મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ સબઈન્સપેકટર્સને બઢતી આપવા સામે આપેલો મનાઈ હુકમ હટાવી લીધો છે, જેના કારણે હવે રાજ્યના ગૃહ વિભાગ પાસે રહેલુ એક બહાનું ઓછું થઈ ગયું છે. રાજ્યમાં એક સો કરતા વધુ ડીવાયએસપી અને ત્રણસો કરતા વધુ પોલીસ ઈન્સપેકટર્સની જગ્યા ખાલી હોવો છતાં ગૃહ વિભાગે બઢતીની ફાઈલ એક ટેબલથી બીજા ટેબલ ઉપર ફેરવ્યા કરે છે. અધિકારીઓ સ્ટાફની ઘટને કારણે સરેરાશ પોલીસ અધિકારીઓ પંદર કલાકની રોજ નોકરી કરી રહ્યા છે.

ગૃહ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અગાઉ સર્કલ પોલીસ ઈન્સપેકટર્સની જગ્યા પણ હતી. આ જગ્યાઓ સિનિયર પોલીસ ઈન્સપેકટર્સથી ભરવામાં આવતી હતી, પણ હવે સર્કલ પોલીસ ઈન્સપેકટર્સની 45 જગ્યાઓ નાબુદ કરી દેવામાં આવી છે અને તે તમામ સ્થાનો ઉપર હવે ડીવાયએસપી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અગાઉથી ખાલી જગ્યાઓને સમાવેશ થાય તો હાલમાં એક સો ડીવાયએસપીની જરૂર છે. જો ડીવાયએસપી તરીકે ઈન્સપેકટર્સને બઢતી આપવામાં આવે તો, ઈન્સપેકટર્સની ખાલી જગ્યા ઉપર સબઈન્સપેકટર્સને પણ બઢતી આપી શકાય તેમ છે. રાજ્યમાં અનેક સ્થળો ઉપર ઈન્સપેકટર્સનો ચાર્જ સબઈન્સપેકટર્સને આપવામાં આવેલો છે.

સુત્રોની માહિતી પ્રમાણે બઢતી આપતા અગાઉ, જેઓ પ્રમોશન માટે લાયક છે તેમના માટે કલીયરન્સ સર્ટીફિકટ મંગાવવામાં આવે છે. ખાસ કરી જેમને ડીવાયએસપીની બઢતી મળવાની છે તેવા કેટલાંક પોલીસ ઈન્સપેકટર્સ જે ગૃહ વિભાગના અધિકારીઓ અને ગૃહમંત્રીની નજીકના છે, પરંતુ તેમની પાસે કેટલીક ખાતાકીય તપાસ ચાલી રહી છે. જેના કારણે હાલના તબ્બકે તેઓ પ્રમોશનથી વંચિત રહી જાય અને તેમના જુનિયરો તેમના કરતા આગળ થઈ જાય તેમ છે. વગદાર આ અધિકારીઓના પ્રમોશન આડે જે બાબતો છે તેનો નિકાલ થાય નહીં ત્યાં સુધી કોઈ પણ અધિકારીને પ્રમોશન નહીં આપવા તેવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.