પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતની દારૂબંધી કેવી છે તે ગુજરાતમાં રહેતા અને ગુજરાતના બહારના લોકોને સારી રીતે ખબર છે, પણ ક્યારેક તંત્રને  એકદમ દારૂબંધીનું ભુત દેખાય અને પોલીસ દારૂ બંધ કરાવવા નીકળી પડે છે. ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે પોલીસ શું કામ દારૂના અડ્ડાઓ અને પીઠાઓ બંધ કરાવે છે તેવો પ્રશ્ન પુછવો પણ વાજબી નથી. અમદાવાદ શહેરમાં તેવા ઘણા પોઈન્ટ છે જ્યાં ખુલ્લે આમ દારૂ વેચાય છે, તે પૈકીઓનું સરદારનગરનું છારાનગર છે, જ્યાં અનેક ઘરોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પણ છે. અમદાવાદ પોલીસ છેલ્લાં ઘણા દિવસથી અમદાવાદના છારાનગરમાં દારૂની ભઠ્ઠીઓ અને વિદેશી દારૂ બંધ કરાવવા માટે કોમ્બીંગ કરી રહી છે. એક અઠવાડિયા પહેલા આ પ્રકારના જ એક કોમ્બીંગ ઓપરેશનમાં પોલીસ સબઈન્સપેકટર ડી કે મોરી અને તેમના સ્ટાફ ઉપર હુમલો થયો.

પોલીસ ઉપર હુમલો થયો છે તેવી માહિતી મળતા અડધા અમદાવાદની પોલીસ છારાનગરમાં ઉમટી પડી, પછી તો પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરો અને સામે જે મળ્યા તે બધાની ધોલાઈ કરવાની શરૂઆત કરી. જેમાં અનેક નિર્દોષો પણ દંડાયા તેમણે પોલીસનો માર પણ ખાધો અને પોલીસે તેમને આરોપી બનાવી જેલમાં પણ મોકલી આપ્યા હતા. આ ઘટના પછી સ્વભાવીક રીતે છારાનગરમાં રહેતા નિર્દોષ પરિવારો જેમને આખી ઘટના અને દારૂના વેપાર સાથે નીસ્બત ન્હોતો છતાં દંડાયા તેમનો ગુસ્સો અને તેમની નારાજગી વાજબી હતી.

આ ઘટનાનો અનેક બુધ્ધીજીવીઓએ પણ વિરોધ કર્યો અને પોલીસ અત્યાચારની તપાસ કરવાની માગણી કરી. છારાનગરમાં લોકોએ કાયદો અને વ્યવસ્થાનું અવસાન થયું છે તેવા બેનરો મારી બેસાણું પણ આયોજન કર્યું, એક મૌન રેલી પણ પણ નીકળી હતી.

આ ઘટના પછી મારા એક મિત્રનો ફોન આવ્યો, તે છારાનગરની ઘટનાથી દુઃખી હતા, તેમણે મને કહ્યું પોલીસ ક્યારેક દલિતોને, કયારેક મુસ્લિમોને અને ક્યારેક છારાને નિશાન બનાવે છે, પોલીસ ક્યારેય બ્રાહ્ણણ, પટેલ અને વાણિક સાથે આ પ્રકારનો વ્યવહાર કરતી નથી. મેં તેમને અધવચ્ચેથી અટકાવતા કહ્યું કે પોલીસે જે પ્રકારે બળ પ્રયોગ કર્યો છે અને નિર્દોષને માર્યા છે તે દંડને પાત્ર છે, પરંતુ પોલીસ માત્ર ચોક્કસ જ્ઞાતિને નિશાન બનાવે છે, તે વાત સાચી નથી. આપણી કસનસીબી છે કે પોલીસ ટ્રેનીંગ સ્કુલમાં તેમને તાલીમ આપવામાં આવતી નથી કે જ્યારે તમારી ઉપર કોઈ નાગરિક હુમલો કરે ત્યારે માનસીક સંતુલન ગુમાવ્યા વગર પોલીસે કાયદાની મર્યાદામાં રહી કેવી રીતે સ્થિતિ ઉપર કાબુ મેળવવો જોઈએ.

