઈ છેડવાની વાત કરી હતી. સ્થાનિક જન પ્રતિનિધીઓને પણ આડે હાથ લઇ પટેલે કહ્યું હતું કે મુકેશ અંબાણી ભાજપને ના પાડી દે, અમિત શાહ આર સી ફળદુ અને પૂનમબેનને ચૂપ કરી દે છે. ત્યારે રિલાયન્સ સામે કોણ અવાજ ઉઠાવે ? જે લડે તેને રિલાયન્સ ફોન કરી દએ, હપ્તો બાંધી આપે, ખેડૂતોની વાત ત્યાંની ત્યાં જ રહી જાય છે. હવે મારે જોવું છે રિલાયન્સ મને કેમ તોલે છે ? એમ કહી ભવિષ્યમાં કંપની સામે મોરચો માંડવાની ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી.

કોંગ્રેસના પાટલી બદલું નેતાઓને સંબોધી હાર્દિકે કહ્યું હતું કે એ ભૂલ આપણી છે. આપણે જ એને મત આપ્યો છે. આપણામાં સુજબૂજ નથી. હવે સમય આવ્યો છે સંગઠિત થવાનો, એક થવાનો અને મજબૂત લડાઈ લડવાનો, આગામી સમયમાં લડવા તૈયાર રહેવા અંતે હાર્દિકે સૌને હાકલ કરી હતી.

આ ખેડૂત અધિકાર સંમેલનમાં પાસ કન્વીનર હાર્દિક ઉપરાંત હિન્દૂ મહા સભાના સ્વામી ચક્રપાણી મહારાજ,  જન અધિકાર મંચના પ્રવીણ રામ, જીલ્લાના કોંગી ધારાસભ્યો વિક્રમમાડમ, ચિરાગ કાલરીયા,પ્રવિણમુછડીયા, વલ્લભ ધારવિયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ અને સંમેલનના આયોજનના મુળમાં રહેલા જેન્તી પટેલ, દિગુભા જાડેજા જેવા કોંગી અગ્રણીઓ અને ઈન્દ્રનીલ રાજયગુરુ ઉપસ્થિત રહ્યા હતા.