પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ. અમદાવાદ): નરેન્દ્ર મોદી પ્રચારકમાં ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે 1987માં આવ્યા અને પત્રકારત્વમાં 1989માં આવ્યો, મારી પહેલી નોકરી અમદાવાદથી પ્રસિધ્ધ થતાં સમભાવ અખબારમાં હતી, ત્યારે સમભાવની ઓફિસ અમદાવાદના ખાનપુરમાં હતી અને ભાજપનું પ્રદેશ કાર્યાલય પણ ત્યાં જ હતું, નરેન્દ્ર મોદી મહામંત્રી થયા ત્યારથી મારો તેમની સાથે પરિચય રહ્યો, જો કે તેમની કામ કરવાની પધ્ધતિ સામે મારે પહેલાથી વાંધો હતો. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી અમે અનેક વખત મળ્યા હોઈશું, પણ અમે બંન્ને એકબીજાને પસંદ કરતા  નથી  તે વાત અમે અને બીજા ઘણા બધા પણ જાણે છે. નરેન્દ્ર મોદી સામે જ્યારે પણ લખવાનો પ્રસંગ ઊભો થયો ત્યારે મેં જરા પણ સંકોચ વગર તે લખ્યું છે. 2002ના કોમી તોફાનો અંગે મેં લખેલા ગોધરાના રમખાણુનું અધુરૂ સત્ય પુસ્તકમાં પણ મેં તેમની ટીકા કરી છે. જેના કારણે હું નરેન્દ્ર મોદીનો ટીકાકાર છું, તેવી છાપ વધારે ઘાટી થઈ છે.

2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી મારા કેટલાંક અધિકારી મિત્રો મને મઝાકમાં પુછતાં કે હવે શું કરશો, નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન થઈ ગયા, ત્યારે હું પણ મઝાકમાં તેમનો ઉત્તર આપતો કે  મારી પહોંચ પીએમ હાઉસ સુધી છે, હું ત્યાં ફોન કરૂ તો મારે મારો પરિચય આપવાની જરૂર નથી માત્ર પ્રશાંત દયાળ બોલુ છું એટલુ જ મારે વડાપ્રધાનને કહેવું પડે... ખેર મુળ વાત એવી છે કે સતત 2001થી 2014 સુધી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હોવાને કારણે અવારનવાર માટે ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયોની ટીકા કરવાનું જ કામ હતું કારણ એક પત્રકારે કાયમ ઓડીટરની ભૂમિકામાં રહીને જ કામ કરવું જોઈએ તેવું હું માનતો રહ્યો છું, રાજા સારો છે તે રાજાએ સારા રહેવું તેનો તે ધર્મ છે, પણ જો સારા યોગ્ય કામ કરતો નથી તો શબ્દોથી તેનો કાન પકડવાનું કામ મારૂ અને મારા જેવા પત્રકારોનું છે.

કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસની પણ ટીકા આટલી જ આક્રમતાથી મારા પત્રકારત્વમાં કરતો હતો, પણ કોંગ્રેસની સરકાર છેલ્લાં બે દાયકાથી સત્તાની બહાર હોવાને કારણે મેં કોંગ્રેસની વિરૂધ્ધ કરેલા રિપોર્ટીંગના સાક્ષી બહુ ઓછા લોકો રહ્યા છે, જેના કારણે ભાજપ અને ભાજપ તરફી વિચારસરણીવાળા લોકો માને છે કે હું નરેન્દ્ર મોદી અને ભાજપ વિરોધી છું, મેં અનેક વખત કહ્યું કે હું સત્તામાં રહેલી ખામીઓનો વિરોધી રહ્યો છું અને જે સત્તામાં હશે તેને લાગશે કે હું તેમનો વિરોધ કરી રહ્યો છું, કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે જેના કારણે ગુજરાતમાં તેમની વિરૂધ્ધ લખવાનો બહુ ઓછો અવસર મળે છે. છતાં કોંગ્રેસ માયકાંગલી અને લકવાગ્રસ્ત અને નેતૃત્વ વિહોણી છે તેવું હું અનેક વખત લખી  ચુકયો છું, પણ કોંગ્રેસ અંગે લખાયેલી સ્ટોરીના વાચકોની સંખ્યા નાની હોવાને કારણે તે જલદી તેની નોંધ લેવાઈ નથી.

તમે તો ભાજપ અને નરેન્દ્ર મોદીના જ વિરોધી જ છો, તેવું જે લોકો નરેન્દ્ર મોદીને પસંદ કરતા નથી તેમણે પણ મારા વિશે ધારી લીધુ છે, હમણાં મેં એક લેખ લખ્યો જેમાં મેં લખ્યું કે આપણે નરેન્દ્ર મોદી સામે લાખ વાંધા હોય તો પણ નરેન્દ્ર મોદી સામે બદલો લેવા માટે આપણે જશોદાબહેનનો ઉપયોગ કરવો જોઈએ નહીં, નરેન્દ્ર મોદી અને જશોદાબહેનના સંબંધો બહુ વ્યકિગત બાબત છે, જશોદાબહેનને હથિયાર બનાવી નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકવામાં આવે તે કોઈ પણ સભ્ય સમાજ માટે ઉચીત અને વાજબી નથી. 2016માં જ્યારે નરેન્દ્ર મોદી નોટબંધી જાહેર કરી ત્યારે સમગ્ર દેશમાં તેમની સામે નારાજગી અને ગુસ્સો હતો, તેના જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને પચાસ દિવસ તો આપો.

હું પોતે પણ નોટબંધીના નિર્ણય સાથે સહમત્ત ન્હોતો, મારા પોતાના ઘર ખર્ચ માટે પણ હું પૈસા લઈ બેન્કની લાઈનમાં ઉભો રહ્યો હતો, આમ છતાં મેં કહ્યું કે નરેન્દ્ર મોદીનો નિર્ણય સાચો છે કે ખોટો તેના માટે તેમને સમય આપવો પડે, પહેલા પચાસ દિવસ તો આપણે સહન કરીએ, આજે માનું છું કે નોટબંધીનો નિર્ણય ખોટો હતો પ્રજા તો ત્યાંને ત્યાં જ ઊભી છે, પણ નોટબંધી વખતે બધા મોદીની ટીકા કરી રહ્યા હતા ત્યારે મેં કહ્યું તેમને તમે સમય આપો નરેન્દ્ર મોદી કરે છે તે બધુ જ ખોટું છે તેવું ઉતાવળીયે માની લેવાની જરૂર નથી. મેં જશોદાબહેન અંગે જ્યારે લેખ લખ્યો ત્યારે તેના મીશ્ર પ્રતિસાદ મળ્યા હતા, જેમાં અનેક વાંચકો મારી વાત સાથે સહમત્ત હતા પણ જ્યારે હું નરેન્દ્ર મોદીની ટીકા કરૂ ત્યારે મારી ઉપર વરસી પડતા વાંચકો જશોદાબહેનનો લેખ વાંચી નારાજ થયા હતા.

તેમની નારાજગીનો સુર એવો હતો કે તમે કઈ રીતે નરેન્દ્ર મોદી  અંગે હકારાત્મક લખી શકો, એક છુપો સુર હતો કે તમે નરેન્દ્ર મોદીને ગાળો આપો તો જ અમને મઝા પડે છે. હવે મારે કોઈને મઝા પડે તે માટે જ મોદીને ગાળો આપવાની? તમે જ નક્કી કરો......

  • (સાભારઃ સુરતથી પ્રસિધ્ધ ગુજરાત મિત્રમાંથી)