મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગુનેગારને કાયદાનો ડર લાગવો જ જોઈએ પણ જેમણે કાયદાનું પાલન કરાવવાનું છે તેમણે કાયદાને આદર પણ આપવો પડે, પણ આવુ ઘણી વખત થતુ નથી. અમરેલીના પોલીસ ઈન્સપેક્ટર આર. વી. ચૌધરી પાસે એક માણસ પોતાની ફરિયાદ આપવા આવ્યો હતો પણ જેવુ સામાન્ય રીતે બનતુ હોય છે તેવુ જ બન્યુ. ફરિયાદી ધક્કા ખાતો રહ્યો પણ તેની ફરિયાદ નોંધાઈ નહીં. આ વાત અમરેલીના એસપી નિર્લિપ્ત રાય સુધી પહોંચી, તેમણે વાતની ખરાઈ કરાવી અને આર. વી. ચૌધરીને ફરજ મોકુફી ઉપર ઉતારી તેમની સામે ફરિયાદ નોંધવામાં કેમ વિલંબ થયો તેની તપાસ શરૂ કરાવી.

નિર્લિપ્ત રાયની પાછળ વિવાદ ફરતો રહે છે કારણ તેઓ જે પ્રકારે કામ કરે છે તેવી રીતે પોલીસ કામ  કરવા ટેવાયેલી હોતી નથી, તેમાં પણ તેઓ હાલમાં અમરેલીમાં એસપી છે. અમરેલીના લોકોના કહેવા પ્રમાણે અમરેલીને ઘણા વર્ષો પછી એવા પોલિસ અધિકારી મળ્યા છે જેમના નામ માત્રથી પોલીસ કામ કરતી થઈ ગઈ છે. પોલીસે લોકો પાસે પૈસા માંગવાનું બંધ કર્યુ છે અને પ્રજાએ સ્વંયભુ કાયદાનું પાલન કરવાનું શરૂ કર્યુ છે. આ એક આદર્શ સ્થિતિ છે પણ તે માટે કામ કરનાર પોલીસ અધિકારીએ પણ અનેક પ્રકારે કિંમત ચુકવવી પડતી હોય છે.  ગુજરાત કેડરમાં આવ્યાને હજી નિર્લિપ્ત રાયને છ વર્ષ થયા છે, પણ છ વર્ષમાં તેમની છ વખત બદલી થઈ ચુકી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે આવ્યાને છ મહિના થયા હતા ત્યા તેમને એડીશનલ એસપી તરીકે અમદાવાદ જિલ્લામાં મુકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને જાણકારી મળી કે સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા જુહાપુરામાં યાસીન કાણીયાનો મોટો અડ્ડો ચાલે છે. નિર્લિપ્ત રાય મોટા પોલીસ કાફલા સાથે ત્યાં પહોંચી ગયા પણ ત્યાં જોઈ જોયુ તો અડ્ડો હતો જ નહીં, તેમને ગુસ્સો આવ્યો તેમને લાગ્યુ કે તેમને બાતમી આપનારે તેમને મુર્ખ બનાવ્યા.  થોડા દિવસ પછી ફરી તેમને બાતમી મળી કે યાસીનનો અડ્ડો ચાલુ છે, તેઓ ફરી ફોર્સ સાથે પહોચ્યા પણ પહેલા જેવુ જ થયુ.

નિર્લિપ્ત રાયે બાતમીદારને બોલાવી ઠપકો આપ્યો હતો. બાતમીદારે ડરતા ડરતા રાયને કહ્યુ સર મને શંકા છે કે તમારા ફોર્સના અધિકારીઓ યાસીન સાથે ભળેલા છે, તમે જતા પહેલા તેમને બાતમી મળી જાય છે અને અડ્ડો બંધ થઈ જાય છે. રાયને બાતમીદારને જરૂરી સુચના આપી રવાના કર્યો. થોડા દિવસ પછી બપોરના સુમારે બાતમીદારનો ફોન રણક્યો. તેણે કહ્યુ સર અડ્ડો ચાલુ છે, નિર્લિપ્ત રાય પોતાની ચેમ્બરની બહાર આવ્યા, બહાર ઉભા રહેલા કોન્સ્ટેબલને કહ્યુ તારી પાસે વાહન છે? તેણે કહ્યુ હા સર બાઈક છે.

તેમણે કોન્સટેબલને કહ્યુ ચાલ બાઈક લઈ લે આપણે આવીએ, કોન્સટેબલના બાઈક પાછળ બેસી રાય એકલા જુહાપુરા જવા નિકળ્યા. કોન્સટેબલને પહેલા તો આશ્ચર્ય તે બાબતનું હતું કે એએસપી તેના બાઈક ઉપર બેઠા અને બીજી તે ક્યા જઇ રહ્યા હતા તેની તેને ખબર ન્હોતી. પાછળની સીટ ઉપર બેઠેલા રાય સુચના આપતા તેમ કોન્સટેબલ બાઈક ચલાવી રહ્યા હતા. બાઈક જુહાપુરામાં વળ્યુ, કોન્સટેબલને ટેન્શન થવા લાગ્યુ હતું કારણ અહિયા એકલદોકલ પોલીસ ક્યારેય આવતી નથી, પણ પાછળ બેઠેલા રાય નાની સાંકડી ગલીમાં થઈ યાસીનના અડ્ડા ઉપર પહોંચ્યા અને બાતમી સાચી નિકળી. યાસીનના અડ્ડા પાસે બાઈક ઉભુ રહેતા કોન્સટેબલ સમજી ગયો અને તેને ખબર પડી કે સાહેબે એકલા આવવાની ભુલ કરી છે. પણ રાય બાઈક ઉપરથી ઉતર્યા અને પેન્ટમાં સંતાડી રાખેલી પિસ્તોલ બહાર કાઢી અને જે અડ્ડો ચાલતો હતો તેમાં દાખલ થઈ તેનું શટર અંદરથી બંધ કરી દિધુ. બહાર કોન્સટેબલ એકલો હતો, તેને ખ્યાલ આવી ગયો કે અંદર દોઢસો કરતા વધુ ગુનેગારો છે અને એએસપી સાહેબ એકલા છે.  હવે કંઈ પણ થઈ શકે તેમ ન્હોતુ. કોન્સટેબલે તરત અમદાવાદ જિલ્લાના એસપી ગગનદિપસિંહ ગંભીરને ફોન કરી આખી ઘટનાની જાણ કરી.

એસપી ગગનદિપસિંહ ગંભીર મામલો સમજી ગયા તેમને અંદાજ આવી ગયો કે નિર્લિપ્ત રાયે બહાદુરી બતાડવામાં ઉતાવળ કરી દીધી, વિસ્તાર સંવેદનશીલ હતો, હવે ત્યાં કંઈ પણ સ્થિતિ નિર્માણ થઈ શકે તેમ હતી. તેઓ તરત ફોર્સ સાથે ત્યાં પહોંચ્યા, સદનસીબે રાય સલામત હતા. નિર્લિપ્ત રાયે પોતાના અડ્ડા ઉપર રેડ કરી દીધી તેવી ખબર પડતા યાસીન ભાગી છુટ્યો હતો. જ્યા સુધી  નિર્લિપ્ત રાયની બદલી થઈ નહીં ત્યાં સુધી યાસીન અમદાવાદમાં આવ્યો નહીં, રાયનો ડર એટલો કામ કરી ગયો કે રાય ગયા પછી આ કેસમાં પોલીસ સામે હાજર થયેલા યાસીને પોતાના બે નંબરના ધંધાને કાયમ માટે અલવીદા કરી દીધો.