પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હમણા મુંબઈમાં માતોશ્રી ઉપર શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને મળવા ગયા હતા. શિવસેના અને ભાજપના  સંબંધો જગ જાહેર છે છતાં અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને મળતા પહેલા જ જાહેર કર્યું કે, તેઓ શિવસેના સાથે જ 2019ની ચૂંટણી લડશે. માતોશ્રીમાં જતા પહેલા અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસની બોડી  લેંગ્વેજ કંઈક જુદુ જ કહેતી હતી. શાહ અને ફડણવીસ મજબૂરીમાં ઉદ્ધવને મળવા આવ્યા હોય તે જોઈ શકાતું હતું.

રાજકારણમાં રાજકીય મજબૂરી પણ હોય છે, અમિત શાહ ચૂંટણીને કારણે ઉદ્ધવને મળે તેમાં ખોટું કઈ નથી, પરંતુ અમિત શાહને નજીકથી ઓળખનારાઓને ખબર છે કે અમિત શાહનો કોઈ દુશ્મન હોય તો તે પોતે જ છે. અમિત શાહને જો કોઈની જરૂર છે, તો તેઓ તેમને મળવા પણ જશે અને ત્યારે તેમના વ્યવહારમાં નમ્રતા પણ રહેશે, પણ તેમનો સ્વાર્થ પૂરો થઈ ગયા પછી તે પોતાનું મોઢું ફેરવી નાખે ત્યાં સુધી પણ વાંધો નથી, પણ ત્યાર બાદ તેમના વ્યવહારમાં તોછડાપણું પણ આવી જાય છે.

અમિત શાહના રાજકીય વિકાસને ભાજપના સિનિયરોએ જોયો છે. તેઓ પણ જાણે છે કે અમિત શાહ ક્યારેય કોઈના મિત્ર થઈ શકે નહીં, આટલા વર્ષોમાં કોઈ વ્યક્તિ અમિત શાહના મિત્ર હોવાનો દાવો કરી શકતી નથી. જો પોતાનો ટેકેદાર રાજકીય રીતે સક્ષમ થઈ રહ્યો છે તેવો અણસાર આવે તો તે પોતાના નજીકની વ્યક્તિને પણ ફિલ્ડમાં ખતમ કરી નાખે છે. શાહનો ટેકેદાર અમિત શાહનો ઝભો છોડે તેમને તે પસંદ નથી. જે સાથે નથી તે સામે છે તેવું તે માની લે છે. જેના કારણે જે સાથે નથી તેના રાજકીય અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થાય તેવી સ્થિતિ તે નિર્માણ કરે છે.

સરકારી અધિકારીઓમાં જે અમિત શાહને મદદરૂપ થયા હોય તેવા અધિકારીઓને તે આભાર માનવને બદલે તે મદદ કરનારની તે ફરજ હતી તેવું તે માને છે. જો કે દરેક વખતે નવા અધિકારીઓને તે પોતાની સાથે જોડે છે અને જુનાને કદ પ્રમાણે વેતરી નાખે છે. સત્તામાં સતત વીસ વર્ષ કરતા વધુ રહ્યા છે તેના કારણે વ્યવહારમાં અધિકારપણું આવ્યું છે, તે સ્વભાવિક છે, પણ તેમને મન સંબંધોની કોઈ કિંમત નથી તે દરેક વસ્તુ ધંધાના સ્વરૂપમાં જોવે છે અને સામેવાળાની તાકાત અને પોતાની ગરજ પ્રમાણે સોદો કરે છે.

અમિત શાહની જે વ્યૂહ રચનાની ચર્ચા થાય છે તેમ ચોક્કસ તેમની કુનેહ પણ છે, પણ જ્યારે સમય સારો હોય ત્યારે બધા પાસ સીધા પડે છે. શાહે રાજકારણને એક વ્યવસાય તરીકે અપનાવ્યું તે તેમની સફળતાનું મોટું કારણ છે પણ અમિત શાહના વ્યવહારને કારણે તેમને કોઈ દુશ્મનની જરૂર નથી.

આ અહેવાલ અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો