મેરાન્યૂઝ નેટવર્ક, ગોધરા:  રાજપીપળાથી દાહોદ  તરફ જીતી એસટી બસમાં એક મહિલાએ બાળકને  જન્મ આપ્યો જેમાં મહિલાની સ્થિતિ નાજુક હોવાથી ડોક્ટરે બસમાં જ સારવાર કરીને પ્રસ્તુતિ કરાવી.

ગોધરા સિવિલ સર્જન ડૉ. મહેશ સાગરે જણાવ્યું કે ગઈ કાલે જ્યારે હું OPD પેશન્ટ જોતો હતો ત્યારે અચાનક ૧૫ જેટલા લોકોનું ટોળું અંદર આવી ગયું, બધા ગભરાયેલા હતા. એમાંથી એક માણસે કહ્યું કે એક મહિલાને ડિલિવરીની પીડા થઇ છે અને તે બસમાં જ છે તેને અંદર લાવી શકાય એમ નથી એટલે તમે જલ્દી આવો.  અમે નર્સ સહિત સ્ટાફ જરૂરી સામગ્રી સાથે બસમાં ગયા  અને ત્યાં જઈને સફળ રીતે મહિલાની સારવાર કરી અને ૨.૫ કિલોનું તંદુરસ્ત બાળક (દીકરી) જન્મ્યું.

મહિલાનું નામ ધૂળીબેન ડામોર , ૨૬ વર્ષ છે અને  માતા અને બાળક બન્ને સલામત છે અને હાલ હોસ્પિટલમાં જ છે. આ મહિલા તેના પતિ રંગા સાથે પાદરાથી દાહોદ જીઇ રહી હતી ત્યાં તેને કલોલ નજીકથી જ પીડા થવાની ચાલુ થઇ ગઈ હતી. ગોધરાથી ૫ કિમી નજીક આ પીડા અસહ્ય થઇ જતા પેસેન્જરો અને ડ્રાયવરે બસને સીધી જ ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઇ લીધી એ હાલત નાજુક હોવાથી મહિલાને હોસ્પિટલમાં લઇ જવાની બદલે ડોક્ટરને જ બસમાં લાવીને સફળ રીતે બાળકનો જન્મ કરાવ્યો.

ડોક્ટરે વધુમાં જણાવ્યું કે બાળક અને માતા બન્ને તંદુરસ્ત હાલતમાં છે અને હાલ હોસ્પિટલમાં જ દાખલ છે. મહિલાના પતિ મજુરી કામ કરે છે અને પાદરાથી ઝાલોદમાં આવેલા તેમના વતન તરફ જઈ રહ્યા હતા.