મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: દેશની આઝાદી બાદ તરત દલિતો દ્વારા તેમને જમીનનો હક મળવો જોઈએ તે માટે આંદોલન શરૂ કર્યુ હતું. આમ છતાં તેનું કોઈ અસરકારક પરિણામ આજ સુધી આવ્યુ નથી. 1958માં નાગપુરમાં રિપબ્લિકન પાર્ટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશભરમાં વિધાનસભા સામે દલિતોના જમીન અધિકારના મુદ્દે દેખાવ કરવામાં આવે. 1960માં ગુજરાતની સ્થાપના પછી પહેલી વિધાનસભા મળી ત્યારે તા 18 ઓગષ્ટ 1960ના રોજ અમદાવાદમાં ગુજરાત વિધાનસભા સામે દલિતો દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે જ્યા હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે તે બિલ્ડિંગમાં પહેલા ગુજરાત વિધાનસભા મળતી હતી.

પાટણમાં દલિત કાર્યકર ભાનુભાઈ વણકરે  બે દલિત પરિવારની જમીન જે તેમને ચાકરી સ્વરૂપમાં મળી હતી, તે સરકારે ખાલસા કરી હતી. આ બે પરિવારના અધિકાર મળે તે માટે ભાનુભાઈ લાંબા સમયથી લડતા હતા. પરંતુ મહેસુલ વિભાગમાં પડી રહેલી ફાઈલ આગળ વધતી જ ન્હોતી. આખરે ભાનુભાઈ દલિતોને થઈ રહેલા અન્યાય સામે સરકારનું ધ્યાન દોરવા માટે આત્મવિલોપન કર્યુ હતું, જેમા સારવાર દરમિયાન તેમનું મોત નિપજયુ હતું. આજે સોમવારના રોજ 14મી વિધાનસભાના પહેલા દિવસે પણ કોંગ્રેસ દ્વારા દલિતોને ન્યાય આપો તેવા મુદ્દે સુત્રોચ્ચાર પણ કર્યા હતા, પણ 1960થી શરૂ થયેલા દલિતો પોતાની વ્યથા કહી રહ્યા છે, પણ રાજકારણીઓના બહેરા કાને તેની અસર થતી નથી.

જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હોય ત્યારે દલિતોનો ઝંડો ભાજપ પકડે અને ભાજપ સત્તા ઉપર હોય ત્યારે દલિતોનો ઝંડો કોંગ્રેસના હાથમાં હોય છે. આમ ઝંડોને પકડનાર હાથ બદલાતા રહે છે પણ જમીની વાસ્તવિકતા એવી છે કે જમીન વિહોણા દલિતોના નામ માત્ર સરકારી કાગળો ઉપર રહી જાય છે.