પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સુરતના એક પોલીસ ઈન્સપેકટર નકુમ પોલીસ યુનિફોર્મ પહેરી બીઆરટીએસ ટ્રેક ઉપર પોતાની ખાનગી કારમાં દાખલ થયા, એક ચાર રસ્તા ઉપર એક નાગરિક સાથે તેમને ઝઘડો થયો, આ નાગરિકે બીઆરટીએસ ટ્રેક ઉપર પોતાની ખાનગી કારમાં બેઠેલા ઈન્સપેકટરને સાચા ખોટા તમામ શબ્દોમાં ઠપકો આપ્યો અને તે ઘટનાનો વિડીયો પણ વાયરલ કર્યો, આ ઘટના પછી ઈન્સપેકટર નકુમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાની એક બાજુ છે, બીજી તરફ ઈન્સપેકટર નકુમ સસ્પેન્ડ થતાં એક પોલીસ કર્મચારીએ નકુમને તરફેણમાં એક પોસ્ટ વાયરલ કરી તેની નારાજગી કઈ આ પ્રકારની છે, પોલીસ દિવસ રાત જોયા વગર પ્રજાના જાનમાલના રક્ષણનું કામ કરે છે, નોકરીના આઠ કલાક કરતા વધુ કામ કરવા છતાં તેમને સરકાર વધારાનું મહેતાણુ આપતી નથી, રાજકારણીઓ પોલીસનો ઉપયોગ કરી જાય છે., આમ છતાં પ્રજાએ નકુમ(પોલીસ) સાથે જે વ્યવહાર કર્યો તે વખોડવા લાયક છે.

પોલીસની સ્થિતિ સમજાવવા માટે એક ઉદાહરણ આપવુ પડશે, જેઓ મારી ઉમંરના ( 50 વટાવી ગયેલા) છે. તેઓ સ્કુલમાં ભણતા હતા, ત્યારે રસ્તામાં શિક્ષક મળી જાય તો જાહેર બજારમાં પણ નીચા નમી શિક્ષકને જોઈ  પગે લાગતા હતા, શિક્ષક કાયમ પુજનીય અને વંદનીય જ હોય તેવુ મનમાં ઠસી ગયેલુ હતું, આજે પણ મારા શિક્ષક મળી જાય તો તે ક્રમમાં કોઈ ફેરફાર થયો નથી, પણ મારા ખુદના બાળકો તેમના શિક્ષકને સ્કુલમાં અને સ્કુલની બહાર મળી જાય તો પણ ચરણ સ્પર્શ કરતા નથી, તો એવુ કેમ થયુ એક પેઢી બદલાઈ અને શિક્ષકનો માન મરતબો હતો, તેમ કેમ જતો રહ્યો ?
 
પહેલા શિક્ષક ગરીબ હતા, પણ તેમને તેમના વિધ્યાર્થીઓ અને સમાજ માન આપતો હતો, આજે શિક્ષકો પાસે ખુબ પૈસા છે, પણ તેમને કોઈ માન આપતુ નથી, જો કે શિક્ષક માત્ર શિક્ષક નહીં રહેતા ધંધાદારી થઈ ગયો તેના માટે સમાજ પણ એટલો જ જવાબદાર છે, છતાં શિક્ષક, ડૉકટર , પત્રકાર અને પોલીસે તો પ્રમાણિક જ રહેવુ જોઈએ તેવુ પ્રજાએ જ નક્કી કરેલો નિયમ છે. પોલીસ રાજયના અન્ય સરકારી વિભાગો કરતા વધુ કલાક કામ કરે છે, તેમાં કોઈ બેમત નથી, પોલીસ જયારે કોઈને મળે ત્યારે આવો સાહેબ, શુ લેશો જેવો સજજન વ્યવહાર તેમને પ્રાપ્ત થાય છે, પણ જેવી પોલીસની પીઠ ફરે તેની સાથે સાલા ચોર-બદમાશ જેવા વિષેક્ષણો પણ મળે છે, આવુ કેમ થાય પ્રજાને પોલીસ વગર ચાલતુ પણ નથી, છતાં તે પોલીસને માન અને આદર પણ આપી શકતી નથી.

