પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): નરેન્દ્ર મોદીને પરાસ્ત કરવા માટે દેશભરમાં ઘણા પક્ષો એક થયા હતા આમ છતાં નરેન્દ્ર મોદી તમામને માત આપી, તમામ ગણતરીઓને ઉંઘી પાડી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા તે આજની વાસ્તવીકતા છે. 2014માં નરેન્દ્ર મોદી પાસે યુપીએ સરકાર ઉપર દોષારોપણ કરવાના અનેક મુદ્દા હતા, દેશને કોંગ્રેસને કારણે કેટલુ નુકશાન ગયું તે સમજાવવામાં નરેન્દ્ર મોદી સફળ રહ્યા અને પ્રજાએ તેમને સત્તાનું સુકાન સોંપ્યુ હતું. 2014માં સત્તા સંભાળી ત્યાર બાદ દેશમાં જે કઈ ઘટનાઓ થઈ તેની સીધી જવાબદારી નરેન્દ્ર મોદીની હતી. જીએસટી, નોટબંધી અને ત્રાસવાદી હુમલાઓ સહિત બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યાનો પ્રશ્ન વગેરે વગેરે...

આ તમામ પ્રશ્નનોને ધ્યાનમાં લઈ રાજકીય નિરીક્ષકો અને પત્રકારો નરેન્દ્ર મોદીનું આકલન કરતા હતા, 2014માં જે સ્થિતિ હતી તેવી 2019માં નથી, તેવું બધા જ માનતા હતા. આમ છતાં રાજકીય નિરીક્ષકો અને પત્રકારો ખોટા પડયા અને એકઝીટ પોલ કરતા પણ અનેક ઘણી વધારે બેઠકો દેશની જનતાએ મોદીને આપી છે. જેઓ નરેન્દ્ર મોદી તરફી છે સ્વભાવીક તેઓ પરિણામથી રાજી હોય અને અમે તો કહેતા હતા તેવું સાંભળવા પણ મળે છે, પણ જેઓ નરેન્દ્ર મોદીને પસંદ કરતા નથી અથવા જેમને તટસ્થા પુર્વક આકલન કર્યું હતું કે, નરેન્દ્ર મોદીની સરકાર ફરી સત્તા ઉપર આવશે નહીં, અથવા નરેન્દ્ર મોદીની સરકાર તો બનશે પણ બહુ પાતળી બહુમતી મળશે તેવું કહ્યું તે  બધા જ ખોટા પડયા છે.

નરેન્દ્ર મોદીને પાંચ વર્ષ ખસેડી શકાય નહીં તેવી બહુમતી મળી ગઈ છે. જેના કારણે જેઓ કહેતા હતા કે નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવશે નહીં તેમને ખરેખર મોદી જીતી ગયા તેનું માઠું લાગ્યું છે, તો તે વાત સો ટકા સાચી નથી, પ્રમાણિક પણે દેશના પ્રશ્નોનું આકલન કરનારા ખોટા ન્હોતા, નરેન્દ્ર મોદી સામે પ્રશ્નો તો હતા, પરંતુ નિરીક્ષકો અને પત્રકારો જેને પ્રશ્ન માની રહ્યા હતા મતદારો તેને પ્રશ્ન માનવા તૈયાર ન્હોતા, અથવા તેવું પણ કહીએ શકીએ જીએસટી, બેકારી, ખેડૂતોના પ્રશ્નો નોટબંધી વગેરે પ્રશ્નો કરતા દેશની સુરક્ષા અને રાષ્ટ્રવાદ વધારે મહત્વનો છે તેવું સમજાવવામાં નરેન્દ્ર મોદી સફળ રહ્યા છે.

ઘણા રાજકીય નિરીક્ષકો અને પત્રકારોને નરેન્દ્ર મોદી જીતી ગયા તેના કરતા વધારે આધાત તે બાબતનો લાગ્યો છે કે અમે પ્રજાની નાડ પારખી શકીએ તેવું તેઓ માનતા હતા, પણ પ્રજાની નાડ પારખવામાં ભુલ થઈ અને પ્રજા શું માની રહી છે, પ્રજા શું વિચારી રહી છે તેની તેમને ખબર જ પડી નહીં, આમ રાજકીય નિરીક્ષકો અને પત્રકારો સામાન્ય માણસ સાથેની સંપર્ક ગુમાવી દિધો છે તેવું લાગી રહ્યું છે. સરકાર તો આવે છે અને જાય છે પરંતુ જેમને સામાન્ય પ્રજા સાથે અને પ્રજા માટે કામ કરવાનું છે તેવા પત્રકારોએ પ્રજાને સમજવામાં ક્યાં ભુલ થઈ તેનો અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

નરેન્દ્ર મોદી જીતી ગયા તેનો અર્થ એવો નથી કે દેશમાંથી હવે તમામ પ્રશ્નો પુરા થઈ ગયા, અહિયા સવાલ એટલો છે નિરીક્ષક અને પત્રકાર જેને પ્રશ્ન માને છે તેને પ્રજા પ્રશ્ન માની રહી છે કે નહીં, તેનો બીજો અર્થ એવો પણ થાય કે પત્રકાર જનમાનસ બદવાનું કામ કરે છે, દેશના જે પ્રશ્નો છે તે કેટલાં ગંભીર છે તેવું સમજાવવામાં પણ પત્રકાર નિષ્ફળ ગયો છે. આ સ્થિતિમાં રાજકીય નિરીક્ષકોએ નરેન્દ્ર મોદીની જીતને ઈવીએમની ગરબડ કહેવાને બદલે અમે પ્રજાની નાડ પારખી શકયા નહીં તેવી નિખાલસ કબુલાત કરી લેવી જોઈએ, કદાચ રાજકીય નિરીક્ષકો અને પત્રકારોને રંજ પોતે ખોટા પડયા તેનો છે, નહીં કે નરેન્દ્ર મોદી જીતી ગયા તેનો...