મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં યુવાનો અને ખેડૂતોનું ભલું નહીં કરનાર ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની માંગણી કરતા પાસના કન્વીનર હાર્દિક પટેલે કહ્યું છે કે, રાજ્ય સરકારે બિનઅનામત વર્ગનો તાત્કાલીક સર્વે કરાવી કોર્ટમાં ટકી શકે તેવું અનામત વિધેયક લાવવું જોઈએ.

ગાંધીનગરમાં રાજ્યના મંત્રીમંડળના નિવાસસ્થાન વિસ્તારમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આવવાની તક મળતા વિપક્ષ નેતા સમક્ષ આંનદ વ્યકત કરતા હાર્દિક પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે ડ્રો કર્યા સિવાય બિનઅનામત બીલ લાવી ચર્ચા કરવી જોઈએ. વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે લગભગ દોઢ કલાક ચર્ચા કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા હાર્દિકે કહ્યું કે, તમામ બિનઅનામત વર્ગને લાભ મળે અને અત્યારના અનામત કવોટામાં કોઈને પણ નુકશાન થાય નહીં તે રીતે લાભ આપવો જોઈએ. વિપક્ષ નેતા સાથે ચર્ચા કરી રજુઆતો કરવા સાથે પાસના નિષ્ણાતો અને આગેવાનો સૂચવે તે સુધારા-વધારા સાથે બીલ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ બીલ માટે ડ્રો સીસ્ટમ નાબુદ કરી મહારાષ્ટ્ર અને નાય રાજ્યોની જેમ વિધેયક મંજુર કરવું જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, બિનઅનામત કમીશનમાં પાટીદાર સમાજ ઉપરાંત ક્ષત્રીય સમાજ અને બ્રહ્મ સમાજ દ્વારા પણ અરજી કરવામાં આવી છે. તેમાં ૧૫ દિવસમાં જરૂરી વિગતો મેળવી સર્વે કરીને ૬૦ દિવસમાં અહેવાલ આપવાનું આ કમીશન દ્વારા જણાવવામાં આવ્યું છે. આ કમીશન સમક્ષ કોંગ્રેસને પણ અરજી કરવાનું કહેતા તેમને ઉમેર્યું કે, અન્ય રાજ્યોમાં અનામત આપી શકાતી હોય તો ભાજપને ગુજરાતમાં કેમ મુશ્કેલી છે તે સમજાતું નથી. તેમણે બેરોજગારીથી લઇ લોકરક્ષક પેપર લીક સુધીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, યુવાનો અને ખેડૂતોનું ભલું નહીં કરનાર મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.