પોલીસને પ્રજા આદર આપી શકતી નથી, તેના મુખ્ય બે કારણો છે, પહેલા તો પોલીસમાં ભ્રષ્ટાચાર ખુબ છે, તેના કારણે તેમને માન મળતુ નથી તે વાત સાચી નથી, રાજય સરકારના આંકડા પ્રમાણે રાજય સરકારના વિવિધ જે વિભાગો છે તેમાં ભ્રષ્ટાચારમાં પોલીસનો ક્રમ 18માં નંબરે આવે છે, આમ છતાં ભ્રષ્ટાચાર કરનાર 1થી17 નંબરના વિભાગમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીને ધીક્કારતી નથી, તેનું ખુલ્લી આંખે દેખાય તેવુ કારણ છે, બીજા તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર બંધ કેબીનમાં થાય છે, ત્યાં આપનાર અન લેનાર બંન્ને રાજી હોય છે, જયારે પોલીસમાં પૈસા આપનાર  કાયમ દુખી હોય છે, અને પોલીસ રસ્તા ઉપર ઉભી રહીને પણ વાહન ચાલક, લારીવાળા, અને દુકાનોવાળા પાસેથી પૈસા ઉધરાવે છે , જેના કારણે તેમનો ભ્રષ્ટાચાર કલેકટર ઓફિસ કરતા ખુબ નાની રકમનો હોવા છતાં પ્રજાને દેખાય છે. 

આવી દર્શ્યોને કારણે બધી જ પોલીસ ચોર છે, તેવુ પ્રજા માનવા લાગે છે. જો કે કુલ વસ્તીના 60 ટકા લોકોને કયારેય પોલીસ સાથે પનારો પડતો નથી, છતાં તેઓ પોલીસ વિશે આવી જ માન્યતા ધરાવે છે કારણે પોલીસ ખરાબ છે તેની માઉથ પબ્લીસીટી ખુબ થાય છે. જો તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ભ્રષ્ટ હોત તો ગુજરાત પોલીસના કર્મચારીઓ માટેના સાવ થર્ડ કલાસ કવાર્ટરમાં એક પોલીસ કર્મચારી રહેવા જતો નથી. પણ સ્થિતિ એવી છે અમદાવાદ જેવા શહેરમાં પણ 70 ટકા પોલીસ પાસે અમદાવાદ રહેવા માટે પોતાનું ઘર નથી તેના કારણે તે પોલીસ કવાર્ટરમાં રહે છે, કેટલાંક કવાર્ટર તો ચાર પોલીસવાળાની વચ્ચે એક ફાળવવામાં આવ્યુ છે.

પૈસા તો આરટીઓ ઓફિસમાં પણ લેવાય છે, પણ પૈસા લેતી પોલીસથી કોઈ ભુલ થાય ( નકુમ બીઆરટીએસમાં ઘુસી ગયા) તો પ્રજા એક પણ તક છોડતી નથી, અને પોલીસ ઉપર તુટી પડે છે આવુ થવા પાછળનું કારણ પોલીનો વ્યવહાર છે, મોટા ભાગના પોલીસ કર્મચારીઓ ખાખી કપડાં પહેર્યા પછી ભુલી જાય છે કે બીજા વિભાગોના કર્મચારીઓ પ્રજાના સેવક છે, તેમ પોલીસ પણ પ્રજાની સેવક છે, ખાખી કપડાનો રૌફ મગજ ઉપર કાયમ સવાર રહે છે, જેના કારણે પોલીસ કોઈની સાથે સારી વ્યવહાર પણ કરી શકે,. તે વાત પોલીસ ભુલી જાય છે,. મોટા ભાગના કિસ્સામાં પોલીસ જાહેરમાં અને પોલીસ સ્ટેશનમાં આવેલા ફરિયાદી અને આરોપી સાથે જે પ્રકારનો તોછડો વ્યવહાર કરે છે, તે વાત પ્રજાના માનસમાં ઘર કરી જાય છે, પ્રજાને પોલીસના ભ્રષ્ટાચાર કરતા તેના વ્યવહાર સામે ગુસ્સો અને નારાજગી છે., એટલે જયારે પોલીસનો વખત આવે ત્યારે પ્રજા પોતાના મનમાં પડેલો પોલીસ સામેનો ગુસ્સો ફાટી નિકળે છે.

