મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરના ગોંડલ રોડ પર આવેલી ક્રિષ્નાપાર્ક હોટલ ખાતે શંકરસિંહ વાઘેલાની હાજરીમાં ખેડૂત સંમેલન યોજાયું હતું. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે જેતપુર પંથકની ખેતમજૂરી કરતી 50થી વધુ મહિલાઓ શંકરસિંહ પાસે પહોંચી હતી અને તેમની સમક્ષ ભાજપ સરકાર સામેનો પોતાનો રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં ભાજપ સરકાર અમારે નથી જોઈતી આજે પણ નહીં અને કાલે પણ નહીં...

વધુમાં આ મહિલાઓએ કહ્યું હતું કે, સરકારને કહું છું કે, એ અમારા સસ્તા અનાજની રોટલી ખાય તો ખબર પડે કે આ રોટલી કેવી હોય છે. પાણીના અભાવે ખેડૂતો મજૂરી ચૂકવી શકતા નથી. આ સરકાર ખેડૂતોને લૂંટી રહી છે સાથે અમારા જેવા ખેતમજૂરી કરતા પરિવારોને ભૂખે મારવનો વારો આવ્યો છે. જસદણમાં ગઈકાલે ભાજપના નેતાઓ ડિસ્કા કરતા હતા. પણ તેને નથી ખબર કે ખેતમજૂરી કરતી બહેનોના ઘરમાં અનાજનો દાણો ન હોવાથી ભૂખ્યા સૂવું પડી રહ્યું છે. તેના ચૂલા ચેક કરીને પછી જ એની પાસે મત માંગવા જવું જોઈએ. આગામી ચૂંટણીમાં ભાજપ સરકાર અમારે નથી જોઈતી આજે પણ નહીં અને કાલે પણ નહીં.

હું વિજયભાઈને કવ છું કે એક આધારકાર્ડ કાઢી આપો આ બહેનોને તેના માટે મામલતદાર કચેરીએ ધક્કા ખાઈને થકી ગયા છીએ. પણ કૂપનમાં નામ નથી ચડતું અને કોઈનું આધારકાર્ડ પણ નથી નીકળતું. રાંધણ ગેસની સબસીડી ખાતામાં જમા ન થતી હોવાથી આ મામલે પણ મહિલાએ આકરા પ્રહારો કર્યા હતા.