મેરાન્યૂઝ નેટવર્ક.ન્યૂ દિલ્હી: ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન આજે વાઘા બોર્ડર પરથી વતનમાં પાછો ફરશે. ત્યાર પછી દેશના હીરો બની ગયેલા અભિનંદને વાયુસેનાના લડાકુ વિમાન ફરી ઉડાડવા માટે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. જેમાં યુદ્ધના કેદી તરીકે પકડાયેલા પાયલોટ અભિનંદનને વાયુસેનાના નીયમો અનુસારના કેટલાક ટેસ્ટ ફરજીયાત પાસ કરવા પડશે. જેમાં મેડીકલ ટેસ્ટ સહિતના કેટલાક ટેસ્ટમાંથી જો તે પસાર ના થાય તો નોકરીમાંથી હાથ પણ ધોવા પડી શકે અથવા ફાઈટર પ્લેન નહિ ઉડાડી શકે..! આ ટેસ્ટ પસાર કરવામાં ઓછામાંઓછા ત્રણ મહિના લાગે તેમ હોવાથી અભિનંદન આગામી ત્રણ મહિના સુધી હવાઈજહાજ ઉડાડી શકશે નહીં.

પાકિસ્તાનના કબજામાં રહેલા પીઓકેમાં ક્રેશ થયેલા મીગ-૨૧માંથી પેરાશુટ દ્વારા ઉતરેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને ૨૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાની સેનાએ પકડયા હતા. આ જાંબાઝ પાયલોટને આજે પાકિસ્તાને મુકત કરવાની જાહેરાત કરતા તે વાઘા બોર્ડર પરથી પોતાના વતનમાં પગ મુકશે. આ ઘરવાપસી માટે સમગ્ર દેશ અત્યારે અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ગૌરવ અનુભવી રહ્યો છે. ત્યારે સ્વદેશ પાછા આવ્યા પછી અભિનંદન માટે કેટલાક દિવસો ભારે પડકારરૂપ હશે. જેમાં વાયુસેનાના નિયમો પ્રમાણે વિંગ કમાન્ડર અભિનંદનને કેટલાક ટેસ્ટ પાસ કરવા પડશે. જેમાં મેડીકલ સહિતના તમામ ટેસ્ટ પાસ કરવામાં લગભગ ત્રણ મહિના જેટલો સમય પસાર થઇ જશે. તે પછી જ અભિનંદન વાયુસેનામાં ફાઈટર જેટ ઉડાડી શકશે.

રીસર્ચ એન્ડ એનાલીસીસ વિંગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વાયુદળના નિયમો પ્રમાણે ફાઈટર વિમાન ક્રેશ થયા પછી પાયલોટના મેડીકલ ચેકઅપ સહિત પીઠની ઈજાઓ અને ફીટનેશ વગેરેના ટેસ્ટ થાય છે. જેમાં ખાસ કરીને કેદી તરીકે પકડાયેલા પાયલોટ માટે નિયમોનુસાર કરવામાં આવતા ટેસ્ટ તેણે પસાર કરવાના હોય છે. જેમાં એક ટેસ્ટ એવો પણ હોય છે કે જો તે પસાર ના કરે તો તેની નોકરી પણ છીનવાઈ જતી હોય છે અથવા ફરી વખત ફાઈટર વિમાન ઉડાડી શકતા નથી. વિમાન જુના હોય કે પાયલોટ ગમે તેટલો બહાદુર હોય તો પણ આ નિયમોમાં કોઈ બાંધછોડ કે વિકલ્પ આપવામાં આવતો નથી.