મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે પીપીપી સ્કિમ હેઠળ બનાવવામાં આવી રહેલા મકાનો પરની જમીન અંગે ક્લેક્ટર દ્વારા કોઇ પણ પ્રકારની બાંધકામની મંજૂર આપવામાં આવી ન હતી. તેમ છતાં તેની ઉપર બાંધકામની કાર્યવાહી કોણા ઇશારે શરુ કરવામાં આવી ? રૂ. 2 હજાર કરોડના કૌભાંડના આક્ષેપો  ધારાસભ્ય યોગેશ પટેલ ઉપર કરાતા તેમણે,ગત રોજ પત્રકારો સમક્ષ નિવેદન આપતા મ્યુનિસિપલ કમિશનર ડો. વિનોદ રાવને ચોર અને ભૂતકાળમાં કલેક્ટર હતા તે સમયે અનેકો લોકોની જમીન પચાવી પાડી, તેમજ સોનાના બિસ્કિટો પણ લીધો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જો યોગેશ પટેલ પહેલાથીજ વિનોદ રાવ અંગે જાણતા હતા તો પછી કેમ અત્યાર સુધી ચુપ્પી સાધી રાખી ?

શહેરના વારસીયા રીંગ રોડ પર આવેલા બેન્કર્સ હાર્ટ હોસ્પિટલ સામેની 1.45 લાખ ચોરસ ફુટ જગ્યા, જેના ઉપરના દબાણો તાજેતરમાં જ દુર કરાયા હતા. આ જગ્યા ભિક્ષુકો માટે ફાળવવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે, જેથી આ જગ્યા પર કલેક્ટર દ્વારા કોઇ પણ પ્રકારના બાંધકામ અંગેની પરવાનગી આપવામાં આવી ન હતી. તેમ છતાં તેની ઉપર મુખ્યમંત્રી આવસા યોજનાના મકાનો બનાવવા માટે કારસો ઘડી નાખ્યો અને સમગ્ર કૌભાંડ પરથી પર્દાફાશ થયો છે.

જેથી સમગ્ર મામલો મુખ્યમંત્રી સુધી પહોંચતા મુખ્યમંત્રી આવાસા યોજનાના નામે રૂ. 2 હજાર કરોડના કૌભાંડ અંગેની નિષ્પક્ષ તપાસ માટે તાત્કાલીક એક કમિટીની રચના કરવામાં આવી છે.  આ સમગ્ર મામલની તપાસ શહેરી વિકાસ વિભાગમાં અગ્રસચિવ રહી ચૂકેલા અને હાલ રાજ્યનો આરોગ્ય વિભાગ સંભાળતા અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારને સોંપી છે. આ સિનિયર અધિકારીને એક અઠવાડીયામાં તપાસ કરી આ અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા માટે જણાવવામાં આવ્યું છે.

ત્યારે રૂ. 2 હજાર કરોડના કૌભાંડને લઇને રાજકીય મોર્ચે ચર્ચાએ જોર પકડ્યું છે કે, મ્યુનિસિપલ કમિશનર ડો. વિનોદ પહેલાથી જ સોનાનાં બિસ્કિટ લેતા હતા અને અનેક લોકોની જમીન પચાવી પાડી. જો આ જાણ એક લોકપ્રતિનિધી અને પ્રજાના સેવક એવા ધારાસભ્ય યોગેશ પટેલને હતી તો અત્યાર સુધી શા માટે તેઓ ચુપ્પી સાધી રાખી અને શહેરના મેયર ભરત ડાંગર જે પ્રજાના પ્રતિનિધી છે, શું તેઓ પણ આ વાતથી ખરેખર અજાણ હતા? જો ખરેખર વડોદરાની પ્રજાના રૂપિયા કૌભાંડીઓએ ખાધા હોય તો તેની નિષ્પક્ષ તપાસ થવા જોઇએ.