પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તા 31 જાન્યુઆરી, અમદાવાદના સીજી રોડ ઉપર આવેલી જય દ્વારકાધીશ કાઠીયાવાડી હોટલમાં વહેલી પરોઢના જમવા આવેલા ચાર પોલીસવાળાઓ જમવાનું નહીં મળતા હોટલના ગરીબ નોકરોને જાહેરમાં ધોલાઈ કરી, અને ઉઠક બેઠક કરાવી. આવી જ ઘટના સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં બની પોલીસે રસ્તા ઉપર ધંધો કરતા લારીવાળાઓને સરેઆમ ધોલાઈ કરતા ધાંગ્રધામાં રેલી નિકળી અને ધાંગધ્રાએ પોલીસના અત્યાચારના વિરોધમાં બંધ પાળ્યો. અમદાવાદ મેમનગર વિસ્તારમાં તા 1 ફેબ્રુઆરીના રોજ લુખ્ખાઓ વાહનોના કાચ તોડી રહ્યા હતા ત્યારે ત્યાં પોલીસ પહોંચી તો લુખ્ખાઓએ પોલીસને ભગાડી દીધી આ ત્રણે ઘટનાઓ પહેલા તા 23 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં પદ્માવતનો વિરોધ કરવા રાજપૂતોની રેલી નિકળી જેમાં કેટલાંક લુખ્ખાઓ ભળી ગયા અને પોલીસ હાજરમાં તેમણે દુકાનો ઉપર પથ્થરો ફેંકયા અને વાહનોને આગ લગાડી લીધી હતી.

તો આવું કેમ બને છે, પોલીસ અને લુખ્ખાઓ જો રસ્તા ઉપર ઉતરી પ્રજાને જાહેરમાં ફટકારે અને પ્રજાની માલ મિલ્કતને નુકશાન પહોંચાડે છે, આ તો હજી શરૂઆત છે. જે આવનાર ખરાબ દિવસના એંધાણ આપી રહ્યા છે. આવું ત્યારે જ બને જયારે શાસક નબળો સાબીત થાય, જ્યારે શાસકનો ડર ના હોય ત્યારે કાયમ પોલીસ અને ગુંડાઓ બેફામ બને છે, પોલીસ પાસે સત્તા છે તેના કારણે જ્યારે તેની સત્તા ઉપર કોઈ નિયત્રંણ નથી તેવો પોલીસને અંદાજ પણ આવે ત્યારે પોલીસ પોતાની સત્તાનો રોફ પ્રજા ઉપર જાડે છે. જામનગરના સીક્કા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ લઈ ગયેલી મહિલા ઉપર સબઈન્સપેકટર મોરીએ ગાળોનો વરસાદ વરસાવ્યો, કારણ પીએસઆઈ મોરીની ગાળોનો રણકો કહેતો હતો કે કોઈ મારૂ કશું બગાડી શકે તેમ નથી. ગુંડાઓ તો ઠીક પણ જ્યારે પોલીસ માનવા લાગે કે તેનું કોઈ કશું બગાડી શકે તેમ નથી ત્યારે તે સમાજ માટે જોખમી બની જાય છે.

અમદાવાદના સીજી રોડ ઉપરની હોટલમાં નોકરોને મારનાર પોલીસ કોન્સટેબલો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, આમ છતાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર અસારી કહે છે. રીપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરીશું, જાહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડનાર પોલીસવાળા સામે ઉપરી અધિકારી ઉદારતા કેમ છે? જો આવી જ ઘટના અંગે કોઈ સામાન્ય માણસે કરી હોત અને પોલીસ પાસે પુરતા પુરાવા હોત તો પોલીસ આવી ઉદારતા સામાન્ય માણસ સાથે રાખતી.. પણ આવું એટલા માટે પણ થાય કે જે પોલીસવાળા બેફામ થયા તેમને ખબર છે, તેમના સાહેબ આપણુ કઈ બગાડી શકે તેમ નથી કારણ સાહેબને અનેક મર્યાદાઓના તેઓ સાક્ષી છે.

ગુંડાઓ અને લુખ્ખાઓ એટલા માટે બેફામ થાય છે. કે તેમને શાસક સાથે સારો સંબંધ છે અથવા શાસક તેમને નુકશાન પહોંચાડી શકવાની હેસીયતમાં નથી, જ્યારે ગુંડાઓને શાસકની હેસીયતની ખબર પડી ત્યારે ગુંડાઓ આપણા ઘરમાં આવીને પણ મારી શકે છે, ત્યારે પ્રજા પાસે બે જ વિકલ્પ રહે છે, પ્રજા લાચાર થઈ બેસી રહે અથવા ગુંડાઓને જે ભાષા સમજાય છે તેની ભાષામાં ગુંડા બની જવાબ આપે, પણ શાસકનું કામ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવાનું નથી, કાયદો અને વ્યવસ્થા છે તેવો અહેસાસ પણ પ્રજાને થાય તે જેવાનું કામ તેમનું છે. શાસક પોતે પોલીસના કાફલા વચ્ચે અને બંદુકધારી રક્ષકો વચ્ચે ફરે છે, તેના કારણે તેને લાગે છે કાયદો અને વ્યવસ્થા સારી છે, પણ નોકરી ઉપર જવા નિકળેલો પોતાનો પુત્ર સાંજે સલામત ઘરે પહોંચશે તેવો અહેસાસ એક માતાને હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે તેવું કહી શકાય.

ગુજરાતના પોલીસ વડા તરીકે નિવૃત્ત થયેલા પ્રશાંતચંદ્ર પાંડે જ્યારે અમદાવાદના પોલીસ કમિશનર હતા ત્યારે પત્રકારોએ તેમની પુછયું કે નિવૃત્તી પછી તમારી ઈચ્છા શું છે, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે મારા દરવાજા કોઈ દિવસ પોલીસવાળો આવે નહીં અને મને રસ્તામાં કયાંય પોલીસ દેખાય નહીં તેવું ઈચ્છુ છું, પાંડેજીના કહેવાનો અર્થ હતો કે રસ્તામાં તમને પોલીસ નજરે પડે નહીં છતાં સલામતીનો અહેસાસ થાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ, પણ આજે રસ્તે પસાર થતાં સામાન્ય માણસને ગુંડાનો તો ડર લાગે છે, પણ રસ્તામાં પોલીસનું વાહન નજરે પડે તો પણ રસ્તો બદલી નાખે છે. જો કે તમામ પોલીસના જવાનો અને અધિકારીઓ આવા નથી છતાં થોડાક બેફામ પોલીસવાળાને કારણે  પ્રજાનો ખાખી ઉપરનો ભરોસો તુટી જાય છે., જેની ચિંતા પણ ખુદ પોલીસે જ કરવી પડશે, નહીંતર આ બેફામ પોલીસ કયારેક તેમના પુત્ર-પુત્રી અને ભાઈ-ભાંડુને નિશાન બનાવશે.