મેરા ન્યૂઝ નેટવર્ક,જામનગર: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલમાં પોતાનો નવો બંગલો બનાવી રહ્યા છે અને એ બંગલોનું નામ “ક્રિકેટ બંગલો” રાખ્યું છે. આ બંગલો અને નામ સાથેની પોસ્ટ ઈન્સ્ટાગ્રામમાં રવીન્દ્ર જાડેજાએ મુકી છે.

રવિન્દ્ર જાડેજાનું વતન જામનગર છે અને જામનગરમાં જ તેમણે ક્રિકેટ શીખવાની શરુઆત કરી હતી જામનગરે રણજીતસિંહ,વીનું માંકડ,સલીમ દુરાની અને અજય જાડેજા જેવા ક્રિકેટર્સ દેશને આપ્યા છે. જામનગરમાંથી તૈયાર થયેલા લગભગ બધા જ ક્રિકેટર્સ “ક્રિકેટ બંગલો” ગ્રાઉન્ડમાં જ ક્રિકેટ રમીને આગળ આવ્યા છે રવિન્દ્ર જાડેજા પણ લાંબો સમય સુધી “ક્રિકેટ બંગલો” ખાતે જ ક્રિકેટ રમીને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચ્યા છે ત્યારે આ મેદાનનું ઋણ ચુકવવા અને મેદાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા તેમણે પોતાના નવા બંગલોનું નામ “ક્રિકેટ બંગલો” રાખ્યું છે.આ અંગે રવિન્દ્ર જાડેજાના બહેન નયના બા એ જણાવ્યું હતું કે “ક્રિકેટ બંગલો” મેદાન સાથે અમે આખો પરિવાર લાગણીથી જોડાયેલા છીએ અને એ ગ્રાઉન્ડ પ્રત્યે અમને ખુબ માન છે હજુ બંગલો બની રહ્યો છે અને ભાઈ પોતાને ગમતી તમામ આધુનિક સુવિધાઓ સાથેનો બંગલો તૈયાર કરાવી રહ્યા છે.