પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): તા. 14મી એપ્રિલ 2018નો દિવસ વિશ્વ હિન્દુ પરિષદના ઈતિહાસમાં બહુ મહત્વનો સાબિત થયો. વિશ્વ હિન્દુ પરિષદના 52 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત પરિષદના અધ્યક્ષની ચુંટણી થઈ અને ડૉ. પ્રવિણ તોગડિયાની એક હથ્થુ સત્તાનો અંત આવ્યો છે. પરિષદની ચૂંટણીમાં ડૉ. પ્રવિણ તોગડિયાના માણસ રાધવ રેડ્ડીની હાર થતાં પ્રવિણ તોગડિયાને કાર્યકારી અધ્યક્ષપદ છોડવુ પડ્યુ. ચુંટણીના પરિણામ પછી તરત પ્રવિણ તોગડિયાએ પત્રકારો સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, હિન્દુ વિચારધારાને કચડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સૌથી પહેલી વાત પ્રવિણ તોગડિયાને રાજકિય રીતે કોણ ખતમ કરવા માગે છે તે ઉઘાડુ સત્ય છે. નરેન્દ્ર મોદી અને તોગડિયા વચ્ચેની લડાઈ ખાનગી રહી નથી છતાં પ્રવિણ તોગડિયાએ આજ સુધી કોથળામાં જ પાંસેરી મારી છે. તોગડિયા નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરી તેમની ઉપર આરોપ મુકવાની પણ હિમંત કરતા નથી.

નરેન્દ્ર મોદી સામે તોગડિયા જે વાંધો રજુ કરે છે તે જ વાંધો અંદરખાને પણ હોય તેવુ માનવાનું કોઈ કારણ નથી. કારણ કે રાજકારણમાં અંદર-બહારના કારણો જુદા જુદા હોઈ શકે છે. ચૂંટણી હાર્યા પછી તેમણે તરત જાહેરાત કરી કે હવે તેઓ તા. 17મી એપ્રિલથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ કરશે. છેલ્લાં ચાર વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. ચાર-ચાર વર્ષ સુધી પ્રવિણ તોગડિયાને ગરીબો, સ્ત્રીઓ, બેકાર યુવાનો અને ખેડૂતોના પ્રશ્નો દેખાયા નહીં. હવે તેઓ ચૂંટણી હારી ગયા તેના કારણે નરેન્દ્ર મોદી સામે બાયો ચઢાવવા માટે લોકોના પ્રશ્નોને આગળ ધરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદને ખતમ કરી નાખી છે તેના કારણે પ્રવિણ તોગડિયા ઉપવાસ ઉપર બેસે તેમાં રોજ 200 લોકો પણ આવે તો પણ તોગડિયાની સિધ્ધી ગણાશે.

પ્રવિણ તોગડિયાએ ચૂંટણી હાર્યા પછી પત્રકારો સામે પોતાનો બળાપો કાઢતા કહ્યુ કે તેમણે ડૉક્ટર તરીકેની પોતાની ધિકતી પ્રેક્ટિસ છોડી, તેમણે પોતાનું પરિવાર છોડ્યો કારણ તેઓ સો કરોડ હિન્દુઓ માટે   નિકળ્યા છે. પ્રવિણ તોગડિયાએ હિન્દુત્વ માટે પોતાની પ્રેક્ટિસ અને ઘર છોડ્યુ સારી વાત છે આપણે તેમની કદર કરીએ પણ તોગડિયાએ પ્રેક્ટિસ અને ઘર છોડ્યુ તે નરેન્દ્ર મોદી માટે છોડ્યુ ન્હોતુ. તેથી આટલા વર્ષે જ્યારે VHP  છોડવી પડે ત્યારે તેમને ઘર અને પ્રેક્ટિસ છોડવાનો રંજ થાય તે વાજબી નથી, તેનો અર્થ હજી તેમના મનમાંથી ઘર અને પ્રેક્ટિસ છુટી જ નથી. પ્રવિણ તોગડિયા વ્યવસાયે ડૉકટર હતા અને તેમણે પરિષદ અથવા હિન્દુત્વ માટે જે કંઈ કર્યુ તે  તેમનો નિર્ણય હતો. હવે જ્યારે પદ ગુમાવી બેઠા ત્યારે આવી વાત કરે તે વાજબી નથી.

