મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત છેલ્લા ૧૨  દિવસમાં ૬૧,૩૬,૪૧૦ બાળકોને અપાયેલી રસીમાં તેની આડઅસર થઇ નહીં હોવાનું કેન્દ્રની આરોગ્ય ટીમે જણાવ્યું છે. રાજ્યમાં આ રસીકરણના એકથી ચાર દિવસમાં ૨ બાળકી સહીત ૪ બાળકોના થયેલા મૃત્યુમાં આ રસીની આડઅસરના કોઈ જ લક્ષણો દેખાયા નથી. જ્યારે આ રસીની આડઅસર માત્ર અડધા કલાકમાં જ થતી હોવા સાથે વેક્સીન અને સિરીંજ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.

રાજ્યના આરોગ્ય કમિશનરનો ચાર્જ સાંભળી રહેલા અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમાર તેમજ આરોગ્ય વિભાગ સહીત ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનના અધિકારીઓ ધ્વારા જણાવ્યું હતું કે, એમઆર રસી મુકેલા બાળકોને કોઈપણ પ્રકારની ગંભીર આડઅસર થઇ નથી. જ્યારે આ રસીકરણ પછી ઈડરના ખોડમ ગામમાં ૧૪ વર્ષીય સ્નેહા રાઠોડનું ૩૦ કલાક, ભિલોડાના ઇન્દ્રપુરામાં ૭ વર્ષીય મુકેશ ગામીતીનું ૬૬ કલાક, કચ્છના ખીરસરમાં ૧૩ વરસની ડીમ્પલ મહેશ્વરીનું ૧૧૫ કલાક અને ધોળકાના જલોડા ગામના ૧૨ વર્ષીય સુનીલ ઠાકોરનું ૯૪ કલાક બાદ મૃત્યુ થયું હતું. તેમાં બે કેસમાં પોસ્ટમોર્ટમ કરવાની તેમના પરિવારજનોએ ના પડી હતી. જ્યારે બે કેસમાં થયેલા પીએમનો રિપોર્ટ આવવાનો બાકી છે.

ગુજરાતમાં આ સમગ્ર કાર્યક્રમના સુપરવિઝન માટે વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનિસેફ તેમજ કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ટીમે આ ચાર સ્થળોએ મુલાકાત લીધી છે. જેમાં રસીકરણ અંગે ઊભી થતી ગેરસમજ દુર કરવા અન્ય રાજ્યોમાંથી પણ ૭ જેટલા નિષ્ણાતો નિયુકત કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં આ રસીકરણથી ૩૪૩ બાળકોને તાવ જેવી અસર થવા સાથે અન્ય રાજ્યોમાં અન્ય કારણોસર ૧૪ બાળકોના મોત થયા છે. આ ટીમે જણાવ્યું હતું કે, આ રસીની આડઅસર માત્ર અડધા કલાકમાં જ થતી હોવાથી દરેક બાળકને ૪૫ મિનીટ ઓબ્ઝરવેશનમાં રાખવામાં આવે છે. જ્યારે આ વેક્સીનનું મિશ્રણની લાઈફ માત્ર ૬ કલાક જ હોવાથી તુરંત ઉપયોગ કરવામાં આવે છે.