મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: અમદાવાદનો સરદાનગર વિસ્તાર દારૂ-જુગાર માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં પોલીસ ધારે તો પણ દારૂ અને જુગાર સંપુર્ણ રીતે બંધ કરાવી શકે તેવી સ્થિતિ નથી. આ વિસ્તારમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ રોકવાનો પ્રયાસ કરનાર પોલીસ અધિકારીઓ ઉપર હુમલા પણ થાય છે. તાજેતરમાં ડીજીપી હસ્તકના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સરદાનગર વિસ્તારમાં એક સપ્તાહમાં જુગારની બે રેડ કરવામાં આવી હતી. આ રેડના પગલે આ આ વિસ્તારનો હવાલો સંભાળતા ડીસીપી નિરજ બડગુજરે સરદારનગરના સર્વેલન્સ સ્ક્વોડના સબઈન્સપેક્ટર સહિત બે પીએસઆઈને ફરજ મોકુફી ઉપર ઉતારી ખાતાકીય તપાસ સોંપી છે.

ચાર મહિના પહેલા સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ ઓપરેશન કરી રહેલી પોલીસ ઉપર હુમલો થતાં આસપાસના પોલીસ મથકોને પણ સરદારનગર વિસ્તારમાં મોકલી આપ્યા હતા. જ્યા પોલીસે વધુ પડતા બળનો પ્રયોગ કર્યો છે તેવી ફરિયાદ કોર્ટમાં નોંધાઈ છે. આ પ્રકરણ હજી શાંત પડ્યુ નથી ત્યારે ડીજીપી મોનીટરીંગ સેલ દ્વારા એક સપ્તાહમાં બે જુગારની રેડ કરવામાં આવી હતી. જેમાં એક રેડમાં રૂપિયા 50 હજાર અને બીજી રેડમાં 17 હજારનો મુદ્દામાલ પકડાયો હતો. આમ સ્થાનિક પોલીસની જાણ બહાર બંન્ને દરોડા પડ્યા હતા.

આ મામલાને ગંભીર ગણી ડીસીપી નિરજ બડગુજરે સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ. એમ. ઠાકોર અને કુબેરનગર ચોકીના પીએસઆઈ વી. જી. પટેલને ફરજમાં બેદરકારી દાખવવાના આરોપસર ફરજ મોકુફી ઉપર ઉતારી  દીધા છે. ખાતાકીય તપાસમાં આ બંને પોલીસ સબઈન્સપેક્ટર્સ તેમના વિસ્તારમાં ચાલતી આ પ્રવૃત્તી અંગે વાકેફ હતા કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.