મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે. મતદારોને રિઝવવા નીત નવા કાર્યક્રમો થઈ રહ્યા છે. તેવામાં જસદણના કનેરિયા ગામમાં લોકોને મળી વોટ માંગવા પહોંચેલા મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોધરાને પાણીની તંગીથી પરેશાન મહિલાઓના રોષનો સામનો ભર બપોરે કરવો પડ્યો હતો. એક બાજુ આગ ઝરતી ગરમી અને બીજી બાજુ મહિલાઓના તીખા વચનોએ મંત્રીની હાલત ખરાબ કરી મુકી હતી. મહિલાઓએ કહ્યું કે, જ્યારે વોટ માગવો હોય ત્યારે જ તમે અમારી પાસે આવો છો. વર્ષોથી અહીં પાણીની તંગીનો કોઈ ઉકેલ નથી આવ્યો.

મહિલાઓની આ વાતો સાંભળી બોધરા બોલ્યા કે આમને મળવા પુરા ગુજરાતના લોકો લાઈનમાં ઊભા હોય છે અને તે પોતે આપને મળવા આવ્યા છે. પરંતુ આપને તેની કદર નથી. સાથે જ બાવળિયાએ કહ્યું કે, આપ લોકોએ મને વોટ નહોતો આપ્યો એટલે વિકાસ થયો નથી. હું પાણી પુરવઠાનો મંત્રી છું અને કરોડો રૂપિયા ખર્ચ કરીને ગામનો વિકાસ કરી શકું છું. પરંતુ મહિલાઓએ તેમની કોઈ વાત સાંભળી નહીં હોવાના કારણે બંને આ ગરમી સહન કરી શક્યા ન હતા અને પોતાની એસી કારમાં બેસી ત્યાંથી રવાના થઈ ગયા હતા.

જોકે તેમના ગયા બાદ પણ મહિલાઓનો પારો નીચે ઉતર્યો ન હતો. મહિલાઓના મુજબ વોટ માગવા માટે જ તેઓ આવી જાય છે પરંતુ બાદમાં કોઈ તેમને પુછવા પણ નથી આવતું. આ પુરી ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો જેને પગલે બાવળિયાએ મીડિયા સામે આ અંગેનો ખુલાસો આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, આ મુદ્દો ગ્રામ પંચાયતથી જોડાયેલો છે. જેને પગલે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. બાદમાં વોટ માટે ધમકાવવાની તો કોઈ વાત જ નથી બની. જુઓ અહીં તે વીડિયો, તે પછી કુંવરજીએ શું કહ્યું તે વીડિયો પણ દર્શાવવામાં આવ્યો છે.