પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): કોઈ મને પુછે કે તમારૂ વતન ક્યુ? હું  કહુ કે અમરેલી.. તેની સાથે એકમદ આશ્ચર્ય સાથે સામેવાળા મારી સામે જુવે જાણે મેં આફ્રિકાના કોઈ દેશનું નામ લીધુ હોય. જો કે આ આશ્ચર્ય થવાનું કારણ મારી માતૃભાષા મરાઠી છે. હું તેમનું આશ્ચર્ય સમજી જઉ અને સ્પષ્ટતા કરતા કહુ કે અમરેલી આઝાદી પહેલા ગાયકવાડ રાજ્ય હતું અને ગુજરાતમાં હું આઠમી પેઢી છું. જો કે હજી ગુજરાતના અનેક લોકોને ખબર નથી કે અમરેલી મરાઠી રાજ્ય હતું. મારુ પ્રાથમિક શિક્ષણ અમરેલીમાં જ થયુ અને તે પણ ગુજરાતી ભાષામાં થયુ. મારા પિતા અને મારા દાદા પણ ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા હતા. 17 વર્ષ પહેલા મારા દિકરાને સ્કૂલમાં મુકવાનો પ્રસંગ આવ્યો ત્યારે મારી પત્નીની ઈચ્છા હતી કે દિકરો અંગ્રેજી માધ્યામમાં ભણે. આ મુદ્દે અમારા વિચારો અલગ પડતા હતા.

મેં મારી પત્નીને પુછ્યુ કે આપણે ઘરમાં કઈ ભાષામાં વાત કરીએ છીએ? તેણે કહ્યુ મરાઠીમાં.. મેં તેને પુછ્યુ કે આપણને વિચાર કઈ ભાષામાં આવે છે, તેણે વિચાર કરી કહ્યુ ગુજરાતીમાં.. મેં કહ્યુ વિચાર અને સ્વપ્ન જે ભાષામાં આવે તે જ આપણી ભાષા છે. આપણે દિકરાને ગુજરાતી માધ્યમમાં ભણાવીશુ. મારા દિકરા અને દીકરીએ ગુજરાતીમાં ભાષામાં જ શિક્ષણ લીધુ. મને ઘણા મિત્રો પુછે કે મહારાષ્ટ્રમાં તમારા સગા રહેતા હશે, તમારૂ ઘર પણ હશે. પરંતુ કદાચ તમને માનવામાં નહીં આવે પણ મેં હજી એક વર્ષ પહેલા જ મુંબઈ જોયુ હતું. હું કોઈ કામ અર્થે મુંબઈમાં પણ ગયો ન્હોતો. મારા કોઈ સગા મહારાષ્ટ્રમાં રહેતા નથી, કોઈ ઘર અથવા જમીન પણ નથી.

મારી 52 વર્ષની ઉમંર થઈ પણ મને ક્યારેય ગુજરાતમાં બીક લાગી નથી. મારી માતૃભાષાને કારણે કોઈએ મને અલગ ગણ્યો નથી. કોઈ એક ગુજરાતીએ મને કહ્યુ નથી  કે મરાઠી તમે અહિયા શુ કરો છો? જતા રહો તમારા મહારાષ્ટ્રમાં. પરંતુ છેલ્લાં પંદર દિવસથી ગુજરાતમાં બહુ વિચિત્ર સ્થિતિ નિર્માણ થઈ છે. કોઈ એક બિનગુજરાતી માણસ ગુનો કરે અને કેટલાંક મુર્ખ રસ્તા ઉપર ઉતરી આવે અને જાહેર કરે તે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો ગુજરાત છોડી દો. હમણાં જેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તે યૂપી બિહારના લોકો અત્યંત સામાન્ય અને ગરીબ લોકો છે, જેઓ સવારે નિકળી ગુજરાતની કોઈ ફેક્ટરીમાં કાળી મજુરી કરે અથવા આખો દિવસ રસ્તા ઉપર ખુમચો લગાવે ત્યારે રાત પડે રોટલા ભેગા થાય છે. આ ગરીબ લોકોને મારી ભગાડી દેવામાં કોઈ બહાદુરી નથી.

