મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ ગુજરાત સહીત દેશના અડધો ડઝન જેટલા રાજ્યોમાં ખાસ કરીને એટીએમ તેમજ બેન્કમાંથી રોકડ મેળવવામાં અસહ્ય મુશ્કેલી પડી રહી છે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યની બેન્કોમાં પૈસા નહીં હોવાની કબુલાત કરતા જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર પાસે ગુજરાતને વધારે પૈસા ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે. જ્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમના બેંક ખાતામાં પૈસા હોવા છતાં છેલ્લા ચાર દિવસથી કોઈ એટીએમમાંથી પૈસા નહીં મળતા આજે રૂપિયા દસ હાજર ઉછીના લઈને ગાંધીનગર આવવું પડ્યું હોવાનું કહ્યું હતું.

દેશના અડધો ડઝન જેટલા રાજ્યોમાં એટીએમમાંથી પોતાના જ પૈસા મેળવવામાં પડી રહેલી હાલાકી અંગે ભારે રોષ પેદા થયો છે. જેમાં ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં એટીએમમાંથી પૈસા મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. મોટાભાગના એટીએમ બંધ હોવાના બોર્ડ લગાવવા સાથે એક એટીએમમાંથી બીજા એટીએમમાં વારંવાર ધક્કા ખાવા છતાં પૈસા જ નીકળતા નથી. જેના પરિણામે અર્થતંત્ર ઉપર પડી રહેલી ઘેરી સમસ્યાના કારણે વેપારીઓથી લઈને પ્રજામાં આક્રોશ વ્યાપ્યો છે. આ બાબતે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ અંગે તપાસમાં જાણવા મળ્યું છે કે રાજ્યની ઘણી બેન્કોમાં પૈસા જ નથી. આથી એટીએમમાં પૈસા નાખવા માટે બેન્કોને જણાવવા સાથે ગુજરાતને પૈસા આપવા માટે રિઝર્વ બેંક તેમજ કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાત માટે વધારે પૈસા ફાળવવા પણ માંગણી કરવામાં આવી છે.

જ્યારે એટીએમ સમસ્યાનો ભોગ બનેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, તેમના ૧૩-૧૪ એપ્રિલના પ્રવાસ દરમિયાન દિલહી અને મુંબઈ એરપોર્ટ  ઉપર તેમજ ગુજરાતમાં રાજકોટ, જુનાગઢ અને અમરેલીમાં એટીએમમાંથી પૈસા લેવા ગયા હતા. તેમાં આ તમામ જગ્યાએ એટીએમ દ્વારા પૈસા આપવાની ના પાડવામાં આવી હતી. આથી બેંકમાં પૈસા હોવા છતાં આજે સવારે ૧૦ હજાર રૂપિયા ઉછીના લઈને ગાંધીનગર આવવું પડ્યું છે. તેમણે આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સરકારમાં અર્થતંત્ર અને વિદેશ નીતિ ખાડે ગઈ છે. નોટબંધીના નાટકો કરીને લાખો-કરોડો રૂપિયાનું કમીશન ખાનારા ભાજપના લોકોએ કૃત્રિમ તંગી ઊભી કરી છે. જ્યારે પ્રજાને પોતાના પરસેવાની કમાણી બેન્કમાંથી મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આવી ગંભીર પરિસ્થિતિમાં માલ્યા-નીરવ મોદી વગેરે કૌભાંડીઓ વડાપ્રધાનની રહેમ નજર હેઠળ દિનદહાડે બેંક ડીપોઝીટ લૂંટી જતા લોકોનો બેંક ઉપરથી ભરોષો ઉઠી ગયો છે. જો આરબીઆઈ છેલ્લા કેટલાક મહિનાના ડીપોઝીટ વિડ્રોલના આંકડા આપે તો પ્રજાને પોતાના પૈસા ઉપાડવથી વંચિત રાખવાનું ષડ્યંત્ર બહાર આવે તેમ છે.