મેરાન્યુઝ નેટવર્ક ગાંધીનગર: કર્ણાટક રાજ્યમાં ભાજપ માટે બહુમતીથી ભરેલો પ્યાલો હોઠ સુધી આવ્યા બાદ સત્તા મેળવવા સર્જાયેલા સસ્પેન્સમાં કર્ણાટક ભાજપ માટે ૨૧મુ રાજ્ય બને છે કે નહિ તેનો આજકાલમાં ફેંસલો થશે.પરંતુ સમગ્ર દેશના કુલ ૩૧ રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ૪૧૨૦ ધારાસભ્યોમાંથી કર્ણાટકના પરિણામ સાથે ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૧૫૨૧ થઇ ગઈ છે. જયારે કર્ણાટકના પરિણામ પછી કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૭૭૩થી ઘટીને ૭૨૯ થઇ ગઈ છે. કોંગ્રેસનું શાસન હવે માત્ર ૩ રાજ્યમાં રહેવા સાથે ૭૦ વર્ષમાં પહેલીવાર સમગ્ર દેશના માત્ર ૨.૫ ટકા વિસ્તારમાં જ સત્તા રહી ગઈ છે.

સમગ્ર દેશના ૩૧ રાજ્યોમાં આવેલી વિધાનસભામાં ધારાસભ્યોની કુલ સંખ્યા ૪૧૨૦ છે. તેમાંથી વિવિધ રાજ્યોમાં આજના દિવસે વિધાનસભાની ૨૭ બેઠકો ખાલી છે. બાકી રહેતી ૪૦૯૩ જેટલી બેઠકોમાંથી સૌથી વધારે ૧૫૨૧ ધારાસભ્યો ધરાવતા પક્ષ  ભાજપની ૧૪ રાજ્યોમાં એકલા હાથે સત્તા છે. તો અન્ય ૬ રાજ્યોમાં સત્તામાં ભાગીદાર છે. જયારે બીજા નંબરે રહેલા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની સંખ્યા ૭૨૯ થઇ ગઈ છે. જેમાં કોંગ્રેસનું શાસન હવે માત્ર ૩ રાજ્યમાં રહેવા સાથે ૭૦ વર્ષમાં પહેલીવાર દેશના ૬ જેટલા પ્રાદેશિક પક્ષોના ધારાસભ્યો જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ પાસે રહ્યા નથી. આ ઉપરાંત સમગ્ર દેશમાં ૧૫થી ૨૦ જેટલા પ્રાદેશિક રાજકીય પક્ષોના ધારાસભ્યોની સંખ્યા ૧૬૫૦ જેટલી છે. જેમાં ભાજપ સમર્થિત હોય તેવા ટીઆરએસ,વાયએસઆરએસપી, અકાલીદળ, શિવસેના, પીડીપી, બીજુ જનતાદળ, જનતાદળ(નીતીશકુમાર) છે. તો ભાજપના વિરોધમાં હોય તેવા આરજેડી, તૃણમૂલ કોંગ્રેસ, તેલગુ દેશમ, આપ, આઈએડીએમકે, ડીએમકે, એનસીપી, જેડીયુ, નેશનલ કોંગ્રેસ, વગેરનો સમાવેશ થાય છે. ભાજપ સમર્થિત એટલે કે, એનડીએમાં હોય તેવા પક્ષોના ધારાસભ્યોની સંખ્યા ૩૫૩ જેટલી થવા જાય છે. જ્યારે આગાઉ યુપીએમાં હતા તેવા પક્ષોના ધારાસભ્યોની સંખ્યા ૧૧૫૦ જેટલી છે. બાકી ૧૫૦ જેટલા ધારાસભ્યો મુદ્દા આધારિત ગમે તે પક્ષને સમર્થન આપી રહ્યા છે. પશ્ચિમ બંગાળ બાદ કેરળમાં પણ સત્તા ગુમાવનાર ડાબેરીઓના પક્ષના કુલ ૧૪૨ ધારાસભ્યો છે. જ્યારે અપક્ષ અને અન્ય પક્ષના ધારાસભ્યોની સંખ્યા ૭૦ છે.

ભાજપ પાસે સમગ્ર દેશમાં માત્ર ૩૭ ટકા જ ધારાસભ્યો હોવા સાથે ૧૪ રાજ્યોમાં એકલા હાથે સત્તામાં છે. તો ૬ રાજ્યોમાં સત્તામાં ભાગીદાર છે. એટલે કે, ૬૫ ટકા રાજ્યોમાં ભાજપ શાસનધુરા સાંભળી રહ્યો છે. તેમાં ૨૧માં રાજ્યમાં સત્તા મેળવવા માંગતા ભાજપના સર્વેસર્વા નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઈચ્છા ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ૩ રાજ્યો સિવાય તમામ ૨૮ રાજ્યોમાં ભગવો લહેરાવવો છે. જેમાં કર્ણાટકમાં કોંગ્રેસે ભાજપની જ ફોર્મ્યુલા અપનાવતા જો ભાજપને સત્તા નહિ મળે તો મોદી-શાહની જોડી ધુંઆપુંઆ થઇ જવા સાથે વધુ આક્રમક રાજનીતિ અપનાવશે.