મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્રમાં થયેલા મતદાનમાં જામજોધપુર વિધાનસભા બેઠકમાં બે મતદાન મથકો પર ફરીથી મતદાનની માંગ સ્વીકારવામાં આવી હતી જેમાં આજે બીજા તબક્કાના મતદાનની સાથે જ આ બંને મતદાન મથકો પર ફરીથી મતદાન યોજાતા મતદારોની બે બે આંગળીઓ પર શાહીના નિશાન જોવા મળ્યા હતા.

જામનગર જીલ્લાની ૮૦ જામજોધપુર વિધાનસભા બેઠક પરના ઘુનડા અને માનપર એ બે મતદાન મથકો પર પ્રથમ તબક્કામાં તા. ૦૯ ના રોજ મતદાન કરવામાં આવ્યું હતું જોકે મતદાન મથક પર શરૂઆતમાં કરેલા મોક પોલના મતોની બાદબાકી કરવાની રહી ગઈ હતી. પ્રીસાઈડીંગ ઓફિસરની આ ભૂલને કારણે આ બંને મતદાન મથકો પર ફરીથી મતદાનની માંગ કરવામાં આવી હતી. આજે બીજા તબક્કાની ૯૩ બેઠકો પર યોજાયેલા મતદાનની સાથે આ બંને મતદાન મથકો પર પણ મતદાન થયું હતું જેમાં ઘુનડા મતદાન મથકમાં કુલ ૫૭૪ મતદારો પૈકી ૪૩૬ મતદારોએ એટલે કે ૭૫.૯૬ ટકા અને માનપરના મતદાન મથકમાં કુલ ૭૮૬ મતદારો પૈકીના ૬૦૧ મતદારો એટલે ૭૬.૪૬ ટકા જેટલું ધીન્ગું મતદાન થયું હતું. ત્યારે મતદાન કરનાર મતદાતાની આંગળી પર જે શાહી લગાડવામાં આવે છે તે આ મતદાન મથકના મતદારોની આંગળીઓ પર પહેલેથી શાહી લગાવેલી હોઈ આજે મતદાતાની બીજી આંગળી પર શાહીનું નિશાન કરવામાં આવ્યું હતું. ત્યારે બે બે આંગળીઓ પર શાહીના નિશાનના ફોટો પણ મતદારોએ ઉત્સાહભેર પડાવ્યા હતા. ફરીથી યોજાયેલું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.