પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગેંગ રેપના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશનર જે કે ભટ્ટ સામે નારાજ પીડીતાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર  ખખડાવતા આખરે રાજ્યના ગૃહ વિભાગે જે. કે. ભટ્ટને તપાસમાંથી હટાવી લેવાનો નિર્ણય લીધો છે, પરંતુ જે કે ભટ્ટ સામે નારાજ થનારની  આ પહેલી ફરિયાદ નથી.

અમદાવાદ પોલીસમાં સબઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર કાંતિલાલ ભટ્ટના પુત્ર જયેશ ભટ્ટનું બાળપણ અમરાઈવાડી પોલીસ લાઈનમાં પસાર થયું હતું, ગ્રેજ્યુશન પૂરું કર્યા પછી જે કે ભટ્ટને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળી હતી, ત્યાર બાદ તેઓ ગુજરાત પોલીસ સેવામાં જોડાયા અને નાયબ પોલીસ અધિક્ષક તરીકે પોલીસ સેવાનો ભાગ બન્યા હતા.

સ્વભાવે મૃદુ ભાષી જે કે ભટ્ટના સંબંધો રાજકારણી સાથે  કાયમ સારા રહ્યા છે. કોંગ્રેસના શાસનમાં પણ તેઓ સત્તાની નજીક રહ્યા હતા. જેના પરિણામ સ્વરૂપ કોંગ્રેસ વખતે પણ તેમને સારા પોસ્ટીંગ મળતા રહ્યા હતા. 2002માં અમિત શાહ ગૃહ મંત્રી થયા બાદ તેઓ અમિત શાહના ખાસ થઈ ગયા અને સરકારની તમામ મુશ્કેલીમાં તેઓ ફાયર ફાઈટરની ભૂમિકામાં આવી જતા હતા.

ગુજરાત પોલીસના બનાવટી એન્કાઉટરને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં પણ ડેમેજ કંટ્રોલરની તેમની ભૂમિકા રહી હતી. ભાજપ સરકાર સામે થયેલા આંદોલનોમાં આંદોલનકારી સાથે બંધ બારણે શામ, દામ અને દંડનો ઉપયોગ કરી સમજાવવાની જવાબદારી પણ તેમણે નિભાવી હતી. ભાજપની નેતાગીરી ઉપરાંત તેમને આઈએએસ અધિકારીઓ સાથે પણ એટલી જ ઘનિષ્ટતા છે. મુખ્યમંત્રીના સલાહકાર કે. કૈલાશનાથન સાથે પણ સતત લાઇન ઉપર રહે છે.

જે કે ભટ્ટ ઉપર આરોપ છે કે, સરકાર જેનો  હિસાબ કરવા માંગતી હોય તેવા જ કેસ સોંપવામાં આવે છે, તેઓ કેસ પેપરમાં નજર કરતા પહેલા ગાંધીનગર તરફથી આવતી સૂચના ઉપર વિશેષ ધ્યાન  આપે છે, ભાજપ સાથે જેમને વાંધો છે તે તમામથી તેઓ અંતર રાખે છે. અમદાવાદ ક્રાઇમ  બ્રાન્ચની સાથે તેઓ એટીએસનો હવાલો સાંભળે છે.

હમણાં જ તેમને એડિશનલ  ડીજીપી તરીકે બઢતી મળી છે પણ નિવૃત્તિ પહેલા વડોદરા અને સુરતના પોલીસ કમિશનર થવાની ઈચ્છા છે, પરંતુ તેમનું અમદાવાદ ગાંધીનગર પાસે રહેવું ગૃહ વિભાગ માટે જરૂરી છે.