પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): જેમને પણ નરેન્દ્ર મોદી અને ભાજપ સામે વાંધો છે તે તમામ લોકો હાર્દિક પટેલને ટેકો આપી રહ્યા છે પણ હાર્દિકને ટેકો આપનાર કોંગ્રેસ અને ગુજરાત બહારથી આવી રહેલા નેતાઓએ સમજી લેવાની જરૂર છે કે નરેન્દ્ર મોદી અને ભાજપનો વિરોધ કરવા માટેના અનેક કારણો છે, પણ હાર્દિકને ટેકો આપવાથી મોદી અને ભાજપને કોઈ નુકશાન થઈ રહ્યુ નથી.  હવે તો પ્રજામાં હાર્દિકને  ટેકો આપનાર ઘટી રહ્યા છે. ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારને ઘેરવા માટેના અનેક કારણો વિરોધ પક્ષ પાસે છે. પરંતુ કોંગ્રેસ સહિત તમામ જાણે છે કે તેઓ હાર્દિકને ત્યાં આવતી ભીડ જેટલી પણ ભીડ પોતાની સભા અને રેલીમાં એકત્રીત કરી શકતા નથી જેના કારણે તેઓ હાર્દિકને ટેકો આપી રહ્યા છે.

જો કોંગ્રેસને હાર્દિકની માગણીઓ સાચી લાગતી હોય તો કોંગ્રેસ જાહેરાત કરે કે તેના તમામ ધારાસભ્યો પણ પોતાના મત વિસ્તારમાં પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી માટે આમરણાંત ઉપવાસ કરશે, પણ ખુદ કોંગ્રેસને ખબર છે કે કદાચ અકસ્માતે તેમને સત્તા મળે તો પણ તે પાટીદારોને અનામત આપી શકે તેવી કોઈ જોગવાઈ કાયદામાં નથી અને ગુજરાત ખેડૂતોનું 80 હજાર કરોડથી વધુ રકમનું દેવુ માફ થઈ શકે તેમ નથી. માત્ર ભાજપની મુશ્કલીમાં વધારો થશે તેવા ઈરાદે તેઓ હાર્દિક અને પોતાને મુર્ખ બનાવે તો જુદી વાત છે.

જ્યા સુધી હાર્દિક પટેલની વિશ્વનીયતાનો સવાલ છે તે પણ તેના વ્યવહારને કારણે જ ઓછી થઈ રહી છે. કોઈને મન ખોટી લાગતી વાત હાર્દિકને સાચી લાગતી હોય અને તેના માટે તે ઉપવાસ કરો તો એ તેનો અધિકાર છે. પરંતુ ઉપવાસનો હેતુ સરકાર સાથે સંવાદ કરવો અને કોઈ સમાધાનકારી વલણ તરફ આગળ વધવુ તેવો હોવો જોઈએ. પરંતુ હાર્દિક તરફથી તેવુ થઈ રહ્યુ નથી. બીજી તરફ ભાજપ સરકાર અને હાર્દિક પટેલનું પાસ જુથ જેમને એકબીજા ઉપર ભરોસો નથી,જેના કારણે તેમની વચ્ચે કોઈ સંવાદ થતો જ નથી. પહેલા તબક્કામાં સમાધાન માટે પાટીદાર આગેવાનોએ મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પાસનો આરોપ હતો કે મધ્યસ્થી કરનાર પાટીદાર નેતાઓ ભાજપના એજન્ટ છે. આ આરોપને કારણે પાટીદાર નેતા બાજુ ઉપર ખસી ગયા છે.

બીજી તરફ ઉપવાસ ઉપર રહેલ હાર્દિક પટેલ ક્યારેક પાણીના ત્યાગની વાત કરે છે અને કોઈક સંત અથવા નેતાના હાથે ફરી પાણી પીવાની શરૂઆત કરે છે. ત્યાર બાદ તેઓ સારવાર લેવા માટે હોસ્પિટલ જાય છે અને પાછા ઉપવાસી છાવણીમાં પાછા ફરે છે. આમ આખા મુદ્દે હાર્દિક કોઈ એક વાતને વળગી રહેવાને બદલે પોતાના વિચાર અને નિર્ણય સતત બદલતા રહે છે, જેના કારણે રાજ્ય સરકાર પણ હાર્દિકના ઉપવાસને ગંભીરતાથી લઈ રહી નથી. પાટીદાર નેતા નરેશ પટેલે મધ્યસ્થી કરવાની તૈયારી બતાડી તેના 48 કલાક પછી પણ નરેશ પટેલ અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ બેઠક થઈ નથી. આખી ઘટનામાં ભાજપ સરકાર પણ સમય પસાર કરી રહી હોય તેવુ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યુ છે. હાલની સ્થિતિ જોતા હાર્દિકે પોતાના ઉપવાસને પોતે જ મજાક બનાવી દીધા હોય તેવુ લાગી રહ્યુ છે.