પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપર જયેશ શાહ દ્વારા એક પુસ્કત લખવામાં આવ્યું છે. લેખક જયેશ શાહ લાંબા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, તેમના દ્વારા  લિખીત અને પ્રકાશીત નમો નમઃ પુસ્તકમાં તેમણે નરેન્દ્ર મોદી અને અમિત શાહને જુમરો અને મદારી તરીકે ઉલ્લેખ કર્યો હોવાને કારણે મોદી અને શાહની દેશ અને વિદેશમાં પ્રતિષ્ઠા ખરડાઈ છે. તેવા આરોપ સાથે આ પુસ્તકના વિતરણ અને વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માગણી કરતી અરજી અમદાવાદ કોર્ટમાં થઈ છે. કોર્ટ દ્વારા લેખક જયેશ શાહને તા 30મી ઓકટોબરના રોજ કોર્ટ સામે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.

અમદાવાદની દિવાની કોર્ટમાં કર્તવ્ય સુબોધ શાહ નામની વ્યકિત દ્વારા કરવામાં આવેલી અરજીમાં આરોપ મુકી  માગણી કરવામાં આવી છે જયેશ શાહ દ્વારા લિખીત અને પ્રકાશીત નમો નમઃ રાજનીતિ કા નયા ભકતીકાલ  નામના પુસ્તકની કેટલી આવૃત્તી છાપવામાં આવી છે તે જાહેર કરવામાં આવ્યું નથી. જેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની પ્રતિભાને નુકસાન થાય તેવો ઈરાદાપુર્વકનો પ્રયાસ થયો છે. તેમણે મોદી અને શાહ માટે મદારી અને જુમરા જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જેના કારણે મોદી અને શાહ દેશ-વિદેશમાં હાંસીપાત્ર થઈ શકે છે તેથી તાત્કાલીક ધોરણે આ પુસ્તકના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે.

કર્તવ્ય શાહે અરજીમાં કહ્યું છે કે તેઓ દેશના નાગરિક છે તેના કારણે તેમણે દેશના વડાપ્રધાન અંગે લખાયેલા આ પુસ્તક ઉપર પ્રતિબંધ મુકવાની માગણી કરી છે. આ મામલે હવે કોર્ટ દ્વારા તા 30મી ઓકટોબરના રોજ જયેશ શાહને કોર્ટમાં હાજર રહી પોતાનો પક્ષ રજુ કરવા જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ જયેશ શાહ દ્વારા નરેન્દ્ર મોદી ઉપર ફેંકુ પુસ્તક લખ્યું હતું અને પ્રકાશીત પણ કર્યું હતું.