પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભાજપમાં તમે કેટલા જુના અને વફાદાર કાર્યકર છો તેની કોઈ કિંમત નથી, પરંતુ તમે કેટલા ચાપલુસ અને કોના જુથમાં છો તેની વધારે કિંમત થાય છે. ભાજપમાં કોઈને કોઈ પદ લાયકાતના  આધારે મળતુ નથી, પરંતુ ગોડ ફાધરની મહેરબાની આધારે પદ મળે છે. જેના કારણે ગોડ ફાધરના દરબારમાં રોજ સલામ દુઆ કરવી પડે છે અને લધુશંકા માટે પણ તેમની મંજુરી જરૂરી હોય તેવી સ્થિતિ છે. આ સ્થિતિમાં સતત અનફીટ સાબીત થઈ રહેલા ગુજરાત ડેપ્યૂટી ચીફ મિનીસ્ટર નીતિન પટેલનું હાલતા-ચાલતા ભાજપના ખાનગી અને જાહેર સમારંભમાં અપમાન થઈ રહ્યું હોવા છતાં ભાગીને પ્રેમ  લગ્ન કરનાર યુવતીને સાસરિયામાં ત્રાસ હોય તો પણ તે પોતાના પિયરમાં પોતે ખુશ છે તેવું કહ્યા કરે તેવી જ સ્થિતિ નીતિન પટેલની છે.

સામાન્ય સંઘના કાર્યકરથી પોતાની કેરીયર શરૂ કરનાર નીતિન પટેલ કોડા ફાડ પટેલ નેતા છે. જે મનમાં હોય તે જ હોઠ ઉપર આવી જાય છે, જેના કારણે ચાપલુસોની ફોજમાં તેમને સ્થાન મળતુ નથી. 2017ની ચૂંટણીન પરિણામ પછી તેમને માઠુ લાગ્યું અને તેમણે અમિત શાહને પોતાને માઠા લાગવાનના કારણો આપ્યો, બસ આ ભુલ થઈ, 2017ની ચૂંટણીમાં ધાર્યું પરિણામ આવ્યુ નહીં તેના કારણે ભાજપ નીતિન પટેલની વાત માની તેમને ગમતા ખાતા તો આપ્યા, પણ ભાજપની નેતાગીરી સાથે આંખ મિલાવી વાત કરવાની ગુસ્તાખી નીતિન પટેલે કરી તેનો ડંખ નેતાગીરી ભુલી નહીં, નીતિન પટેલ ડેપ્યુટી સીએમ હોવા છતાં ભાજપની નેતાગીરી દ્વારા તેમની અવગણના કરવામાં આવી રહી છે તેવું પ્રસ્થાપિત કરવાનો સતત પ્રયાસ થતો રહ્યો છે. જે જાહેરમાં પણ જોવા મળ્યો છે.

નીતિન પટેલને હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદી પસંદ કરતા નથી તેવું દર્શાવવા માટે જ્યારે પણ શાહ અને મોદીનો ગુજરાત પ્રવાસ હોય ત્યારે ઈરાદાપુર્વક તેમને શાહ અને મોદીના કાર્યક્રમથી દુર રાખવાનો પ્રયાસ કરવામાં આવે. અમદાવાદમાં  આધુનિક હોસ્પિટલનું ઉદ્દઘાટન વડાપ્રધાન કરવાના હોય અને તેના આમંત્રણ પત્રિકામાં ટપોરી જેવા નેતાઓના નામ હોય પણ રાજ્યના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જ નામની બાદબાકી કરી દેવામાં આવે, ખુદ નીતિન પટેલ પણ આખી સ્થિતિને સારી રીતે સમજી રહ્યા છે. પણ કદાચ તેમને પણ હવે અપમાન સહન કરવાનું કોઠે પડી ગયું છે.

તેમણે કહ્યું મારૂ નામ રાખવુ કે નહીં તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્ણય કરવાનો છે. પણ નીતિન પટેલ પણ જાણે છે કે ભારતીય સેવાના અધિકારી અને અમદાવાદ કમિશનર વિજય નહેરાની હિંમત નથી કે નાયબ મુખ્યમંત્રીનું નામ પડતુ મુકે, પરંતુ નહેરાજીને ભાજપના આકાઓ તરફથી આદેશ હોય તો તે આ હિંમત કરી શકે.

થોડા મહિના પહેલા ભાજપમાં સળવળાટ શરૂ થયો અને ભાજપનું એક જુથ વિજય રૂપાણી સામે સક્રિય થયું છે તેવી ખબર પડતા, નીતિન પટેલ આ જુથના નેતા થઈ જશે તેવો ડર લાગતા થોડા સમય માટે નીતિન પટેલના રીસામણા દુર કરવાનો પ્રયત્ન થયો, પણ બધુ બરાબર છે તેવી ખબર પડતા ફરી નીતિન પટેલેને હેસીયત બતાડી દેવાની શરૂઆત થઈ છે. સામાન્ય કાર્યકરને પણ ખબર પડે કે નીતિન પટેલને ભાજપની નેતાગીરી પસંદ કરતી નથી, છતાં પરણિતા પોતાના સાસરિયાનું ખરાબ લાગે છે નહીં તે માટે સાસરીમાં બધુ બરાબર છે તેવું કહ્યા કરે તેવું જ નીતિન પટેલ પણ અપમાન સહન કર્યા પછી અપમાનની ઘટનાઓ  મીડિયાના મગજની ઉપજ હોવાનું કહી રહ્યા છે. નીતિન પટેલને અપમાન સહન કરવામાં વાંધો ના હોય તો મીડિયાને પણ કઈ વાંધો નથી.

ભાજપ દ્વારા નીતિન પટેલનું સતત અપમાન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે આ ઘટનાથી થાકી ખુદ નીતિન પટેલ મંત્રીમંડળમાંથી રાજીનામુ આપે તેવું ભાજપની નેતાગીરી ઈચ્છી રહી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ હાલમાં તો નીતિન પટેલ પિયરમાં તો નહીં જઉ, મારી અર્થી તો સાસરીમાંથી જ ઉઠશે તેવું કહેતી પરણિતા જેવા શબ્દો કહે છે.