પ્રવિણ તોગડિયાને ચૂંટણી હાર્યા પછી પહેલી વખત પોતાની સાથે અન્યાય થઈ રહ્યો છે તેવો ભાવ આવ્યો માટે તેમણે પરિષદ માટે ચુકેવેલી કિમંતો જાહેરમાં ગણાવી. નરેન્દ્ર મોદી પ્રચારકમાંથી મુખ્યમંત્રી અને ત્યાંથી વડાપ્રધાન બન્યા તેના માટે તેઓ જેમ જેમ સીડી ચઢતા ગયા તેમ તેમ સીડી કાપતા ગયા હતા., નરેન્દ્ર મોદીએ જે કંઈ કર્યુ તે વાજબી અથવા ગેરવાજબી હતું તેની ચર્ચાનો અત્રે અવકાશ નથી. પરંતુ નરેન્દ્ર મોદી પોતાના રાજકિય હરિફોને ખતમ કરતા ગયા હતા. જેમાં કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, કાશિરામ રાણા, સંજય જોષી,  ગોરધન ઝડફિયાથી લઈ કેન્દ્રમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી જેવા નેતાઓની યાદી બનાવીએ તો આંકડો એકસો કરતા વધુ ઉપર જાય તેમ છે. આ બધુ થયુ ત્યારે પ્રવિણ તોગડિયાને પોતાના સાથી મિત્રોની મદદ કરવાની યાદ આવી નહીં. જ્યારે નરેન્દ્ર મોદી ભાજપ-સંઘ અને પરિષદના નેતાઓને ખતમ કરી રહ્યા હતા ત્યારે તેઓ ચુપ બેઠા હતા.

આજે નરેન્દ્ર મોદીએ તેમને રાજકિય ધંધા વગરના બનાવી દીધા છે. હવે તેમને મોદી કેટલા ખરાબ માણસ છે તેવુ લાગી રહ્યુ છે. નરેન્દ્ર મોદી ત્રીસ વર્ષ પહેલા હતા તેવા જ આજે છે. 1995માં ગુજરાતમાં ભાજપને પહેલી વખત સત્તા મળી ત્યારથી લઈ આજ સુધી નરેન્દ્ર મોદી સામે બોલવાની અને વિરોધ કરવાની અનેક તક પ્રવિણ તોગડિયા પાસે હતી પણ પરિષદના નેતા હોવાને કારણે આગળ પાછળ ફરતી પોલીસની ગાડીઓ અને કમાન્ડો વચ્ચેની વીઆઈપી જીંદગી તેમની મજબુરી બની ગઈ હતી. જેના કારણે ત્યારે તેમને નરેન્દ્ર મોદીના નામ સાથે તેમનો વિરોધ કરવાની હિમંત કરી નહીં. હવે પ્રવિણ તોગડિયાનો સમય પુરો થયો છે. દરેક માણસને કુદરત સમય આપતી હોય છે. આ કુદરતનો ક્રમ છે. જેમાંથી કોઈ બાકાત નથી. પ્રવિણ તોગડિયાએ સમજી લેવુ જોઈએ કે હિન્દુત્વ માટે કંઈક કરવુ જ હોય તો હિન્દુ ભુખ્યો છે તેના માટે દાણાની અને હિન્દુ અભણ છે તેને અક્ષર જ્ઞાનની જરૂર છે. આજે પણ ગાંધીના ગુજરાતમાં હજારો મંદિરમાં દલિતો મંદિરમાં જઈ શકતા નથી. તોગડિયાએ આવા ખોખલા હિન્દુત્વ સામે લડવા માટે સમય કાઢવો જોઈએ, નહીં કે નરેન્દ્ર મોદી સાથે રાજકિય હિસાબ પુરો કરવામાં.