પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ ગુજરાત ભાજપના નેતાઓ રીતસર ધ્રુજી ગયા છે. તુંડમીજાજી અને અંહકારી નેતાઓને હવે પ્રજાના ઠંડા ગુસ્સાનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતના હાલમાં જેટલા મંત્રીઓ અને પદાધિકારીઓને લોકોની વચ્ચે જતા હવે આંખો અંધારા આવી રહ્યા છે. હવે  તેઓ માની રહ્યા છે કે આ સ્થિતિમાં તેમને કોઈ ઉગારી શકે તેમ છે તો તે આનંદીબહેન પટેલ જ છે.

નરેન્દ્ર મોદીની ગુજરાત વિદાય બાદ મુખ્યમંત્રીની ખુરશી તેમને સોંપવામાં આવી હતી પણ આનંદીબહેનના શાસનમાં ગરબડો થતી રહે અને આનંદીબહેન અપમાનીત થાય તેવી એક પણ તક અમિત શાહ અને તેમના મળતીયા મંત્રીઓ અને પદાધિકારીઓએ છોડી ન્હોતી. સત્તાનો અમરપટ્ટો લઈ આવ્યા છે તેવી માન્યતા સાથે જીવતા નેતાઓને હવે કેટલા વીસે સો થાય તેનું જ્ઞાન થઈ ગયું છે. તેના કારણે અમિત શાહ જેવા અંહકારી નેતાને પણ આનંદીબહેન પટેલને મળવા તેમના બંગલે જઈ તેમની તમામ શરતો માની વિધાનસભાની ચૂંટણી જીતાડવા માટેની જવાબદારી સ્વીકારવાની વિનંતી કરવી પડી છે.

આનંદીબહેન પટેલને ખસેડી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા પછી સરકાર હોવાનો અહેસાસ અપાવવામાં ખુદ રૂપાણી સરેઆમ નિષ્ફળ ગયા છે, હવે તેવુ રૂપાણીના સમર્થકો પણ માને છે. વિજય રૂપાણીની તંત્ર ઉપરની ઢીલી પકડને કારણે અધિકારીઓ હવે ભાજપના મંત્રીઓ અને પદાધિકારીઓનું સાંભળતા નથી પણ ચૂંટણી સામે હોવાને કારણે હવે બહુ મોડુ થઈ ગયું છે. વિજય રૂપાણી અને નીતિન પટેલની સભામાં પણ કાગડા ઉડે છે, તેમને સાંભળવામાં ભાજપના કાર્યકરોને પણ રસ રહ્યો નથી. હવે કઈ રીતે આનંદીબહેનનો ઉપયોગ બગડેલી બાજી સુધારવામાં કરી શકાય તેના પ્રયત્નમાં ભાજપ કામે લાગી ગયું છે. ભાજપ પાસે આનંદીબહેન પટેલ એક માત્ર મજબુત દેખાતો સહારો છે, બહેન હવે ભાજપ માટે મજબુરી બની ગયા છે.