અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ.ગાંધીનગર): રાજ્ય સરકારે ગત અઠવાડિયે 83 પીઆઈને ડીવાયએસપી તરીકે બઢતી આપી હતી. જેમાં 2001 બેચના 75 પીઆઈને ડીવાયએસપી તરીકે બઢતી મળી પરંતુ આ જ બેચના 100થી વધુ પોલીસ ઈન્સપેક્ટર (પીઆઈ) કોઈને કોઈ કારણસર ખાતાકીય તપાસ ચાલતી હોવાથી તેમની ડીપીસી ક્લિયર થઈ શકી નથી જેને કારણે 100 વધુ પીઆઈને હજુ જ્યાં સુધી સરકાર બઢતી ન આપે ત્યાં સુધી પીઆઈ તરીકે જ ફરજ બજાવવાની રહેશે.

વર્ષ 2001માં 232 પીએસઆઈની બેચ બનાવવામાં આવી હતી. 1998માં પીએસઆઈની ભરતી થયા બાદ ત્રણ વર્ષ સુધી પીએસઆઈની ભરતી થઈ ન હતી તેના કારણે વર્ષ 2001માં 232ની બેચ બનાવવામાં આવી હતી. આ બેચમાં કેટલાક અધિકારીઓને વેઈટિંગમાં પણ રાખવામાં આવ્યા હતા. સરકારે 2016ના અંતમાં 2001 બેચના 25 પીઆઈને ડીવાયએસપી તરીકે બઢતી આપી હતી. તેના દોઢ વર્ષ પછી આ બેચના વધુ 75 પીઆઈને ડીવાયએસપી તરીકે બઢતી આપવામાં આવી છે.

2001 બેચના વેઈટિંગમાં જે પીઆઈ હતા તે અધિકારીઓને પણ ડીવાયએસપી તરીકે બઢતી મળી ગઈ છે, પરંતુ આ જ બેચના સૌથી વધુ પીઆઈ સામે વિવિધ પ્રકારની ખાતાકીય તપાસો ચાલતી હોવાથી ડીવાયએસપીમાં બઢતી મેળવવામાં તેઓ ચુકી ગયા છે. 2001ની 232 પીએસઆઈની બેચમાં એક પીએસઆઈએ આત્મહત્યા કરી હતી. જ્યારે 4થી 5 પીએસઆઈનું અકાળે મૃત્યુ થયું છે. ગુજરાતમાં કોઈપણ બેચમાં આટલી મોટી સંખ્યામાં પીઆઈ ડીવાયએસપી બનવાથી રહી જાય તેવો આ પ્રથમ બનવા પામ્યો છે.