પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભાજપના પુર્વ ધારાસભ્ય અને પુર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની હત્યા કોણે અને શું કામ કરી તેની તપાસ તો પોલીસે શરૂ કરી છે, જો કે આ હત્યા પાછળ ભાજપના જ નેતા છબીલ પટેલ હોવાનો આરોપ ભાનુશાળીના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ છબીલ પટેલ સિવાય પણ આ હત્યા પાછળ કોને ફાયદો થાય તેમ હતો અથવા ભાનુશાળી કોને નડી રહ્યા હતા તે બાબત પણ મહત્વની છે.

(1) ભાજપના નેતા છબીલ પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ જયંતિ ભાનુશાળીના રાજકીય હરિફ હતા, પરંતુ છબીલ પટેલ ભાજપમાં આવ્યા બાદ ભાનુશાળીની ટીકીટ કાપી છબીલ પટેલને ટીકીટ આપવામાં આવી હતી. આમ હરિફ એક જ રાતમાં દુશ્મન થઈ ગયા હતા. છબીલ અને ભાનુશાળી એકબીજાને રાજકીય રીતે પુરા કરવા માટે તત્પર હતા. આ દરમિયાન જયંતિ ભાનુશાળી સામે કથીત દુષ્કર્મની ફરિયાદ થઈ હતી, ભાનુશાળી માનતા હતા કે આ ફરિયાદ છબીલ પટેલના ઈશારે થઈ છે. જો કે બાદમાં છબીલ અને ભાનુશાળી વચ્ચે સમાધાન થયુ હતું અને હાઈકોર્ટમાં દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાઈ હતી.

જો કે પહેલી નજરે દેખાતુ સમાધાન ભાનુશાળીને મંજુર ન્હોતું. આ સમાધાન બાદ દિલ્હી પોલીસમાં છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. છબીલ પટેલ માની રહ્યા હતા આ ફરિયાદ પાછળ ભાનુશાળી છે. આ ઘટના પછી છબીલ ખાસ્સા નારાજ હતા અને તેઓ જાહેરમાં કહેતા હતા કે પોતાને બદનામ કરનાર ભાનુશાળીને તેઓ ખતમ કરશે, આમ ભાનુશાળીનો પરિવાર આ હત્યા અંગે છબીલ તરફ શંકા વ્યકત કરે છે તેના ચોક્કસ કારણો પણ છે.

(2) અમદાવાદના નરોડા વિસ્તારમાં ખાલી બારદાનનો ધંધો કરતા અત્યંત સામાન્ય વેપારીમાંથી અબડાસાની ટીકીટ પણ મળ્યા પછી જયંતિ ભાનુશાળી કરોડોના આસામી બની ગયા હતા. કચ્છના વિવિધ વિસ્તારમાં તેમની વાડીઓ હતી. જ્યાં ભાજપના અનેક રાષ્ટ્રીય અને રાજ્યના અનેક નેતાઓ તેમના મહેમાન બન્યા હતા. જયંતિ ભાનુશાળીની મહેમાનગતી માણી ચુકેલા ભાજપના નેતાઓ અને ઉધ્યોગપતિઓના રાઝ જયંતિ ભાનુશાળી પાસે હતા. ભાનુશાળી ખાસ  મહેમાનો માટે મીઠી ખારેક ખાવા આવો તેવા શબ્દનો પ્રયોગ કરતા હતા. આ મીઠી ખારેક ખાનાર મહેમાનના રાઝ ખોલી નાખવાની ધમકી પણ ભાનુશાળી આપી રહ્યા હતા તેવી પણ એક ચર્ચા છે. આમ પોલીસ માટે તપાસનો વિષય છે કે મીઠી ખારેક કોણ છે અને કયા નેતાઓ અને વેપારીઓ મીઠી ખારેક ખાઈ ગયા હતા કે જેમને જાહેર કરવાની ભાનુશાળી ધમકી આપી રહ્યા હતા. આમ ભાનુશાળીના મહેમાન થયેલી જ વ્યકિતએ હત્યા કરી હોવાનો અંદાજ છે.

(3) જયંતિ ભાનુશાળી ઘણા લાંબા સમયથી કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાને મુખ્યમંત્રી બનાવવા માટે દોડા દોડી કરી રહ્યા હોવાની જાણકારી પણ મળી રહી છે. ભાનુશાળીનો દાવો હતો કે તેમની પાસે વીસ કરતા વધુ ધારાસભ્યો છે, જે વિજય રૂપાણીને ખસેડી રૂપાલાને બેસાડવાની માગણી કરી રહ્યા હતા. તેમના નજીકના સુત્રોનો દાવો છે કે ભાનુશાળી બહુ જલદી નવા જુની કરવાના મુડમાં હતા. કદાચ તેઓ વિજય રૂપાણીની સરકાર પાડી નાખે તેવી પણ શક્યતા હતી, આ એક કારણ પણ છે કે ભાનુશાળીની હત્યા થઈ હોય, પરંતુ જો આ જ કારણ હશે તો ગુજરાત પોલીસ ક્યારેય હત્યાના મુળ કારણ સુધી પહોંચી શકશે નહીં. કારણ આ કારણથી જો ભાનુશાળીની હત્યા થઈ હશે તો તેનો દોરી સંચાર કોઈ બહુ મોટી વ્યકિતનો હશે.

(4) છબીલ પટેલ ખુબ નારાજ હતા અને તેઓ કોઈ પણ રીતે ભાનુશાળીનો ખતમ કરવા માગે છે તેવુ અનેક વખત બોલી ચુકયા છે. આ સંજોગોમાં  કોઈ છબીલને ઉંટ બનાવી પોતાનું કામ તેમની પાસે કરાવી ગયું હોવાની પણ શંકા છે, અથવા છબીલ અને ભાનુશાળીની દુશ્મની જાણિતી છે, જેમાં કોઈ ત્રાહીતે પોતાનો હિસાબ પુરો કર્યો અને ગણતરી સાથે કે આખી ઘટના માટે છબીલ જ જવાબદાર ઠરશે તેવું પણ હોઈ શકે છે. જોકે આ ઉપરાંતના પણ અન્ય કારણ હોઈ શકે છે, પરંતુ પહેલી નજરે સપાટી ઉપરના આ કારણો જોવાઈ રહ્યા છે.