મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓના વધતા ગ્રાફની વચ્ચે ભારતમાં પોલીસ દળમાં તેમની ઉપસ્થિતિ માત્ર 7.28 ટકા તથા નક્સલ પ્રભાવિત તેલંગાનામાં સૌથી ઓછી 2.27 ટકા છે.

કેન્દ્રીય ગૃહ વિભાગના આંકડાઓ અનુસાર, આતંકવાદ પ્રભાવિત જમ્મૂ કશ્મીરમાં પોલીસ દળમાં બસ 3.05 ટકા મહિલાઓ છે. જમ્મૂ કશ્મીરમાં તેમની સ્વીકૃત સંખ્યા 80,000થી વધુ છે.

સરકારનો આ આંકડો દેશમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં વધતા ગ્રાફ વચ્ચે આવ્યો છે. વર્ષ 2015માં મહિલાઓ વિરુદ્ધ 3,29,243 ગુનાઓ થયા છે જે વર્ષ 2016માં વધીને 3,38,954 થઈ ગયા.

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહ વિભાગએ તમામ રાજ્ય સરકારો તથા અન્યોને 2009, 2012 અને  2015માં પત્ર લખીને તેમને મહિલા પોલીસ કર્મીઓની સંખ્યા વધારીને 33 ટકા કરવાની સલાહ આપી હતી. પણ તેમ છતાં સ્થિતિ દયનીય છે.

અધિકારીઓએ કહ્યું કે તમામ રાજ્યો તથા પ્રદેશોથી મહિલા કોન્સ્ટેબલ્સ અને ઉપનિરીક્ષકોના અતિરિક્ત પદ બનાવવા અને મહિલાઓની ભરતી કરવાનો અનુરોધ કર્યો છે. ગત વર્ષે 1 જાન્યુઆરીએ તેલંગાના પોલીસમાં મહિલા કર્મીઓની સંખ્યા 2.47 ટકા હતી. તેલંગાનામાં તેની સ્વીકૃત સંખ્યા 60,700 છે. સૌથી વધુ જનસંખ્યા વળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પોલીસબળમાં મહિલાઓ બસ 3.81 ટકા છે. તેમની સ્વીકૃત સંખ્યા અંદાજીત 3,65,000 છે.

આંકડા કહે છે કે, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મેઘાલયમાં પણ પોલીસ દળમાં મહિલાઓની ટકાવારીને ઓછી જોવાઈ છે. જોકે તમિલનાડુમાં મહિલા પોલીસ કર્મીઓની સંખ્યા સર્વાધિક માલુમ પડી છે. હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવામાં પણ હાલત અપેક્ષા કરતાં સારી દેખાઈ છે.

કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢમાં મહિલા પોલીસ કર્મીઓની સંખ્યા સર્વાધિક મળી છે જ્યા સામે દિલ્હી પોલીસ, જ્યાં મહિલા પોલીસ કર્મીઓની સ્વીકૃત જગ્યા અંદાજીત 85,000 છે, ગત 1 જાન્યુઆરીએ ત્યાં માત્ર 8.64 ટકા મહિલાઓ પોલીસ દળમાં તૈનાત હતી.

એક અન્ય અધિકારીએ કહ્યું કે, ગૃહ વિભાગે અર્ધ સૈનિક દળોમાં મહિલા દળની સંખ્યા વધારવા માટે પગલા લીધા છે. આશા છે કે જલ્દી જ મહિલાઓની સંખ્યા કેન્દ્રીય પોલીસ રિઝર્વ દળ (સીઆરપીએફ)માં આરક્ષક સ્તરના પદો પર એક તૃત્યાંસ અને સીમા સુરક્ષા દળો (બીએસએફ) અને આઈટીબીપીમાં 15 ટકા જેટલી હશે.

આ દળોમાં સંયુક્ત રુપે અંદાજીત 9 લાખ કર્મીઓ છે, જેમાં મહિલાઓની સંખ્યા ફક્ત 20,000 અંદાજીત છે. સીઆરપીએફને દુનિયાનું સૌથી મોટું અર્ધ સૈનિક દળ માનવામાં આવે છે જેની તૈનાતી ખાસ કરીને કાયદો વ્યવસ્થા બનાવી રાખવા અને નકસલ વિરોધી અભિયાનોમાં થાય છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં 2015માં 34,651 બળાત્કારના કેસ થયા, જેમની સંખ્યા વર્ષ 2016માં વધીને 38,947 પર પહોંચી ગઈ છે.

રાષ્ટ્રીય ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો અનુસાર, મહિલાઓ વિરુદ્ધ કુલ ગુનાઓમાં આ દરમયાન વૃદ્ધિ જોવા મળી છે. મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાઓમાં વધુ ગુનાઓ પતિ કે સબંધીઓ દ્વારા પરેશાનીના છે. જે પછી મહિલાઓની મર્યાદા ભંગ કરવાના ઈરાદા ઉપર હુમલો અને અપહરણ તથા બળાત્કાર આવે છે. સૌથી વધુ બળાત્કારના કેસ 2016માં મધ્યપ્રદેશમાં અને તે પછી ઉત્તર પ્રદેશમાં તથા મહારાષ્ટ્રમાં ફાઈલ થયા છે.

(સમાચાર એજન્સી ભાષાના ઈનપુટ સાથે)