મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ચાલુ સપ્તાહે અમદાવાદ સીબીઆઈ કોર્ટમાં ઈશરત જહાંના બનાવટી એન્કાઉન્ટર કેસમાં ડિસચાર્જ અરજીની સુનાવણી દરમિયાન ડી. જી. વણઝારાએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામનો ઉલ્લેખ કરતા ફરી પોલીસ અને રાજકિય વર્તુળમાં ગરમાવો આવી ગયો છે.  ડી. જી. વણઝારાના વકીલે કોર્ટને કહ્યુ હતું કે સીબીઆઈ આ મામલે નરેન્દ્ર મોદી અને અમિત શાહને પકડવા માગતી હતી, પણ તેમણે ડી. જી. વણઝારાને પકડી લીધા હતા. સોહરાબુદ્દી શેખ કેસમાં પણ વણઝારાએ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાજપ સરકાર જવાબદાર છે તેવો પત્ર જેલમાંથી લખ્યો હતો.

કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યુ તે ઈશરતના કેસમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને પકડવાનું સીબીઆઈએ નક્કી કર્યુ હતું અને તે માટે ખાનગીમાં નરેન્દ્ર મોદીની સીબીઆઈ દ્વારા પૂછપરછ  પણ થઈ હતી. તેમણે સાક્ષી દ્વારા લગાવવામાં આવેલા આરોપો ફગાવી દેતા કહ્યુ તે મેં સફેદ અને કાળી દાઢીનો ઉલ્લેખ કર્યો હતો તે વાત સાવ જુઠ્ઠી છે. અને માની પણ લો કે મારે મુખ્યમંત્રી સાથે વાત થઈ હોય તો હું જુનિયર અધિકારી સાથે તેની વાત કેવી રીતે કરૂ.

રાજકિય વર્તુળમાં ચર્ચાઈ રહ્યુ છે વણઝારા ઈરાદાપુર્વક નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામનો ઉલ્લેખ કર્યો છે. તેઓ આડકતરી રીતે સરકારને ધમકી આપવા માગે છે કે મને આ કેસમાંથી બહાર કાઢશો નહીં તો હું તમને પણ અંદર લઈ જઈશ. વણઝારા સોહરાબુદ્દીન શેખ કેસમાંથી નિકળી ગયા છે પણ તેમની ઉપર ઈશરત કેસની લટકતી તલવાર છે.મ