મેરાન્યૂઝ, રાજકોટ: પાટીદાર અનામત આંદોલન અંગે આવતીકાલે સરકાર અને પાટીદારોની ધાર્મિક, આંદોલનકારી સંસ્થાઓ સાથે મંત્રણા યોજાનાર છે. ત્યારે પાટીદાર સમાજ સહિત બધાની નજર હાર્દિક પટેલ અને તેની ટીમ પર મંડાયેલી છે. ચૂંટણીને ધ્યાનમાં લઈને યોજાયેલી આ મંત્રણાને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.  હાર્દિક પટેલે ગત તા.28 જુલાઇના રોજ સરકારને મુખ્ય ચાર માંગણી સાથેનો પત્ર આપ્યો હતો. આ પત્રમાં હાર્દિકે જે માંગણીઓ મૂકી હતી તેમાં સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી. ત્યારે આવતીકાલની મિટિંગમાં આ આંદોલનનો ઉકેલ આવે છે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.

હાર્દિક પટેલની મુખ્ય માંગણીઓમાં પાટીદાર સમાજને બંધારણીય અનામત આપવાની માંગ મુખ્ય છે. આ ઉપરાંત 25-26 ઓગસ્ટના રોજ પાટીદાર સમાજ પર બેરહેમીથી અત્યાચાર ગુજારનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પર વીડિયો રેકોર્ડીંગના આધારે તાત્કાલીક પગલા ભરવા જણાવવામાં આવ્યું છે. તેમજ આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારોને હરિયાણા-રાજસ્થાનની જેમ આર્થિક સહાય અને સરકારી નોકરી આપવાની માંગ કરાઇ છે. ઉપરાંત પાટીદાર સમાજ માટે અલગથી પાટીદાર આયોગની માંગનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર પાટીદાર અનામત આંદોલનનો નિવેડો લાવવા નવેસરથી કવાયત હાથ રહી છે. ધાર્મિક વડાઓ ઉપરાંત પાટીદાર સમાજના સ્વૈચ્છિક સંગઠનો દ્વારા સમાધાનની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં હાર્દિકની ટીમને બોલાવીને સરકાર આંદોલનને હકારાત્મક રીતે સમાપ્ત કરવા પહેલ કરશે તેવું પાટીદાર સમાજના આગેવાનોનો માની રહ્યા છે.  સરકાર નક્કર વાત કરશે તો મંત્રણા સફળ રહેશે, રસ્તો નીકળશે અને સમાધાન શક્ય બનશે. પરંતુ આમ ન થાય તો ફરીવાર આંદોલન ઉગ્ર બનશે અને આગામી ચૂંટણીમાં ભાજપને નુકસાન કરનાર બની રહેવાનો મત પણ જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આવતીકાલની મિટિંગ માટે અંતે હાર્દિક પટેલને આમંત્રણ આપતી સરકાર

પાટીદાર અનામત આંદોલનનો ઉકેલ લાવવા માટે ચૂંટણી સમયે સરકારે કમર કસી છે. અને આવતીકાલે સરકાર તેમજ પાટીદાર સંસ્થાઓ વચ્ચે મિટિંગ યોજવામાં આવી છે. જેમાં પાટીદાર સંસ્થાઓને મિટિંગ માટેનું આમંત્રણ અપાયું હતું. પરંતુ પાસ' ના સૂત્રધાર અને આંદોલનના પ્રણેતાને આ અંગેનું આમંત્રણ અપાયું ન હતું. નીતિન પટેલે જણાવ્યું હતું કે, સંસ્થાઓ મધ્યસ્થી બની આ મામલો ઉકેલવામાં સાથ આપશે. પરંતુ અંતે છેલ્લી ઘડીએ આ મિટિંગ માટે હાર્દિક પટેલને પણ આ મિટિંગ માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ અંગે સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ મામલો સરકાર અને અનામત માંગતી પાટીદાર સંસ્થાઓનો છે. એ કારણે પાટીદારોની ધાર્મિક સંસ્થાઓએ મધ્યસ્થી બનવાનો ઇન્કાર કરી દીધો હતો. અને સરકારને હાર્દિક સાથે જ સીધી વાત કરવા જણાવ્યું હતું. તેમજ પાટીદાર સંસ્થાઓ ફકત શાંતિપુર્ણ ઉકેલ માટે સહયોગ આપશે તેવી ખાતરી પણ આપી હતી. પાટીદાર સંસ્થાઓનું માનવું છે કે સંસ્થા ધાર્મિક સામાજીક કામ માટે છે.આવા રાજકીય વિવાદમાં ફસાવવાથી સમાજને જ નુકશાન થશે. સરકારનું માન રાખી તેઓ મંત્રણામાં સામેલ થશે પણ નિર્ણય હાર્દિક પટેલ, અને સરકારે જ લેવાનો રહેશે. ત્યારબાદ અંતે સરકારે હાર્દિકને આમંત્રણ આપવાની ફરજ પડી હતી.