રોહન રાંકજા (મેરાન્યૂઝ, મોરબી): ઓસ્ટ્રેલિયાના એક નાનકડા ટાઉનમાં રહેતા માત્ર બે ગુજરાતી પરિવારોએ નવરાત્રીનું આયોજન કર્યું જેમાં ભારતીયો કરતા ઓસ્ટ્રીલયનોએ વધુ સંખ્યામાં ભાગ લઇ આનંદથી ગરબા રમી માતાજીની આરાધના કરી હતી.

ઓસ્ટ્રેલિયાના સાઉથ ઓસ્ટ્રેલીયા સ્ટેટમાં પોર્ટ લીન્કન નામનું ટાઉન છે એડીલેડથી ૭૦૦ કિલોમીટર દુર આવેલા આ ગામમાં ૧૫ હજાર જેટલી વસ્તી છે. જેમાં માત્ર બે જ ગુજરાતી પરિવારો રહે છે અમદાવાદના ગ્રીષ્માબેન જીગ્નેશભાઈ પટેલ તથા વડોદરાના શીતલબા દિલીપસિંહ રાણા. આ બંને પરિવારો ત્યાં પોતાનો નાનકડો વ્યવસાય ચલાવે છે. પટેલ પરિવાર ત્રણ વર્ષ પહેલા જ ત્યાં સ્થાયી થયો છે. આ વર્ષે બંને પરિવારોએ નવરાત્રી ઉજવવાનું નક્કી કર્યું આ માટે તેમણે ત્યાં વસતા પંજાબ, હિમાલય, હરિયાણા અને કર્ણાટકના પરિવારોને મળ્યા ભારતના કુલ 12 પરિવારો ત્યાં રહે છે. તમામ લોકોએ આ ગુજરાતીઓને સાથ સહકાર આપવાની ખાતરી આપતા ગરબા માટેના હોલની શોધખોળ શરુ કરવામાં આવી પોર્ટ લીન્કનમાં રીટાયર્ડ સૈનિકો દ્વારા વેલ્ફેર માટે RSL હોલ બનાવવામાં આવ્યો છે. આ હોલ પ્રસંગો માટે ભાડાથી અપાય છે પરંતુ ગુજરાતી પરિવારોએ નવરાત્રીની વાત કરતા RSL ના સંચાલકો પણ મફતમાં હોલ આપવા તૈયાર થઈ ગયા.

ગુજરાતી પરિવારોએ મફતમાં ગરબા રમવા માટે ઓપન ઇન્વીટેશન આપ્યું અને પરિણામે ભારતીયો કરતા બમણી સંખ્યાથી પણ વધુ ઓસ્ટ્રેલીયનો ગરબા રમવા આવવા લાગ્યા. દરરોજ બધા જ ખેલૈયાઓ માટે જમવાનું પણ ફ્રીમાં આપવામાં આવે છે અને દરરોજ ૧૦૦ થી વધુ ઓસ્ટ્રેલીયનો ગુજરાતી ગરબા રમીને માતાજીની આરાધના કરે છે. આ ગરબાના પરિણામે પોર્ટ લીન્કન સિવાયના પણ શહેરોની શાળાઓ કોલેજોમાંથી આ બે ગુજરાતી પરિવારોને કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ માટે આમંત્રણ મળવા લાગ્યા છે.