પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): નરેન્દ્ર મોદી જ્યારે નોટબંધી લાવ્યા ત્યારે મધ્યમવર્ગ ખુશ હતો. જો કે તેમનો આનંદનું કારણ નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા ઐતિહાસીક નિર્ણય ન્હોતો, પણ શ્રીમંતો કેવા ફસાઈ ગયા તેનો આનંદ હતો. પોતાની પાસે રહેલી ચલણી નોટો બદલાવવા માટે બેન્કોની બહાર દોઢ મહિના સુધી લાંબી લાઈનો લાગી ત્યારે મધ્યમવર્ગને સમજાયુ કે લાઈનમાં એક પણ નેતા, ઉદ્યોગપતિ અને કરોડપતિઓ ઉભા નથી. જેમની પાસે પોતાની બચતના લાખ બે લાખ હતા તેમને તે પૈસા ભરતા નાકે દમ આવી ગયો અને જાણે તેમણે ચોરી કરી છે તેવા ભાવ સાથે તેઓ લાઈનમાં ઉભા રહ્યા અને બેન્ક પણ તેમની ઉપર ઉપકાર કરતી હોય તે રીતે પૈસા જમા કરાવ્યા.

જેમની પાસે કરોડો રૂપિયા હતા અને તે પણ કાળું નાણું હોવાનું સરકાર કહી રહી હતી તેવો એક પણ  વ્યક્તિ બેન્કની લાઈનમાં ઉભો રહ્યો નહીં. છતાં કરોડો રૂપિયા બેન્કમાં આવી ગયા અને તેમની પાસે નવી ચલણી નોટો પણ આવી ગઈ. રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે 99 ટકા જુની નોટો પાછી ફરી અને બેન્કમાં જમા થઈ તેનો અર્થ જેમણે કરોડો રૂપિયા પણ ભર્યા છે તેમની પાસે ઈન્કમટેકસ વિભાગને આ પૈસા ક્યાંથી આવ્યા તે બતાડવાનું કારણ અને હિમંત બંન્ને છે. તેનો અર્થ નરેન્દ્ર મોદીનો દાવો હતો કે કાળું નાણું બહાર આવશે તેવુ થયુ નહીં અને મધ્યમવર્ગ પીસાઈ ગયો. સામાન્ય માણસે પોતાની આપત્તી વખતે કામમાં આવે તેવી મહેનતની કમાણી પોતાની પાસે રાખી હતી. ગૃહેણીએ ઘર ખર્ચમાંથી બચાવી, પોતાના પતિ અને બાળકોથી છુપાવી સાડીઓની વચ્ચે અથવા અનાજના ડબ્બામાં સંતાડી રાખેલી બચત હતી તે નોટબંધી દરમિયાન બેન્કમાં આવી ગઈ.

નાની મોટી તમામ બેન્કો પાસે કરોડો રૂપિયા આવી ગયા હતા. હવે બેન્કો માટે સમસ્યા એવી હતી કે તેમની તિજોરીમાં પડેલા કરોડો રૂપિયા લોન તરીકે લેવા કોઈ તૈયાર ન્હોતુ. જે મધ્યમવર્ગને લોનની જરૂર છે તેવા મધ્યમવર્ગ પાસે પુરતા દસ્તાવેજ નથી તેવા બહાને બે-પાંચ લાખની લોન મંજુર કરવામાં આવતી ન્હોતી. વાત અહિંયા અટકી નહીં. સામાન્ય માણસ જેમને શેર બજારમાં ખબર હતી નથી, તેઓ પોતાની એક-એકપાઈ બચાવી બેન્કમાં ફિક્સ ડીપોઝીટ કરતો હતો, તેને હતું કે તેની નિવૃત્તીમાં તેને બેન્ક ડીપોઝીટ જીવાડી જશે, પણ બેન્ક દ્વારા મહત્તમ છ ટકા વ્યાજ કર્યું. જેમની પાસે દસ લાખ રૂપિયા છે તેમને વર્ષે રૂ. 60000  જ વ્યાજ મળે એટલે મહિને 5000 વ્યાજ મળે આમ એક પરિવારે માત્ર 5000માં જીવવુ પડે.

