મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનરની ખાલી પડેલ જગ્યા તાત્કાલિક ધોરણે ભરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે જેમાં હાઈકોર્ટમાં ગુજરાત સરકારને નોટીસ ઇસ્યુ કરી છે.
અરજદાર ચંદ્રવદન ધ્રુવે ગુજરાત હાઈકોર્ટમાં પાર્ટી ઇન પર્સન તરીકે રિટ પિટિશન દાખલ કરી છે. જેમાં અરજદારે માંગ કરી છે કે ગુજરાત સરકાર મુખ્ય માહિતી કમિશ્નરની ખાલી જગ્યા પર યોગ્ય ઉમેદવારની નિમણુંક કરે અને તે માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે. આ જગ્યા માટે નિવૃત સનદી અધિકારીને બદલે હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત જજને સ્થાન આપવામાં આવે.
ગુજરાતમાં માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નરની જગ્યા તારીખ ૨૦/૦૧/૨૦૧૮થી ખાલી છે જ્યારથી વી એસ ગઢવીનો કાર્યકાળ પુરો થયો છે. પિટિશનરે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના રીવ્યુ પીટીશન ૨૧૦/ ૨૦૧૨ ના ચુકાદામાં આપેલ નિર્દેશન મુજબ આયોગમાં જગ્યા ખાલી પડવાના ૩ મહિના અગાઉ નિમણુંકની કાર્યવાહી શરુ કરી દેવી જોઈએ અને અરજદારે વાંરવાર રજૂઆત કરવા છતાં નિમણુંક નહી કરતા અમો અરજદારે પાર્ટી ઇન પર્સન તરીકે જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટને કરી છે.
આ રિટ પિટિશનમાં અરજદાર ચંદ્રવદન ધ્રુવે ૬ જેટલી માંગણીઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકી છે જેમાં ૧- મોટા અખબારોમાં જાહેરાત પ્રગટ થાય જેથી મુખ્ય માહિતી કમિશનરની ખાલી જગ્યા પર યોગ્ય ઉમેદવારની નિમણુંક થાય ૨- નિવૃત સંદી અધિકારીની જગ્યાએ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના નિવૃત જજને નિમણુંક આપવામાં આવે ૩- યોગ્ય ઉમેદવારો નામો મોકલી શકે એ માટે રાજ્ય સરકાર જાહેરખબર આપે ૪- પસંદગી સમિતિ દ્વારા નિમણુંક થાય જેની જાણ દરેક નાગરિકને થાય એવી જોગવાઈ કરવામાં આવે ૫- પારદર્શિત પસંદગી માટે ૩ નામોની પેનલ બનાવીને પછી પસંદગી કરવામાં આવે ૬- હાલ ૪૨૧૦ અપીલો ફરિયાદો પેન્ડીંગ હોઈ ૨ મહિનામાં તાત્કાલીક નિમણુંક કરવામાં આવે. આ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટીસ ઇસ્યુ કરી છે.