મેરાન્યૂઝ નેટવર્ક. એટલાન્ટાઃ અમેરિકાના એટલાન્ટા શહેરમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલીને એક વર્ષ પૂર્ણ થતાં શનિવાર તા.27 ઓક્ટોબરે પહેલા પાટોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું. પહેલા પાટોત્સવ પ્રસંગે વૈષ્ણ‌વાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના સાંનિધ્યમાં આયોજીત નંદ મહોત્સવમાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પાટોત્સવ બાદ ગોકુલધામના પ્રાંગણમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોથી ભરપૂર ત્રીજા એટલાન્ટા દિવાલી મેલાનો હજારો લોકોએ લ્હાવો લૂંટ્યો હતો.

એટલાન્ટાની ગોકુલધામ હવેલી ખાતે શનિવારે પહેલા પાટોત્સવ પ્રસંગે સવારે 10 કલાકે નંદ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વડોદરાની કલ્યાણરાયજી હવેલીના ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણ‌વાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ અને યુવા વૈષ્ણવાચાર્ય આશ્રયકુમારજીએ કીર્તન-પદના ગાન વચ્ચે ઠાકોરજીને પારણામાં ઝુલાવવા ઉપરાંત ઠાકોરજીને તિલક દર્શનનો વિધિ કર્યો હતો. ત્યારબાદ વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી નો જયઘોષ કરી નંદ મહોત્સવની ઉજવણીને ભવ્ય બનાવી હતી. આ પ્રસંગે વૈષ્ણ‌ાચાર્યઓએ સુકામેવાના પ્રસાદની ઉછામણી કરતાં શ્રદ્ધાળુઓએ તેનો લ્હાવો લીધો હતો.

પાટોત્સવ પ્રસંગે ગોકુલધામના જગદગુરુ હોલમાં આયોજીત વચનામૃતમાં દ્વારકેશલાલજીએ બ્રહ્મસંબંધનું મહાત્મ્ય સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભગવાનને જે પ્રેમ કરે છે તેવા ભગવદીયોને ભગવાન (ઠાકોરજી) એક હાથ ઊંચા કરીને આવકારે છે. ઠાકોરજીને શરણે આવ્યા પછી આપણી જવાબદારી ઠાકોરજીની થઇ જાય છે. મનુષ્યના જીવનમાં ડગલેને પગલે દોષ થતા હોય ત્યારે ઠાકોરજીના શરણે ગયા પછી આપણને તારવાની જવાબદારી ઠાકોરજીની બને છે. 

બ્રહ્મ સંબંધ ધારણ કરી હિન્દુ ધર્મની પરંપરાનો સ્વીકાર કરીએ છીએ અને વૈષ્ણવ તરીકે જીવન  છીએ, પરંતુ જ્યાં સુધી આપણામાં માનવતા નથી, રાષ્ટ્રીયતા નથી, હિન્દુત્વ નથી ત્યાં સુધી આપણે ક્યારે પણ સાચા વૈષ્ણવ થઇ શકતા નથી. આપણને માનવીય મૂલ્યોની કદર નહોય, રાષ્ટ્રીય મૂલ્યો અને તેના નિયમો-ધોરણોની કદર નહોય હિન્દુ ધર્મની પરંપરાઓની કદર નહોય અને કહીએ હું વૈષ્ણવ છું તો ક્યાંક કંઇક ખૂટી રહ્યું છે. 

ગોકુલધામ હવેલીના પાટોત્સવની સાથે વૈવિધ્યસભર કાર્યક્રમો સાથે દિવાલી મેલાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં અભિનેતા સોનુ સૂદ, અભિનેત્રી તનિષા મુખરજી, ગાયિકા અન્વેષા દત્તા, હાસ્ય કલાકાર વીઆઇપીએ મનોરંજન પીરસ્યું હતું. દિવાલી મેલામાં ઉપસ્થિત હજારો લોકોએ રાત્રે 11 કલાકે આયોજિત આતશબાજીનો આનંદ લૂંટ્યો હતો.

ગોકુલધામના પહેલા પાટોત્સવની ઉજવણીને ભવ્ય અને દિવ્ય બનાવવા ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટીમ મેમ્બર્સ કિન્તુ શાહ, હેતલ શાહ, પરિમલ પટેલ, નિકશન પટેલ, સમીર શાહ, અલકેશ શાહ, જીગર શાહ, ગિરીશ શાહ તેમજ મહાપ્રસાદ સેવામાં ભાનુબહેન પટેલ, હસુભાઇ પટેલ, રંજનબહેન સિરોયા અને સોહિનીબહેન પટેલે જહેમત ઉઠાવી હતી.