આ દયનીય સ્થિતિ છે,  બીજી તરફ રોજ ન્યૂઝ ચેનલ્સ અને અખબારમાં મ્યુચ્યુઅલ ફંડની જાહેરાતો આવવા લાગી હતી. જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગને લાગ્યુ કે બેન્કની ફિક્સ ડીપોઝીટ કરતા ચાર-પાંચ ટકા વધુ વ્યાજ મળશે તો ગુજરાતન ચાલી જશે. કારણ મ્યુચ્યુઅલ ફંડ ઉપર ઈન્કમટેક્સ લાગતો નથી. મધ્યમ વર્ગ જેને શેર બજારમાં ખબર પડતી નથી તેમણે વિવિધ ફંડ મેનેજરો ઉપર ભરોસો મુક્યો અને ડીપોઝીટ તોડી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કર્યુ, પણ જેટલી સાહેબે હવે એક લાખ કરતા વધુ આવક થાય તેની ઉપર ટેક્સ નાખી દીધો. આમ મધ્યમવર્ગની સ્થિતિ ગાયને દોહી કુતરાને દુધ પીવડાવવા જેવી થઈ.

બાકી હતું તો હવે દેશની ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાને નીરવ મોદીનો સામનો કરવો પડ્યો. પોતાની એક એક પાઈ બેન્કમાં મુકનાર મધ્યમવર્ગને ખબર નથી કે તેમની બેન્કમાં ક્યા નીરવ મોદી અથવા વિજય માલ્યાનું ખાતુ છે. આ મોદી અને માલ્યા જેવા માલેતુજારોને કોઈ પણ પ્રકારના દસ્તાવેજો વગર કરોડો રૂપિયા મળી જાય છે, જે આપણી બચત છે. જેમ ગરીમીનો પારો વધે તેમ નીરવ મોદી ખરેખર કેટલાં લઈ ગયા તેનો આંકડો રોજ વધતો જાય છે. પોતાના નાનાકડા ઘરનું બજેટ નહીં સમજી શકનાર મારા અને તમારા જેવા સામાન્ય માણસોની નીરવ મોદી અને માલ્યા શુ કરી ગયા તે સમજાતુ નથી. હમણાં સુધી દેશમાં જેટલાં ગોટાળા થયા તેના માટે નરેન્દ્ર મોદી કોંગ્રેસને જવાબદાર ગણી રહ્યા હતા, તે વાત સાચી પણ છે.

કોંગ્રેસને દેશની રખેવાળી કરતા ના આવડી માટે પ્રજાએ તેમને બાજુ ઉપર બેસાડી નરેન્દ્ર મોદીને નવા ચોકીદાર તરીકે બેસાડ્યા. હવે નવા ચોકીદારની ફરજ હતી, નાના માણસની તમામ બાબતોનું તે ધ્યાન રાખે અને રક્ષણ કરે, પણ તેવુ થયુ નહીં. ગરીબો નરેન્દ્ર મોદીના શાસનમાં પણ લૂંટાતા રહ્યા, ક્યારેક કાયદાની ઝપેટમાં લૂંટાયા અને ક્યારેક નીરવ મોદી જેવા લુંટી ગયા. આજે પણ દેશની મોટા ભાગની પ્રજા માને છે કે બેન્કમાં તેમના પૈસા સલામત છે, પણ પ્રજાને ખબર નથી કે બેન્કમાં તમારા મુકવામાં આવેલા તમામ પૈસાની બેન્કની જવાબદારી નથી. માત્રને માત્ર એક લાખ રૂપિયા જ પાછા આપવાની જવાબદારી બેન્કની છે. આવતીકાલે નીરવ મોદીના ‘પુણ્યપ્રતાપે’ પંજાબ નેશનલ બેંક જાહેરાત કરે કે હવે અમે બેંક બંધ કરી દઈએ છે તો જો પંજાબ નેશનલ બેન્કમાં કોઈ નાગરિકના દસ લાખ રૂપિયા હોય તો બેન્ક તેને માત્ર એક લાખ જ પરત કરશે. કારણ કે બેન્કના વિમા કવચ પ્રમાણે બેન્ક એક લાખ પરત આપવા જ બંધાયેલી છે.