પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, ગાંધીનગર): ગુજરાત વિધાનસભાનું સત્ર હવે ત્રણ દિવસમાં પુરૂ થઈ જશે. સમગ્ર સત્ર દરમિયાન કોઈપણ વિભાગ અથવા મંત્રીનો શ્રેષ્ઠ દેખાવ હોય તો તેમા પહેલો નંબર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આપી શકાય છે. સત્ર મહંદઅશે તોફાની હતું અને ઘણા વર્ષો બાદ કોંગ્રેસની બેઠકમાં વધારો થયો હોવા છતાં એક માત્ર નીતિન પટેલે કોંગ્રેસના પ્રહારો અને રાજકિય ટીકાનો તાર્કિક જવાબ આપી ભાજપ સરકારની આબરૂ બચાવી લીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે વિજય રૂપાણીની સરકારમાં અમિત શાહ નીતિન પટેલની રાજકિય ખસી કરી નાખવા માગતા હતા, પણ વિધાનસભાના આ સત્રમાં નીતિન પટેલે સાબિત કરી આપ્યુ કે ભાજપની ટીમનો મેન ઓફ ધી સેશન નીતિન પટેલ જ રહ્યા છે. 

વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ દ્વારા ભાજપની નિષ્ફળતા અને પ્રજાના કામો થતાં નથી તેવા આક્ષેપો સરકાર ઉપર કર્યા ત્યારે તેનો જવાબ આપવાની ત્રેવડ ભાજપના કોઈ મંત્રીમાં ન્હોતી કારણ તેઓ હોમવર્ક કર્યા વગર ગૃહમાં આવતા હતા. જ્યારે નીતિન પટેલ પોતાના તમામ વિભાગોની માગણીઓ અને પ્રશ્નો અને ચર્ચા દરમિયાન પુરી સજાતાથી ગૃહમાં આવી જવાબ આપતા હતા. જેના કારણે તેમના એક પણ પ્રશ્નમાં તેઓ જવાબ આપી શક્યા નથી તેવી ફરિયાદ કોંગ્રસેના સભ્યો પણ કરી શકે તેવો અવકાશ તેમણે છોડ્યો ન્હોતો. સામાન્ય રીતે તેઓ ઉત્તર ગુજરાતના પટેલ હોવાને કારણે ભરાડીયા અને વિધાનસભામાં બેઠા બેઠા કોમેન્ટ કરવા માટે જાણિતા હોવા છતાં આ સત્રમાં તેના કરતા તેઓ વિપરીત વ્યવહાર કરતા હતા.

કોંગ્રેસના સભ્યોએ જ્યારે તેમના મત વિસ્તારમાં કામ થતાં નથી તેવી ફરિયાદ તેમણે કરી ત્યારે તેમણે કોંગ્રેસના સભ્યોને કહ્યુ હતું કે માત્ર ગૃહમાં શાસક પક્ષને ગાળો આપવાથી પ્રજાના કામ થવાના નથી. તમારા વિસ્તારની પ્રજા પણ અમારી છે અને અમારે તેમના કામ કરવા છે. વિધાનસભા ગૃહ માત્ર એક મહિના માટે મળે છે. પરંતુ ત્યાર બાદ તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નો લઈ મારી ચેમ્બરમાં આવશે તો હું અધિકારીઓને બોલાવી તે પ્રશ્નની ચર્ચા કરીશ અને સાથે બેસી આપણે લોકાના પ્રશ્નો ઉકેલીશુ અને તેમના કામ કરીશુ. આમ નીતિન પટેલ ભાજપ-કોંગ્રેસના ભેદ જોયા વગર પ્રજાના કામ થાય તેવી સંવેદનશીલતા બતાડી હતી. નીતિન પટેલના આ પ્રકારના વ્યવહારને કારણે કોંગ્રેસ પાસે ભાજપનો વિરોધ કરવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.

કોંગ્રેસ દ્વારા સત્ર દરમિયાન ઘણા રાજકિય અવલોકન અને ટીકાઓ કરવામાં આવી હતી ત્યારે પણ નીતિન પટેલે પોતાના સંબોધનમાં કટુતા લાવ્યા વગર કોંગ્રેસના રાજકિય બોલની પણ સારી ફટકાબાજી કરી હતી. કોંગ્રેસના સભ્ય શૈલેષ પરમારે કહ્યુ હતું કે નીતિન પટેલને કડવા ઘુંટ પીવાની ટેવ છે (નીતિન પટેલની મુખ્યમંત્રી થવાની ઈચ્છા હતી પણ તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તે સંદર્ભમાં કહ્યુ) આ ટીકાનો જવાબ આપતા નીતિન પટેલે કહ્યુ હતું કે જીવનમાં કડવા ઘુંટ તમામને પીવા પડે છે જેમાં શૈલેષભાઈ પરમાર, કુવરજી બાવળીયા અને વિરજી ઠુમ્મર પણ આવી જાય છે (પરેશ ઘાનાણીને વિરોધ પક્ષના નેતા બનાવ્યા તે નિર્ણય આ તમામ નેતાઓને પંસદ ન્હોતો તેના સંદર્ભમાં તેમણે કહ્યુ) આમ નીતિન પટેલે છીછરી રાજકિય ટીકા કરવાને બદલે એક પુખ્ત રાજકિય ટીકાઓ કરી હતી જે સાંભળનારને પણ માઠી લાગે નહીં તે પ્રકારની હતી. આમ નીતિન પટેલ તમામ મોરચે સફળ રહ્યા અને ટીમના શ્રેષ્ઠ ખેલાડી સાબિત થયા છે.