મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ છેલ્લા પખવાડીયાથી કોંગ્રેસની સિનિયર નેતાગીરીમાં ચાલી રહેલા અસંતોષના સખડ ડખળને નાથવા કોંગ્રેસ હાઇકમાન્ડે ગંભીરતા દાખવી છે. કુંવરજી બાવળીયાની વિદાય બાદ ડેમેજ કંટ્રોલ રોકવા માટે કેન્દ્ર અને રાજ્યના હાઇકમાન્ડે એક સુત્રતા માટે કવાયત શરૂ કરી છે. ત્યારે જ અસંતોષની યાદીમાં પરોક્ષ રીતે અગ્ર હરોળમાં રહેલા ખંભાળિયાના કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમે રાજ્ય સરકારના રસીકરણ અભિયાનને જાહેરમાં બિરદાવતા ફરી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસી ધારાસભ્યની વાયરલ થયેલી બેનર ઇમેજને લઇને ફરી વખત વિક્રમ માડમ અને ભાજપ વચ્ચે એક સુત્રતા રચાતી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જોકે વિક્રમ માડમે આ વાતને નકારી રાજ્ય સરકાર સારી યોજના અમલમાં મુકતી હોય તો સારી બાબત કહેવાય એમ સ્વીકાર્યુ છે.

રાજ્યના સિનિયર કોંગ્રેસી નેતાઓનું પક્ષમાં કોઇ સાંભળતુ ન હોવાની વાત વહેતી થયા બાદ મહેસાણાના પૂર્વ સાંસદ પટેલ અને રાજકોટના પૂર્વ સાંસદ કુંવરજી બાવળીયાએ જાહેરમાં કોંગ્રેસ પ્રત્યે નારાજગી દર્શાવતા રાજ્યનું રાજકારણ ગરમાયું હતું. દરમિયાન જામનગરના પૂર્વ સાંસદ અને હાલ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે પણ પક્ષ પ્રત્યેની નારાજગીનો પરોક્ષ રીતે સ્વીકાર્ય કર્યો છે. ત્યારબાદ રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના રાજીનામા અને રાજકોટના એક પૂર્વ સાંસદ કુંવરજી બાવળીયાના ભાજપમાં પ્રવેશને લઇને સુતેલી કોંગ્રેસની નેતાગીરી એકાએક જાગૃત બની હતી.

રાજ્ય કોંગ્રેસમાં સખડ ડખળ અને અસંતોષના માહોલને ઠારવા માટે હાઇકમાન્ડ દ્વારા તમામ નેતાઓને સાંભળવામાં આવ્યા હતાં અને ઘીના ઠામમાં ઘી પડી ગયાનો દાવો કર્યો હતો. બીજી તરફ વિરોધ વ્યકત કરનાર સિનિયર નેતાઓ પણ હાલ પુરતા માની ગયા હોવાનું ચિત્ર સામે આવ્યું હતું. કોંગ્રેસમાં બધુ સમુસુતરૂ પાર ઉતરી ગયાની ચર્ચાઓ વચ્ચે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમને લઇને આજે સોશ્યલ મીડિયામાં એક ફોટો વાયરલ થતાં ફરી રાજકારણ ગરમાયું છે. રાજ્ય સરકારના આગામી રસીકરણ કાર્યક્રમને વિક્રમ માડમે જાહેરમાં બિરદાવતા ફરી ભાજપ અને વિક્રમ માડમ વચ્ચે એક સુત્રતા રચાતી હોવાનું રાજકીય વિષ્લેષકો જણાવી રહ્યા છે. જોકે વિક્રમ માડમે આ બાબતનો છેદ ઉડાડી રાજ્ય સરકારના સારા કાર્યને બિરદાવ્યું છે એમ જણાવ્યું છે. સારા કાર્યક્રમો અને યોજનાઓને બિરદાવવી જોઇએ એનો એ મતલબ નથી કે હું ભાજપનો ખેંસ ધારણ કરી લઇશ, વાસ્તવીકતા જે હોય તે પરંતુ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી આ ઇમેજને લઇને હાલ વાતાવરણ ગરમાયું છે.