મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીની સ્થિતિ બહુ વિચિત્ર છે. કારણ સરકાર સતત દારૂબંધીની જાહેરાત કરે અને ગુજરાતના જ કેટલાક સિનિયર પોલીસ અધિકારીઓ કમને દારૂબંધીનો અમલ કરે અથવા તેઓ જાહેરમાં દારૂના ધંધાને મંજુરી આપે છે. આવી જ સ્થિતિ તાજેતરમાં નવસારીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દારૂની રેડ દરમિયાન બહાર આવી છે. ગુજરાત પોલીસના તાબામાં આવેલી સુરત રેન્જમાં ખુલ્લે આમ દારૂનો વેપાર થઈ રહ્યો છે તેવી ફરિયાદ ગુજરાતના ડીજીપી શીવાનંદ ઝા અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સુધી પહોંચી હતી. જેના પગલે સ્થાનિક પોલીસની જાણ બહાર સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડો પાડે તેવો આદેશ થયો હતો. જો કે બુટલેગર ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓના હાથ હોવાને કારણે બુટલેગર દ્વારા મોનીટરીંગ સેલના અધિકારીઓ ઉપર સ્કોર્પીયો કાર ફેરવી દેવાનો પ્રયાસ પણ થયો હતો.

ગુજરાતમાં દારૂની ગેરકાયદે હેરાફરી કરવાના અનેક પ્રવેશદ્વાર છે. જેમાં દમણ તરફથી આવતો દારૂ વલસાડથી ગુજરાતમાં દાખલ થાય છે. બે વર્ષ પહેલા સુરત જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ ગુજરાત સરકારે આઈજીપી શમશેરસિંગને મુકવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ કોઈ રાજકિય કારણસર દારૂના ધંધા ઉપર તુટી પડનાર શમશેરસિંગ અને એસપી નિર્લીપ્ત રાયની બદલી કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ ક્રમશ: સ્થિતિ બગડવા લાગી હતી. થોડા મહિના પહેલા થયેલી આઈપીએસની બદલીમાં રાજકુમાર પાંડીયનને સુરત રેન્જમાં મુકવામાં આવ્યા હતા. રાજકુમાર પાંડીયન સરકારની ગુડબુકના આધિકારી છે. તેનું સૌથી મહત્વનું કારણ તેઓ ગુજરાતના સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના આરોપી રહ્યા છે અને લાંબો સમય જેલમાં પણ રહ્યા હતા. જો કે આ કેસમાં ડીસચાર્જ થવામાં પણ તેમનો નંબર આવ્યો હતો.

ફરજ ઉપર પાછા ફર્યા બાદ તેમને પ્રમોશન પણ મળ્યા અને સારી કહેવાતી રેન્જ પણ મળી. આઈપીએસ અધિકારીમાં તેમના અંગત મિત્ર અભય ચુડાસમા છે. જો કે અભય ચુડાસમા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હતા ત્યારથી તેમણે  પોતાને દારૂના કોઈ પણ પ્રકારના ધંધાથી દુર રાખવાનો પ્રયત્ન કર્યો છે. ચુડાસમા હાલમાં વડોદરા રેન્જમાં છે. જો કે તેઓ પોતાના વિસ્તારમાં પોલીસની મંજુરીથી કોઈ પણ પ્રકારનો દારૂનો ધંધો ચાલે નહીં તેની તકેદારી રાખે છે. પરંતુ સુરત રેન્જની સ્થિતિ જુદી છે. સુરત રેન્જના તમામ પોલીસ સુપ્રીટેન્ડન્ટ દ્વારા રાજ્યના ડીજીપી શીવાનંદ ઝાને ફરિયાદ કરી હતી કે આઈજીપી રાજકુમાર પાંડીયન સિનિયર અને જુનિયર પોલીસ અધિકારીઓ સાથે દુરવ્યવહાર કરે છે  અને જાહેરમાં તેમને અપમાનીત કરે છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાંડીયન એટીએસમાં એસપી હતા ત્યારે તેમણે પોતાના અંગત સચિવને ફટકારી હાથ તોડી નાખ્યાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાઈ હતી.

થોડા સમય પહેલા સુરત ગ્રામ્ય  વિસ્તારમાં દારૂનો દરોડો પડ્યો હતો. જેમાં કેટલાંક અધિકારીઓ ફરજ મોકુફી ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા. આ મામલો રાજ્યના ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઓફિસ સુધી પહોંચ્યો હતો અને જાડેજાના ધ્યાન ઉપર કેટલીક ગંભીર બાબત આવી હતી. જેમાં દમણના બુટલેગર્સનો સીધો સંપર્ક આઈજીપી ઓફિસ સાથે હોવાનો આરોપ થયો હતો. દમણના બુટલેગર વિનોદ ભૈયાનો સંપર્ક સિનિયર અધિકારીઓની સાથે હોવાને કારણે તે સ્થાનિક પોલીસને ગાંઠતો ન્હોતો. વિનોદ ભૈયા પોતાના તાબામાં દારૂનો ધંધો કરે નહીં તેવી સ્થાનિક એસપી અને ઈન્સપેક્ટર્સની ઈચ્છા નહીં હોવા છતા વિનોદ ભૈયાને કોઈ ના પાડી શકે તેવી સ્થિતિ ન્હોતી. આમ મામલો પ્રદિપસિંહ જાડેજા સુધી પહોંચતા ડીજીપી શિવાનંદ ઝાને તેમના તાબાના મોનીટરીંગ સેલને રેડ પાડવા આદેશ આપ્યાની ચર્ચા છે. મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન પોલીસની હત્યાનો પ્રયાસ પણ થયો હતો જેમાં પોલીસને પાંચ રાઉન્ડ ગોળીબાર કરવાની ફરજ પણ પડી હતી. જો કે હવે ગૃહરાજ્ય મંત્રી સુધી મામલો પહોંચ્યો હોવાને કારણે આગામી સમયમાં અનેક સિનિયર અધિકારીઓ સુરત રેન્જમાંથી બદલી થાય તો નવાઈ નહીં.