મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના કાફલાની કાર સાથે અથડાતા ઘાયલ થયેલ દિશાની મહેતા નામની યુવતીનું આજે સોમવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે. દિશાની ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તેમજ સારી ગાયક કલાકાર હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.  

પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે સાંજે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા એક ટીવી ચેનલની ડિબેટમાં ભાગ લેવા કાર દ્વારા જઇ રહ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ નજીક તેમના કાફલાની કાર સાથે દિશાની મહેતા નામની મહિલા અથડાઇ હતી અને 10થી 15 ફૂટ દૂર ફંગોળાઇ હતી. મહિલાને મલ્ટી ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાને પગલે કારના ડ્રાયવરની ધરપકડ કરવામાં આવી છે અને અકસ્માત અંગે તપાસ શરુ કરાઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિશાની મહેતા બસમાંથી ઉતર્યા હતા અને ત્યાંજ કારે તેમને ટક્કર મારી દીધી હતી.

લલિત વસોયાએ આ ઘટના અંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર કાર મારા કાફલામાં હતી અને કાર્યકરની હતી.