મેં મને ફોન કરનાર મિત્રોને કેટલીક જુની ઘટનાઓ યાદ કરાવી, 1985માં પોલીસ અમદાવાદના કોટ વિસ્તારમાં રહેલા મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગના બ્રાહ્મણ, પટેલ અને વણિકોના ઘરમાં જઈ તેમની ધોલાઈ કરતી હતી. ઘર બહાર પાર્ક કરેલા વાહનો તોડી નાખતી હતી. પોલીસના આ વ્યવહાર પાછળનું કારણ હતું કે ટોળાએ અનેક સ્થળે પોલીસ ઉપર હુમલા કર્યા હતા અને જેમાં પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. આવુ જ 2015માં પાટીદાર આંદોલન વખતે પણ થયું હતું, અનામતની માગણી કરી રસ્તા ઉપર ઉતરી આવેલા પટેલોએ જ્યારે સરકારી મિલ્કત અને પોલીસને નિશાન બનાવી ત્યારે પોલીસે પટેલોને ઘરમાં જઈ આ પ્રકારે જ માર્યા હતા. એટલે પોલીસ ઉપર હુમલો થાય ત્યારે પોલીસ સામે કઈ કોમ છે તે જોયા વગર બર્બતાપુર્વક મારે છે.

 

એક સિનિયર આઈપીએસ અધિકારીએ કબુલ્યું કે, પોલીસ ટ્રેનીંગ  દરમિયાન તાલીમમાં રહેલી ખામીનું આ પરિણામ છે. પોલીસ ઉપર હુમલો થાય ત્યારે સ્થળ ઉપર પહોંચેલા સિનિયર અધિકારીઓ કાયદો હાથમાં લઈ રહેલા પોલીસ અધિકારી કર્મચારીઓને રોકવાની જરૂર હતી પરંતુ છારાનગરમાં આઈપીએસ અધિકારી સહિત તમામ પોલીસ અધિકારીઓ નાના પોલીસ કર્મચારીઓના ગુસ્સોનો હિસ્સો બની ગયા અને કોન્સટેબલથી લઈ આઈપીએસ અધિકારીઓ બદલાની ભાવનાથી લોકોને માર્યા હતા.

જ્યારે પણ ગુજરાતમાં પોલીસ ઉપર હુમલાઓ થયા  અને પોલીસે કાયદો તોડયો છે ત્યારે ભોગ બનનાર લોકો સહિત સમગ્ર સમાજે તેનો વિરોધ કર્યો છે અને પોલીસની ટીકા કરી છે પરંતુ ગુજરાતમાં પોલીસની ટીકા કરનારના ધોરણો કાશ્મીરની વાત આવે ત્યારે બદલાઈ જાય છે. ગુજરાતમાં પોલીસ અત્યાચારની વાત કરનાર જ્યારે કાશ્મીરના મુદ્દે વાત કરે છે ત્યારે શ્રીનગરમાં પોલીસ ઉપર પથ્થર ફેંકનારને ગોળી મારી દેવી જોઈએ તેવી દલિલ કરતા હોય છે. કાશ્મીરના પ્રશ્નની યોગ્ય સમજ હોય કે નહીં પણ ટેલીવીઝનના પડદે પોલીસ ઉપર થઈ રહેલા હુમલા પછી આપણી કહેવાતી રાષ્ટ્રીયતા ઉકળી ઉઠે છે અને આપણે એકદમ કહી દઈએ છીએ કે સાલાઓને ગોળી મારો... આવું એટલા માટે થાય છે કારણ કે આપણને ખબર છે કે શ્રીનગરમાં પોલીસ ઉપર પથ્થર ફેંકનાર મુસ્લિમ છે. કાશ્મીરમાં પોલીસને નિશાન બનાવનાર મુસ્લિમ હોવાને કારણે આપણે ત્યાં અલગ ધોરણ અપનાવીએ છીએ. જ્યારે ગુજરાતમાં દલિત, મુસ્લિમ અને પટેલોને પોલીસ મારે ત્યારે આપણે પોલીસ અત્યાચારનો ધાબળો ઓઢી લઈએ છીએ.

સવાલ અને તેનો ઉત્તર બહુ સ્પષ્ટ છે, જેને કાયદાનું પાલન કરવાનું છે, તે પોલીસ જવાન અથવા સશસ્ત્ર દળ જ્યારે પોતાની ઉપર હુમલો થાય ત્યારે ખાખી વર્દીધારીઓનું ટોળુ બની જાય તે હરગીઝ ચલાવી શકાય નહીં, સ્વરક્ષણ માટે જો નિર્દોષને દંડ આપ્યો હોય તો દંડ આપનાર પોલીસને પણ દંડ મળવો જ જોઈએ તેમાં કોઈ બેમત નથી, પરંતુ શ્રીનગરથી લઈ કન્યાકુમારી સુધી પોલીસ ઉપર હુમલો કરનાર માટે આપણા માપદંડ એક જ હોય તે પણ એટલુ જરૂરી છે

(સાભાર-ગુજરાત મિત્ર સુરત)