મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા ગત દિવસોમાં સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની સ્ત્રીઓને પ્રવેશ કરવાની મંજુરી આપતો નિર્ણય કરવામાં આવ્યો, જેના વિરુદ્ધમાં કેરળના પથાનમથિટ્ટા જિલ્લામાં હજારો મહિલાઓ વિરોધ કરવા પર ઉતરી આવી છે.

મહિલાઓ માગણી કરી રહી છે કે કેરળ સરકાર સર્વોચ્ચ ન્યાયાલયના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશની મંજુરી આપવાના નિર્ણય સામે પુનર્વિચાર અરજી ફાઈલ કરે. આ મામલામાં પ્રદર્શન કરી રહેલી 4000થી વધુ મહિલાઓની વિરોધ દરમિયાન અટકાયત કરવામાં આવી છે.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ નારા લગાવતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માગ કરી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા થવી જોઈએ. મહિલાઓનું કહેવું ચે કે નિર્ણય 800 વર્ષ જુની પરંપરા પર વિશ્વાસ મુકનારાઓ સામેનો છે.

તેથી આ વાતને ધ્યાનમાં રાખતા પુનર્વિચાર અરજી ફાઈલ કરવી જોઈએ. અમે લોકતાત્રિક વ્યવસ્થાને અમારી વાત સાંભળવા માટે કહી રહ્યા છીએ. આ દરમિયાન, કેરળના મુખ્યમંત્રી પિનારાય વિજયને સોમવારે એક બેઠક આયોજીત કરી હતી જેમાં મંદિર તરફ જનારા માર્ગો સાથે સુવિધાઓ વધારવાની આવશ્યકતા પર ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 7 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાના એક ઐતિહાસિક નિર્ણયમાં સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશને મંજુરી આપી દીધી હતી. સર્વોચ્ચ ન્યાયાલયના પોતાના નિર્ણયથી સબરીમાલા મંદિરમાં 10-50 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતી મહિલાઓને પણ પ્રવેશ કરવાનો હક્ક મળ્યો હતો.