મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર:  ગાંધીનગરથી માત્ર ૨૦ કિમી દુર આવેલુ ગાંધીનગર તાલુકાનું જ વજાપુરા ગામ શિક્ષણની ભયજનક વ્યવસ્થાનો ભોગ બન્યું છે, અહિયાં બાળકો શાળાના ક્ષીણ થઈ ગયેલા ક્લાસરૂમમાં અભ્યાસ કરે છે. ગામના સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો નવી શાળા નહીં બનાવવામાં આવે તો ગામ ઉપવાસ આંદોલન કરશે.

ગાંધીનગરના આ ગામ વજાપુરામાં સરપંચ દ્વારા વખતો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ ગ્રાન્ટ કે પ્લાન સરકાર કે શિક્ષણ વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યો નથી અને  તેના કારણે બાળકોએ ભયજનક સ્થિતિમાં અભ્યાસ કરવો પડે છે.

ગામના સરપંચ રમેશભાઈ મકવાણાએ જણાવ્યું કે, અમારા બાળકો આ શાળામાં સુરક્ષિત નથી અને જો કઈ થાય તો જવાબદારી કોણ સ્વીકારશે? તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકો માટે અહિંયા પુરતા ક્લાસરૂમ પણ નથી અને ઘણા બાળકો સ્કૂલના ઓટલા પર ભણવા બેસવું પડે છે.  થોડા સમય પહેલા એક ક્લાસરૂમમાં ઉપરથી પોપડો પડ્યો હતો અને સરપંચ બાળકને સારવાર માટે દવાખાન લઇ ગયા હતા અને આવી ઘટના ફરી ના બને એ માટે ગામ લોકો સહિત પંચાયત પણ નવી સ્કૂલ બનાવાવની માંગણી કરી રહ્યા છે.

જ્યારે મેરાન્યૂઝ દ્વારા ગામની અને ખાસ શાળાની મુલાકાત લેવામાં આવી ત્યારે જાણકારી મળી કે શાળામાં મધ્યાહ્નન ભોજનના વાસણો બહાર ખુલ્લામાં મુકી રાખવામાં આવે છે.  સરપંચે જણાવ્યું કે ૨૦૧૪માં આ સ્કૂલ તોડી પાડવાનો ઓર્ડર થઇ ગયો છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ગામમાં આંગણવાડી તો છે પરંતુ બાળકોને બેસાડવાનું મકાન ન  હોવાને કારણે બાળકોને ગામના એક મંદિરમાં બેસાડવા પડે છે.

ગામના જ એક વાલીએ  જણાવ્યું કે તેમની દીકરી ધોરણ ૮ પછી આગળ નથી ભણી, કારણ એ જ કે ગામમાં માધ્યમિક શાળા નથી અને દૂર બહાર ગામ અભ્યાસ કરવા માટે જવું પડે અને ગામમાં એક પણ સરકારી બસ આવતી નથી. જેથી વિદ્યાર્થીઓ અવર જવર કરી શકે.