આવુ માત્ર પોલીસ સાથે થાય છે તેવુ નથી પત્રકારો સાથે પણ થાય ધીરે ધીરે પ્રજા માનવા લાગી છે, કે અખબાર અને ટીવી ચેનલો કોઈને કોઈ પક્ષ અથવા સંગઠનના વિવિધ પ્રકારના દબાણ અને લાલચમાં જ કામ કરે છે, હવે તો આ વ્યવસાયમાં કોર્પોરેટ કંપનીઓ પણ દાખલ થઈ છે, તેના કારણે પ્રજાની પાયાની સમસ્યાની નોંધ લેવાતી નથી, માધ્યમોને શહેરમાં બનતી જ ઘટનાઓ સમાચાર લાગે છે, તેમને ગરીબ સાથે અથવા ગામડામાં વસનાર માણસને થતો અન્યાય સમાચાર લાગતા નથી, આમ માધ્યમો પણ પોતાની ફરજ ચુકી રહ્યા  છે, કારણે તેમના માધ્યમન સંચાલન કોઈ પત્રકાર નહીં પણ ધંધાદારી માણસ કરે છે, ત્યારે તમામ પત્રકારો ભ્રષ્ટ નહીં હોવા છતાં કોઈની વિરૂધ્ધ સમાચાર આવે તો પ્રજા માને છે કે સોદો થયો નથી અને સમાચાર ના આવે તો સોદો થઈ ગયો છે તેવુ માને છે, દરેક વખતે આ સાચુ નહીં હોવા છતાં આ આરોપમાં  સત્યનો અંશ તેમા નથી તેવુ કહી શકાતુ નથી.

ગુજરાતમાં ઘણા સેવાભાવી ડૉકટરો છે, જે શહેરો અને ગામડાઓમાં સેવા આપે છે, છતાં કોઈ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં દર્દીનું મરણ થાય તો ડૉકટરને માર પડે છે, કારણ  ડૉકટર એટલે ભગવાનનું સ્વરૂપ માન્યુ હતુ, પણ ડૉકટરોના એક મોટા સમુહે આ વ્યવસાયને એકસો ટકા ધંધાદારી બનાવી દીધો, જેના કારમે સારા ડૉકટરો પણ ટીચાઈ જાય છે. આમ લાંબા ગાળે પ્રજા માનસમાં વિવિધ વ્યવસાકારો માટે જે માન્યતા ઘર કરી ગઈ છે તેના માટે તે પોતે જ જવાબદાર છે, તેથી ઈન્સપેકટર નકુમ સાથે જે વ્યવહાર થયો, તેમાં માઠુ લગાડવાને બદલે પોલીસને પણ પ્રજાને લાગુ પડતા તમામ કાયદોએ લાગુ પડે જ છે તેવી સાદી સમજ પોલીસ કેળવવાની જરૂર છે, બીજી વાત નકુમ સાથે થયેલા વ્યવહારની તો જયારે પણ હવે કોઈ સામાન્ય માણસ પોલીસ સ્ટેશન આવે, જેનો નેતા-આઈપીએસ અથવા આઈએસ ઓળખતા નથી અને ગરીબ પણ છે તેવા સામાન્ય માણસ  સાથે સારો વ્યવહાર કરજો, કદાચ આવનારની પેઢી પોલીસ સાથે આવો વ્યવહાર કરશે નહીં.