મેરાન્યૂઝ નેટવર્ક, મોરબી: છૂપાયેલા ખજાનાની લોકવાયકાઓ માટે જાણીતા એવા જુના સાદુળકા ગામમાં ગઈકાલે રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સો ગુપ્ત ખજાનાની લાલચમાં શિવમંદિરનું ગર્ભગૃહ ખોદી નાખતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે. આ અગાઉ પણ બે વર્ષ પૂર્વે સાદુળકા ગામના આ શિવમંદિરમાં અજાણ્યા શખ્સોએ મંદિરમા ખોદકામ કરી મંદિરને ભારે નુકશાન પહોચાડ્યું હોવાનું બહાર આવ્યું છે.

આ ચકચારી અને ચોકાવનારી ઘટનાની વિગતો જોઈએ તો મોરબીનું જુના સાદુળકા ગામ વર્ષો જુના ટીમ્બા પર વસેલું છે અને અહીં બેશુમાર ખજાનો દટાયેલો પડ્યો હોવાની લોક વાયકા વચ્ચે જુના સાદુળકા ગામમા આવેલ શિવ મંદિર નીચે ‘ માયા’ (ખજાનો) છુપાયેલી હોવાનું વર્ષોથી લોકમુખે ચર્ચાય રહ્યું છે. એવામાં ગઈકાલે રાત્રીના સમયે અજાણ્યા શખ્સો ગામમાં ઘુસી આવ્યા હતા અને આખી રાત્રી દરમિયાન શિવમંદિરનું ગર્ભગૃહ ખોદી નાખી ગુપ્ત ખજાનો ગોતવા મંદિરને તહસ નહસ કરી નાખ્યું હતું.

આ ઘટના અંગે ગામના પૂર્વ સરપંચ કનુભા રઘુભા ઝાલાએ જણાવ્યું હતું કે આજે સવારે શિવ મંદિરે પૂજા અર્ચના કરવા ગયા ત્યારે મંદિરનું ગર્ભગૃહ ખોદી નખાયાનું જણાતા ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને તપાસ કરતા રાત્રીના સમયે કોઈ શખ્સો ખજાનાનાં લોભમાં મંદિર ખોદી ગયા હોવાનું જણાય રહ્યું છે. વધુમાં પૂર્વ સરપંચએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રીની ઘટનામાં લાલચુ શખ્સો જીપ જેવું વાહન લઈને આવ્યા હોવાના સગડ મળ્યા છે અને આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ મામલે તેઓ જણાવે છે કે ભૂકંપ સમયે પણ કેટલાક લોકો અમારા ગામમાં આવ્યા હતા અને મંદિર નીચે મોટો ખજાનો હોવાનું જણાવી અહીં ખોદકામ કરવા દેવામાં આવેતો બદલામાં ગામની ફરતે વરંડો બનાવી દેવાનું કહ્યું હતું. પરંતુ ગ્રામજનોએ સ્પષ્ટ ના પાડી હતી.આ અગાઉ બે વર્ષ પૂર્વે પણ આજ રીતે અજાણ્યા શખ્સો મંદિરના બહારના ઓટલાથી લઈ મંદિર સુધી ખોદકામ કરી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ગુપ્ત ખજાના પર વસેલા મોરબીના જુના સાદુળકા ગામમાં અગાઉ ખોદકામ દરમિયાન ખજાનો મળવાના કિસ્સાઓની ચર્ચાની વચ્ચે હજુ પણ અનેક લોકોના મકાનના પાયા કોઈ અજાણ્યા માણસો રાતો રાત ખોદી જતા હોવાની ઘટનાઓ બનતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ સંજોગોમાં હાલતો ખજાનાની લાલચમાં લાલચુઓ શિવમંદિર ખોદી જતા શિવલિંગ લટકી પડ્યું છે અને ગ્રામજનો દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરી આ કૃત્ય આચરનારને ઝડપી લેવા માંગ કરી રહ્યા છે.