મેરન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જુની પોલીટીકલ પાર્ટી કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો. આ પ્રસંગે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી મનમોહન સિંહ, પી. ચિદંબરમ અને પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહ્યા. ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે તેમાં જનતાનો અવાજ હોય તેથી હું કમિટીથી કહેતો હતો કે સામાન્ય લોકોની વાત કરવી જરૂરી છે. મારું કહેવું સ્પષ્ટ હતું કે તેમાં કોઈ જૂઠ ન હોવું જોઈએ, કારણ કે આપણે વડાપ્રધાનની જેમ ખોટું નથી બોલતા. મેનિફેસ્ટોમાં માત્ર કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ દેશના દરેક વ્યક્તિના વિચાર સામેલ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષે એવું પણ કહ્યું છે કે, મેનિફેસ્ટોમાં નવી વાત રોજગારી વધારવાનું અને ખેડૂતોની યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સાથે જ શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરવા વિશે પણ વાત કરવામાં આવશે. આમ ટૂંકમાં મેનિફેસ્ટો અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે એક રોડમેપ જેવું હશે. રાહુલના જણાવ્યા પ્રમાણે, મેનિફેસ્ટો તૈયાર કરવા માટે સમગ્ર દેશમાંથી લોકોના સૂચન લેવામાં આવ્યા છે. દેશ આજે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તે દરેક મુદ્દાઓનો મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાનપદના ઉમેદવારી પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું માત્ર પોતાની વાત કરું છું, તે દેશની ઉપર છે કે તેઓ શું વિચારે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણીનું નેરેટિવ સેટ થઈ ગયું છે, જે ગરીબી અને રોજગાર પર છે. દેશના વડાપ્રધાન કોઈ પણ રીતે પાછળ ન છુપાઈ શકે. ચોકીદાર છુપાઈ શકે છે પરંતુ ભાગી ન શકે.

રાહુલે કહ્યું કે, તેમાં માત્ર પાંચ વાતો પર ફોકસ છે, કારણ કે કોંગ્રેસના લોકો જ પંજો છે. સૌથી પહેલા વાત ન્યાયની આવક, જેના દ્વારા અમે તમામ ખાતાઓમાં પૈસા જમા કરાવીશું. ગરીબી પર વાર, 72 હજાર એ પૈસા દરે વર્ષે આપવામાં આવશે. તેનાથી સીધી રીતે અર્થવ્યવસ્થાને ફાયદો મળશે.

ચૂંટણી ઢંઢેરાના મહત્વના મુદ્દાઓ

 

-  મોદીએ બે કરોડ સરકારી નોકરીની વાત કરી હતી. અમે તપાસ કરતા માલુમ પડ્યું કે અત્યારે 22 લાખ સરકારી જગ્યા ખાલી પડી છે. અમે માર્ચ 2020 સુધી આ તમામ જગ્યાઓને ભરી દઈશું. આ ઉપરાંત 10 લાખ યુવાઓને ગ્રામ પંચાયતમાં રાજગારી આપીશું.

- પીએમ મોદીએ કહ્યું હતું કે અમે દરેક વ્યક્તિના ખાતામાં રૂ. 15 લાખ નાખીશું પરંતુ અમે સત્યની વધારે નજીક રહ્યા છીએ. અમે તપાસ કરી કે ગરીબોના ખાતામાં કેટલા પૈસા નાખી શકાય? અમે ભારતના 20 ટકા ગરીબોના ખાતામાં વર્ષે રૂ. 72 હજાર તેમના ખાતામાં જમા કરીશું.

- અમે મનરેગા યોજના હેઠળ 100 દિવસની રોજગારીની ગેરંટીમાં હવે દિવસોની સંખ્યા 150 કરીશું. ખેડૂતો માટે અલગથી બજેટ હશે. ખેડૂતો જો પોતાની લોન ન ચૂકવી શકે તો તેને ક્રિમિનલ ઓફેન્સ નહીં ગણવામાં આવે. તેને સિવિલ ઓફેન્સ ગણાવામાં આવશે.

- નવો બિઝનેસ શરૂ કરવા માટે આજકાલ યુવાઓએ અનેક જગ્યાએ મંજૂરી લેવી પડે છે. અમારી સરકાર આવશે તો ત્રણ વર્ષ માટે હિન્દુસ્તાનને યુવાઓને બિઝનેસ ખોલવા માટે કોઈ મંજૂરી લેવી નહીં પડે. અમે તે માટે સ્કિમ લાવીશું.

- જીડીપીના 6 ટકા પૈસા શિક્ષણ પાછળ વાપરવામાં આવશે. અમને ખાનગી ઇન્સ્યોરન્સ પર ભરોસો નથી આથી કોંગ્રેસ સરકારી હોસ્પિટલોને મજબૂત કરશે. ગરીબમાં ગરીબ વ્યક્તિને હાઇક્વોલિટી હોસ્પિટમાં સુવિધા મળશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, દક્ષિણ ભારતમાં આ પ્રકારની ભાવના છે કે નરેન્દ્ર મોદી સરકાર તરફથી તેમને સરકારમાં હિસ્સેદાર નથી બનાવવામાં આવ્યા. મેં એ નક્કી કર્યું કે હું તેમનો હિસ્સો છું અને તેમની સાથે ઊભા છીએ. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ વખતે કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે.

પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે, આ અમારા માટે ઐતિહાસિક દિવસ છે, લોકોની અપેક્ષા અને ભવિષ્યથી જોડાયેલો મેનિફેસ્ટો જાહેર કરવા જઈ રહ્યા છીએ. તેને અનેક લોકો સાથે ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ મેનિફેસ્ટોનો ઉદ્દેશ્‍ય ગરીબો માટે કામ કરવાનું છે, જેમાં મહિલાઓ, ખેડૂત પર ફોકસ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે તેની ચર્ચા સમગ્ર દેશમાં થશે અને દરેક આ મુદ્દે વાત કરશે.

ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરતાં પહેલા પૂર્વ નાણા મંત્રી પી ચિદંબરમે કહ્યું કે, લાખો લોકોનો અવાજ છે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો. તેમાં જે પણ પેરાગ્રાફ છે તે દેશની જનતા દ્વારા લખવામાં આવ્યા છે. અમે બધાના અવાજોને તેમાં સામેલ નથી કરી શક્યા.