ટોળામાં જે નિકળે છે તે તો કાયરો છે, તેમની અંદર યુપી બિહારના લોકો જે પ્રકારની મજુરી કરે છે તેવી મજુરી કરવાની તાકાત અને હેસીયત પણ નથી. પાનના ગલ્લા ઉપર ગલોચોમાં મસાલો ભરાવી તેઓ ગુજરાતની અસ્મિતાની ચિંતા કરે છે. ભારતીય સેનામાં અનેક જવાનો યુપી બિહારના છે, જેની સરખામણીમાં બહુ ઓછા ગુજરાતીઓ સેનામાં જાય છે ત્યારે સેનામાં ઉત્તમ સેવા આપનાર બિનગુજરાતીઓને કારણે ક્યારેય આપણે આપણા ગલીના નાકે ખુમચો લગાડનાર ભૈયાનું સન્માન કર્યુ નથી. ગુજરાતના મુખ્ય સચિવ જે. એન. સિંગ અને ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા પણ બિહારના વતની છે, આપણે ક્યારેય કોઈ બિહારીને કહ્યુ કે ગુજરાતના વહિવટ માટે તમે અમને શ્રેષ્ઠ આઈએએસ અધિકારી અને ગુજરાતની સલામતી જેમના હાથમાં છે તેવા આઈપીએસ અધિકારી આઈપીએસ અધિકારી આપ્યા અમે બિહાર અને બિહારીઓનાં ઋણી છીએ.

એક બિનગુજરાતી ગુનો કરે તેની સજા તમામ બિનગુજરાતીઓને આપી શકાય નહીં. ગુજરાતમાં નોંધાતા રોજના 10 ગુનામાં નવ ગુનામાં  ગુજરાતના બ્રાહણ, પટેલ વાણિયા, ઠાકોર અને ક્ષત્રીય અથવા દલિત આરોપી હોય છે તેના કારણે આપણે આખી જ્ઞાતિને ગુજરાત બહાર કાઢી મુકવાની વાત કરતા નથી. આપણે જે સરદાર પટેલના ગુણગાન કરીએ છીએ તેમણે 562 રજવાડા ભેગા કર્યા તે જ સરદારની ભુમીમાં આપણે કહીએ યુપી બિહારવાળા જતો રહો તે કેટલાંક અંશે વાજબી છે? થોડા વર્ષો પહેલા મહારાષ્ટ્રના કેટલાંક પાગલોએ ગુજરાતીઓ મુંબઈ છોડી દો તેવી જાહેરાત કરી, પણ પછી તે પાગલોને સમજાયુ કે ગુજરાતીઓ મુંબઈ છોડશે તો આપણે ભુખે મરીશુ.

ગુજરાત બીજા કરતા જુદુ છે, પ્રાંતવાદની વાત તો અસુરક્ષીત લોકો કરે, જેમની અંદરનો શિક્ષણનો અભાવ હોય તે પ્રજા આવી વાત કરે, જેમની પાસે સમૃધ્ધી ઓછી હોય તેઓ આવા ગતકડા કરે, આપણે તો સોમનાથની સાક્ષી પ્રજા છીએ. 17-17 વખત સોમનાથને લુંટવામાં આવ્યુ છતાં આપણે દરીદ્ર થયા નહીં. સુરતને લુંટવામાં આવ્યુ છતાં આજે દેશના સમૃધ્ધ શહેરોમાં સુરત એક છે. જે વાસ્તવીક અને નૈતિક રીતે શક્ય નથી તેના માટે સમય અને મન બગાડવાની જરૂર નથી. યુપી, બિહારના લોકો ગુજરાત છોડી દો તેવી માગણી કરનારમાં ત્રેવડ હોવી જોઈએ કે અમે મોરબીના સીરામીક ઉદ્યોગમાં મજુરી કરવા જઈશુ, અમે ઉત્તર ગુજરાતની ફેક્ટરીની પાંચસો ડિગ્રી ગરમીની ભઠ્ઠીમાં કામ કરવા જઈશુ, અમે અમદાવાદના ચોખા બજારમાં એક હજાર કિલો અનાજ લાદેલી હાથ લારીઓ ખેંચીશુ.

એક ગુનેગારને કારણે આખા બિહાર અને ઉત્તર પ્રદેશને ભાંડી શકાય નહીં. માત્ર ગુજરાતમાં જ નહીં દેશમાં પણ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ આવે છે તેમા મોટા ભાગના  બિહારનાં છે. બિહાર માત્ર મજુરો જ પેદા કરતુ નથી, ઉત્તર પ્રદેશ માત્ર ગુનેગાર જ આપતુ નથી પણ દેશને શિક્ષણવિદ્દો સહિત જયપ્રકાશ નારાયણ પણ આપ્યા છે, ઉત્તર પ્રદેશે ઝાંસીની રાણી સહિત જવાહરલાલ નહેરૂ અને અમિતાભ બચ્ચન પણ આપ્યા છે. હું ગુજરાતી તમે બિનગુજરાતી આવી સડી ગયેલી માનસિકતાની કડવાશ મનમાંથી કાઢવી જ પડશે. પ્રાંત અને ધર્મના બીજાને અલગ કરતા શિક્ષિત પછાતો અને ગરીબોની પણ આપણે ત્યાં કમી નથી તે પણ એક વાસ્તવિકતા છે.