મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: છેલ્લા પંદર દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં બાળક   ઉપાડી જતી ગેંગ  આવી છે તેવા મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા  રહ્યા જેના પરિણામ સ્વરૂપ મંગળવારના રોજ અમદાવાદના વાડજ વિસ્તારમાં એક  મહિલાની હત્યા થઈ ગઈ. છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં ચાલી રહેલી આ અફવા તરફ  ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યુરોના ધ્યાનમાં આવી જ નહીં. અમદાવાદની ઘટના બાદ અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આવી કોઈ  ટોળકી ગુજરાતમાં આવી હોવાની વાત નકારી કાઢી હતી. ગુજરાત પોલીસે ખાતરી આપી હતી એ બાળકો અને સ્ત્રીઓનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસની છે કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન ન કરવો.

પંદર દિવસ અગાઉ  આ  અફવાની શરૂઆત મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરથી થઈ હતી. આવી શંકાના આધારે ઔરંગાબાદમાં ત્રણ મહિલાઓની હત્યા કરી નાખવામાં આવી હતી.  ગુજરાતમાં આ  અફવાની શરૂઆત જામનગરથી થઈ હતી ત્યારબાદ ક્રમશઃ નડિયાદ આણંદ અને સુરતમાં પણ આ પ્રકારના મેસેજ વાયરલ થયા હતા. સુરતમાં બાળકો માટે 300 મહિલાઓની ગેંગ ઉતરી હોવાના મેસેજ ફરતા થયા હતા. સામાન્ય સંજોગોમાં રાજકીય મેસેજ ઉપર નજર રાખતા ગુજરાતના ગુપ્તચરો અને ક્રાઈમ  સાઇબર બ્રાન્ચે આ સંદેશાઓને ગંભીરતાપૂર્વક લીધા નહીં. 

ખોટા  સંદેશાઓને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે તેવો અંદાજ બાંધવામાં ગુપ્તચરો નિષ્ફળ ગયા હતા. આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હોત તો હાલમાં ઉભી થયેલી પરિસ્થિતિ નિવારી શકાઈ હોત.

ખાસ વાત તો સરકારે અને પોલીસ તંત્રએ ધ્યાનમાં લેવા જેવી એ છે કે આખા રાજ્યમાં આવા મેસેજ ફરતા જાય છે છતાં સામેથી કોઈ વ્યક્તિ ફરિયાદ કેમ નથી કરતુ કે મારા મોબાઇલમાં ફલાણા નંબરથી આવા મેસેજ આવી રહ્યા છે. જેની પાછળ હકીકિત એવી છે કે જો કોઈ વ્યક્તિ આ મામલે પોલીસમાં ફરિયાદ કરે તો સૌથી પહેલા તો તે વ્યક્તિને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાના શરુ થાય અને તેને ડર પણ રહે કે આ મામલો સાબિત કરવામાં ક્યાંય તેનો મોબાઇલ પુરાવા તરીકે પોલીસ લઇ તો નહીં લે ને? બીજુ કે જ્યારે કોર્ટમાં આ કેસ જાય ત્યારે પણ ફરિયાદીએ સાક્ષી તરીકે જુબાની આપવાના ધક્કા શરુ થઇ જશે તેવા ડરે કોઈ ફરિયાદી બનવા તૈયાર થતુ નથી અને સ્થિતિ એટલી હદે વણસી જાય છે કે નિર્દોષ અને ગરીબ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.

સરકાર અને પોલીસ તંત્રએ આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયદામાં અને નિયમોમાં પણ ફેરફાર કરવા જોઈએ. જેમ કે રોડ અકસ્માતની ઘટનામાં 108 એમ્બુલન્સને જાણ કરી બોલાવનાર કે અકસ્માતગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનારને સાક્ષી બનાવી હેરાન-પરેશાન કરવામાં આવતો નથી તેવી જ રીતે સોશિયલ મીડિયામાં પણ જો કોઈ ફેક મેસેજ ફેરવી રહ્યું હોય તો જો કોઈ વ્યક્તિ પોલીસને આ અંગે માહિતી આપે તો તેનું નામ ગુપ્ત રાખી તેને ફરિયાદી બનાવ્યા સિવાય સીધી પોલીસ જ આ કેસમાં ફરિયાદી બની જાય અને આવા ફેક મેસેજ મોકલનારને ઝડપી લે તો કાયદો અને વ્યવસ્થાની આવી સ્થિતિ કથળી ન જાય અને લોકો પણ કાયદાનું પાલન કરે, નહીં કે કાયદાનું પાલન કરવા જતા ડરે.